જો તમે એવું વિચારતા હોવ કે મચ્છર માત્ર તમારા જીવ પાછળ જ પડેલા હોય છે પણ તમારા રૂમ પાર્ટનર કે લાઈફ પાર્ટનર પાછળ નહીં. આ લોહી ચૂસણિયા મચ્છરો એવી ખાસ ચામડી પ્રત્યે આકર્ષાય છે જે અન્ય કરતા અલગ હોય છે. મચ્છરોમાં માત્ર માદા મચ્છરો જ કરડે છે અને તેમને પોતાના ઇંડાની ફળદ્રુપતા વિકસાવવા માટે માનવ લોહીની જરૂર પડે છે. મચ્છરના ડંખ એ ઘણી બધી જીવલેણ બિમારીઓ જેમ કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને પીળિયો તાવ માટે કારણરૂપ છે, અને માટે જ તે એક મોટો ચિંતાનો વિષય છે માટે એ જાણીને ગર્વ ના અનુભવતા કે મચ્છરને માત્ર તમારું જ લોહી ગમે છે.
તમને જણાવી દઇએ કે, નર મચ્છર જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે ફૂલોનો રસ પીને જ જીવે છે, જ્યારે માદા મચ્છરો એવું કરતા નથી. માદા મચ્છર જ્યારે ઇંડા મૂકવા લાયક થઇ જાય છે, તેની પોષણ માટેની જરૃરિયાત બદલાઇ જતી હોય છે. એ વખતે ફૂલોના રસથી તેનું પોષણ થઇ શકતું નથી. તેને પોતાના આહારમાં ચરબી અને પ્રોટીનની પણ જરૃરિયાત ઊભી થાય છે. આ જરૃરિયાત તે કોઇ જીવનું લોહી પીને પૂરી કરે છે. એ માટે તે માનવી અને અન્ય જીવોને પણ કરડે છે.
તમે જ્યારે પાર્કમાં કે ગાર્ડનમાં ફરવા જાઓ છો ત્યારે એવું બને છે ખરું કે તમારા માથા પર મચ્છરોનું ઝુંડ ફરતું હોય અને તમે જ્યાં જાઓ ત્યાં એ તમારી પાછળ ફરતું હોય? એમાં પણ નવાઈ તમને એ લાગી હોય કે આ ફક્ત મારા માથે જ કેમ ફરે છે? તમારી સાથે જે બીજી વ્યક્તિઓ હોય તેના માથા પર તો એક પણ મચ્છર નથી! અથવા તો ઘરમાં જ્યારે તમે ફરિયાદ કરો કે આજે તો ઘરમાં મચ્છર ભરાઈ ગયા લાગે છે, ખૂબ કરડે છે ત્યારે ઘરમાં જે બીજી ૪-૫ વ્યક્તિઓ હોય તે કહેશે કે ક્યાં છે મચ્છર? એ તો બસ તને જ કરડે છે! ત્યારે નવાઈ લાગે અને પ્રશ્ન ઊઠે જ કે આવું કેવું?
બધી જગ્યાએ મને જ કેમ મચ્છર કરડે છે? વળી આવા લોકો આ જગ્યાએ મજાકને પાત્ર પણ બની જતા હોય છે. ઘણા લોકો તેમને મજાકમાં એવું પણ કહેતા હોય છે કે તારું લોહી મીઠું છે એટલે તને મચ્છર કરડે છે. તો વળી ઘણા કહે છે કે ભાઈ, નાહ્યા વગર ફરે છે એટલે મચ્છર કરડે છે.
ખરા અર્થમાં આશ્ચર્ય જન્માવે એવી આ હકીકત છે કે અમુક નિશ્ચિત લોકો મૉસ્કિટો મૅગ્નેટ કઈ રીતે બની જતા હોય છે કે મચ્છર તેમને જોઈને જાણે તેમની તરફ ખેંચાઈ આવે છે. આખરે એવું શું છે આ લોકોમાં જેને કારણે મચ્છર તેમના પ્રત્યે વધુ આકર્ષિત થઈ જાય છે? કુદરતી નિયમ જોઈએ તો મચ્છરો વગર કોઈ કારણે એક વ્યક્તિને કરડે અને બીજાને નહીં એવું ખરા અર્થમાં શક્ય નથી, કારણ કે કોઈ ને કોઈ આકર્ષણ જરૂર હશે જેનાથી એ એક વ્યક્તિ પ્રત્યે ખેંચાઈ આવે છે અને તેને ડંખે છે.
