શેમળાના મોટા ઝાડ થાય છે. તેમાં રાતો અને સફેદ બે જાત હોય છે. એનાં પાન અખરોટનાં પાન જેવાં પણ વધારે લાંબા હોય છે. તેનું રાતું ફૂલ ઘણું મોટું હોય છે. નાનાં ઝાડનાં મૂળ, ઘણા નાજુક હોય છે. તેનો ગર્ભ ધોળો હોય છે. તેનું ફળ કપાસના ઝીંડવા જેવું હોય છે. અંદરથી ઘણું નરમ રૂ હોય છે.
શેમળાનાં ઝાડ કાંટાવાળા તથા કાંટા વગરના એમ બે પ્રકારના હોય છે. કાંટાવાળા ઝાડને કાંટા શેમળો કે સવાર કાંટા કહે છે. મોટા ભાગની દવાઓમાં શેમડાની જડ વપરાય છે. એનાં ઝાડની જડ બહારથી ઘેરી, ભૂરી તથા અંદરથી રતાશ પડતી હોય છે અને રેસાવાળી હોય છે.
શેમળો ગુણમાં કૃમિનાશક, સ્નિગ્ધ, વૃષ્ય તથા કફ હરનાર છે. સ્વાદમાં મધુર અખ્ત, કષાય, રસ, શીતવીર્ય તથા મધુરવિપાકી છે. એ કફપિત્ત, રક્તદોષ નાશક છે. અતિસાર, સંગ્રહણી, મરડો વગેરેમાં શેમળો ખૂબ જ ઉપયોગી નીવડે છે. રક્તપ્રદરમાં આ શેમળો ઘણી ઉત્તમ ઔષધિ ગણાય છે.
ઝાડાનાં દર્દીને શેમળાનાં મૂળની રાબ બનાવીને પીવડાવાય છે. એ ગ્રાહી હોવાથી પૌષ્ટિક દવા તરીકે પ્રસિદ્ધ છે. શેમળો પિત્તના લોહીના દસ્તને, શરીરના કોઈ પણ ભાગની બળતરાને, વહેતી ધાતુને, ગડ ગૂમડાં, ફોલ્લાંને, લોહીના બગાડમાં ફાયદો કરે છે. એની છાલનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી પેટનો રોગ મટે છે.
એની છાલનું ચૂર્ણ સાકર સાથે આપવાથી મૂત્રની સમસ્યા મટાડે છે. શેમળાનાં ફૂલોને બાફી રાત્રે ઠંડા પાડી, તેમાં રાઈનું ચૂર્ણ નાખી લેવાથી પથરી થતી અટકે છે અથવા થયેલી હોય તે નીકળી જાય છે. શેમળાનાં ફૂલ બાફી તેનું પાણી લઈ રાતભર રાખી સવારે પીવાથી બરોળ પોચી થાય છે. તાજાં ફૂલનો રસ નવશેકા પાણીમાં નાખી પીવાથી ઝાડો બંધ થાય છે.
શેમળાનાં પાન, વાસનેલાના પાન, તુલસીનાં પાન, લીંબડાનાં પાન, શેમળાનું મૂળ, શરપંખાનું મૂળ, ધાવડીનાં ફૂલ, વાવડિંગ, વરિયાળી, રસવંતી, લવિંગ, સૂંઠ, હિંગળો વગેરે ચીજો અઢી અઢી ગ્રામ જેટલી લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ બે થી પાંચ ગ્રામ જેટલું લેવાથી જીર્ણ જવર, ઉધરસ, શ્વાસ, અતિસાર, માથાનો દુખાવો, ક્ષીણતા વગેરે રોગોનો નાશ થાય છે.
શેમળાની અંતરછાલ, ફૂલ, ગુંદર આ બધી ચીજો દરેક ૨૦ ૨૦ ગ્રામ લેવી, ઉપરાંત કૌચાં બીજ તથા તાલીમખાના અને ઓથમી જીરું દરેક ૧૦ ગ્રામ લેવું. પીપર, શતાવરી તથા ધોળી મૂસળી પાંચ પાંચ ગ્રામ લઈ તેનું રીતસર ચૂર્ણ બનાવી નાની નાની લાડુડી બનાવી તે લાડુડીના સેવનથી પેશાબનાં બધાં દર્દોમાં ઘણી રાહત થાય છે. ધાતુને પુષ્ટિ મળે છે અને પ્રમેહ મટે છે.
શેમળાનાં ફૂલ, ગુંદર, એખરો, ગોખરું, તકમરીયા, મુસળી, ઉપલેટ, શતાવરી, અધેડાનાં બીજ, પીપરી મૂળ, ગજપીપર, લીંમડી પીપર, મોટી એલચી, સફેદ તીખાં કપૂર કાચલી આ બધી ચીજો અઢી અઢી ગ્રામ લઈ તેની નાની નાની ગોળી બનાવી આ ગોળીના સેવનથી નબળાઈ મટે છે. કળતરમાં રાહત થાય છે. કામનું મંદપણું, યાદશક્તિ ઓછી થવી વગેરે વ્યાધિમાં રાહત મળે છે.
શેમળાના મૂળની છાલને પીસીને દરરોજ એક ચમચી પાણી સાથે લેવાથી ગર્ભવતી મહિલાઓને ફાયદો થાય છે. આ તેમના સ્તનમાં દૂધની વૃદ્ધિ તરફ દોરી જાય છે કાળા મરી અને આદુના પાવડર સાથે શેમળાના મૂળનો પાવડર મેળવી લેવાથી કફ અને શરદીમાં રાહત મળે છે.
મરડોની ફરિયાદમાં, શેમળોના ફૂલની ઉપરની છાલને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે સાકર સાથે મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. શેમળાના તાજા પાંદડા તોડી નાખો અને તેને પાણીમાં પીસી લો. આ પેસ્ટમાં એક ગ્લાસ પાણી મિક્સ કરીને તેને કપડાથી ગાળી લો અને પછી તેનું સેવન કરો. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.