આયુર્વેદમાં પ્રાચીનકાળથી સુવાનો ઉપયોગ ઘરગથ્થુ ઔષધ તરીકે થાય છે. નાનાં બાળકોને પેટમાં દુખતું હોય તો સુવાને ચાવીને તેમાં ટીપું પાણી નાખી નીચોવી તે પાણી પીવડાવવાનો રિવાજ છે. ભોજન કર્યા બાદ મુખશુદ્ધિ માટે અને પાચનક્રિયાને ઝડપી બનાવવા માટે શેકેલા સુવાનો ઉપયોગ થાય છે.
પ્રાચીન સમયથી પ્રસૂતાઓને સુવા રોગ ન થાય તે માટે પ્રસૂતિ બાદ સુવાનું પાણી આપવાનો રિવાજ છે. ગામડાંમાં ડૉક્ટર કે વૈદ્ય ઉપલબ્ધ ન હોય ત્યાં સૂયાણી પ્રસૂતા સ્ત્રીની તંદુરસ્તી જાળવવા સુવાનો ખોરાકમાં તેમજ સુવાનું પાણી પીવામાં ભરપૂર ઉપયોગ કરાવે છે. ૧૦૦ ગ્રામ જેટલા સુવાને બે લિટર પાણીમાં બરાબર ઉકાળી ચોથા ભાગનું પાણી બળી જાય પછી તે ઉકાળાને ઠંડું પાડી અડધો-અડધો પ્યાલો પીવાના પાણીની જગાએ લેવામાં આવે છે.
પ્રસૂતાને ખોરાક પ્રત્યે અરૂચિ થતી હોય તો તે દૂર થાય છે. શ૨ી૨માંના જંતુઓ નાશ પામે છે. પ્રસૂતાના જનન અવયવોને આ ઉકાળાથી ધોવાથી કોઈ જાતનો ચેપ લાગતો નથી. અને યોનિના સ્નાયુઓ ઝડપથી સ્થિતિસ્થાપકતા ધારણ કરી મૂળ સ્થિતિમાં આવે છે.
સુવા પ્રસૂતાનું ધાવણ વધારે છે. પ્રસૂતાની પાચનક્રિયા પણ સુધારે છે. અને કિટાણુઓનો નાશ કરે છે તેથી પ્રસૂતાને સુવાના ઉકાળા આપવામાં આવે છે. એલોપથી પ્રવાહી મિશ્રણો બનાવવા માટે વપરાતું એક્વાએનિથી એ સુવા નું જ પ્રવાહી સ્વરૂપ છે.
વરિયાળી, ધાણાની દાળ અને સુવા સમભાગે લઈ શેકી નાખવા ત્યારબાદ થોડા થોડા ખાંડી ઉપરથી છોડાં કાઢી નાખવાં. તૈયાર થયેલા મિશ્રણ ઉપ૨ સંચળ અથવા સિંધાલૂણનું પાણી છાંટી બરાબર મિક્ષ કરી તડકે સૂકવવા દેવું બરાબર સૂકાઈ ગયા બાદ મુખવાસ તરીકે વાપરી શકાય. આ મુખવાસ ખોરાકને સારી રીતે પચાવનાર, પાચકરસોને વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરનાર સ્વાદિષ્ટ વસ્તુ છે તેના વપરાશથી મોઢામાંથી દુર્ગંધ આવતી બંધ થાય છે.
અસ્થિવાત, કટિવાત અને સંધિવામાં સુવા, દેવદાર, હિંગ અને સિંધવના સમભાગ ચૂર્ણને આકડાના દૂધમાં પલાળી જે-તે ભાગ ઉપર લેપ કરવો. ત્રણ દિવસમાં આ ત્રણેય રોગ મટે છે. સુવા અને સિંધવને પાણીમાં લસોટી ચટણી જેવું બનાવી મધમાખીના ડંખ ૫૨ લેપ કરવાથી ડંખની વેદના મટે છે. નાનાં બાળકોની તંદુરસ્તી સાચવવા તેમને ગ્રાઇપ વૉટર, બાબુલીન વગેરે આપવામાં આવે છે તેમાં મુખ્ય ભાગ સુવાનું પાણી હોય છે.
સુવાને ચોવીસ કલાક પાણીમાં પલાળી રાખી તેનો અર્ક કાઢવામાં આવે છે. આ અર્ક બાળકોનાં ઉદરશૂળ, ઉલટી, હેડકી વગેરેમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા સિવાય આપી શકાય છે. સુવાનો અર્ક પાચનક્રિયા સુધારે છે. સુવાની માત્રા અડધા તોલા જેટલી, સુવાના તેલની માત્રા એકથી ત્રણ ટીપાં અને અર્કની માત્રા એક ઔંસ (છ રતીભા૨) જેટલી લેવી.
સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવીને આપવાથી અતિસાર મટે છે. પેટમાં ભારેપણું લાગતું હોય, ઝાડામાં આમ આવતો હોય, ઝાડામાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે સુવાનું ચૂર્ણ લેવું લાભદાયક રહે છે. સુવાની પોટલી બનાવી પ્રસૂતાની યોનિમાં મૂકવાથી યોનિશૂળ મટે છે. તે ભાગમાંના જંતુઓ નાશ પામે છે. ગર્ભાશયમાં રહેલાં જંતુઓનો પણ નાશ થાય છે અને બગાડ બહાર નીકળી જાય છે.
શેકેલા સુવાને સાધારણ ખાંડી નાખી ઉપરથી છોડાં કાઢી નાખી સાફ કરી ઉ૫૨ સિંધવ અથવા સંચળ ભભરાવી જમ્યા પછી મુખવાસ તરીકે વાપરી શકાય. આ મુખવાસ પાચનશક્તિને વધા૨ના૨, મોઢામાં સ્વાદ ઉત્પન્ન ક૨ના૨ રૂચિકર વસ્તુ છે. નાનાં બાળકોથી વૃદ્ધ સુધીના દરેક તેનો ઉપયોગ કરી શકે છે. મોઢામાંથી દુર્ગંધ આવતી બંધ થાય છે.