અહીં અમે તમને મચ્છર કરડવાના કેટલાક કારણો જણાવી રહ્યા છીએ.
તમારુ બ્લડ ટાઇપ O છે :
હવે તમારી આ જન્મજાત ભેટ માટે તો તમે કશું જ કરી શકો તેમ નથી. પણ મચ્છરો તમારી નસોમાં વહેતા લોહીના ગૃપને આધારે જ તમારા પર એટેક કરે છે. મેડિકલ એન્ટોમોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પ્રમાણે ઓ બ્લડ ટાઈપમાં કોઈક પ્રકારની ગંધ સમાયેલી છે જે મચ્છરોને આકર્ષે છે. ત્યાર બાદ બી ગૃપનો વારો આવે છે અને એ ગૃપ મચ્છરોને સૌથી ઓછા આકર્ષે છે.
હલનચલન કરતી વ્યક્તિ :
હલનચલન કરતી વ્યક્તિને પણ મચ્છર વધુ કરડે છે, કારણ કે મચ્છરો કાર્બન ડાયોક્સાઇડથી આકર્ષાય છે માટે જે વ્યક્તિઓ ખૂબ ઍક્ટિવ હોય અને ખૂબ ઝડપથી શ્વાસ લેતી હોય તેમને પણ મચ્છર વધુ કરડવાનો ભય રહે છે. જ્યારે વ્યક્તિ ઍક્યિવ હોય ત્યારે ખાસ તેના શરીરમાં ઉત્પન્ન થતી ગરમી મચ્છરને તેમની નજીક લાવે છે. એટલે જ કદાચ પાર્કમાં ચાલતી વખતે કે જૉગિંગ કરતી વ્યક્તિને વધુ મચ્છર કરડે છે.
તમને હંમેશા પરસેવો આવતો હોય :
તમારી પ્રસ્વેદ ગ્રંથીમાં સમાયેલો લેક્ટિક એસિડ મચ્છરોને તમારી તરફ આકર્ષિક શકે છે. આ એસિડ જ્યારે તમે ખુબ પરિશ્રમ કરો છો ત્યારે ઉત્પન્ન થાય છે. વધારામાં, આ શ્રમ દરમિયાન તમારા શરીરનું તાપમાન થોડું ઉંચુ આવી જાય છે અને તે કારણસર પણ મચ્છર તમારા તરફ આકર્ષાય છે કારણ કે ગરમ શરીર મચ્છરના ડંખ માટે ખુબ જ અનુકૂળ હોય છે. તેવું અમેરિકન નિષ્ણાતોનું કહેવું છે.
જો તમે બિયર પીધી હોય :
તમે માનો કે ન માનો પણ આ સત્ય છે. પોલીસને તમે આ બાબતમાં મૂર્ખ બનાવી શકો પણ મચ્છરોને મુર્ખ નહીં બનાવી શકો. પશ્ચિમ આફ્રિકા અને જાપાનમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે મચ્છરો માત્ર પાણી પીધું હોય તેવી વ્યક્તિઓ કરતાં જેમણે આલ્કોહોલનું સેવન કર્યું હોય તેમની તરફ વધારે આકર્ષાય છે. બની શકે કે તેના કારણ તમારા પરસેવામાં જે એથેનોલનું પ્રમાણ વધ્યું હોય તે હોય.
હાઈ બ્લડ કૉલેસ્ટરોલ :
જે લોકોના શરીરમાં હાઈ બ્લડ કૉલેસ્ટરોલ છે તેવા લોકો તરફ મચ્છર ઓછા આકર્ષાય છે. ઊલટું જેમના શરીરમાં કૉલેસ્ટરોલનું પ્રોસેસિંગ બરાબર થાય છે અને એની બાય પ્રોડક્ટ સ્વરૂપે જે પદાર્થ પરસેવાની સાથે બહાર આવે છે અને ચામડી પર ચોંટી રહે છે તેના તરફ પણ મચ્છર વધુ આકર્ષાય છે.
જો તમે આમાંના બદનસિબો હોવ તો તમારા માટે એ જ યોગ્ય રહેશે કે તમે લાંબી બાંયવાળા શર્ટ-ટીશર્ટ અને પેન્ટ-પાયજામા પહેરવાનું રાખો અને હંમેશા મચ્છર મારવાની દવાનો નિયમિત ઉપયોગ કરો.