ધાણા દાળ-શાકના મસાલાની અગત્યની વસ્તુ છે. રસોઈમાં તેનો રોજિંદો ઉપયોગ થાય છે. ધાણા દાળ, શાકમાં સુગંધ લાવે છે. ચોમાસામાં અને શિયાળામાં તેનું વાવેતર થાય છે. ઊંડી કાળી જમીનમાં ધાણા સારા થાય છે. તેના છોડ એકથી દોઢ ફૂટના થાય છે. પાન કપાયેલાં દાંતાદાર હોય છે. તેનાં ફૂલ સફેદ હોય છે. તેના લીલા છોડને કોથમીર કહે છે.
ઘરના આંગણામાં કે કૂંડામાં ધાણાને વાવવાથી થોડા જ દિવસમાં એ ઊગી નીકળે છે. એ રીતે વાવવાથી તાજી કોથમીર મળે છે. દાળ-શાકમાં નાખવા માટે બધી ઋતુઓમાં એ પ્રમાણે કોથમીર ઉગાડી તૈયાર કરી શકાય છે. કોથમીર રુચિ વધારનાર, પિત્તની ગરમીનું શમન કરનાર અને પાચક હોવાથી દાળ-શાકમાં તેને ઝીણી સુધારીને નાખવામાં આવે છે. દાળ-શાક ચડી ગયા પછી જ ચૂલેથી ઉતાર્યા પછી જ તેમાં કોથમીર નાખવી જોઈએ.
ધાણાને કરમાવીને છૂટી પાડેલી તેની દાળ મુખવાસ તરીકે વપરાય છે. એ પાનના મસાલા તરીકે પણ વપરાય છે. શેકેલી ધાણાની દાળમાં સિંધવ, હળદર અને લીંબુનો રસ મેળવવાથી રુચિપ્રદ, પાચક અને સ્વાદિષ્ટ મુખવાસ બને છે. ધાણા અને જીરું સરખે ભાગે મેળવી ખાંડીને મસાલો બનાવવામાં આવે છે. આ ધાણાજીરું પિત્ત સમાવનાર, રુચિ વધારનાર અને પાચક ગણાય છે. એ દાળ-શાકમાં ખૂબ વપરાય છે.
ધાણા નૂરા, વીર્ય માટે અહિતકારી, મૂત્ર ઉત્પન્ન કરનાર, હલકા, કઠવા, તીખા, ઉષ્ણવી, અગ્નિને પ્રદીપ્ત કરનાર, પાયન કરનાર, જવરને મટાડનાર, કૃષિ ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર, પાકમાં મધુર અને ત્રણે દોષને મટાડનાર છે. તે તરસ, બળતરા, ઊલટી, શ્વાસ, દુર્બળતા અને કૃમિરોગ મટાડે છે. પિત્તના રોગી તથા શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવો જોઈએ.
અડધા તોલા ધાણાને ઉકાળી તેમાં દૂધ અને ખાંડ નાખી ચા બનાવીને દરરોજ સવારે પીવાથી પાચનક્રિયા સુધરે છે. ધાણા, જીરું, મરી, ફુદીનો, સિંધવ અને દ્રાક્ષને લીંબુના રસમાં પીસીને બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે. ધાણા, એલચી અને મરીનું ચૂર્ણ ધી અને સાકર સાથે લેવાથી પણ અરુચિ મટે છે.
ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી, તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી તરસ શાંત થાય છે, તાવમાં વારંવાર તરસ લાગે છે ત્યારે ધાણા, સાકર અને દ્રાક્ષ પાણીમાં પલાળી મસળી, ગાળી, તે પાણી તાવના રોગીને પાવાથી તરસનું શમન થાય છે. ધાણા અને દ્રાક્ષ નું પાણી પિત્તાના તાવમાં ઘણો ફાયદો કરે છે.
એક-એક તોલો ધાણા અને સાકરને નવટાંક પાણીમાં એક કલાક પલાળી રાખી, મસળી, ગાળી પિવડાવવાથી બે કલાકમાં અમદોષથી આવેલો તાવ પરસેવો વળીને ઊતરી જાય છે. ધાણા અને વરિયાળીનો કવાથ (ઉકાળો ) પીવાથી શરીરની અંદર રહેલો આમ બળી જાય છે; દાહ, તરસ, મૂત્રની બળતરા તથા બેચેની દૂર થાય છે તેમ જ પરસેવો વળી આમ જન્ય તાવ ઊતરી જાય છે.
ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, તેમાં એક તોલો સાકર મેળવીને પીવાથી દાહ મટે છે. ધાણા અને સાકર પીવાથી પેટમાં થતી બળતરા શાંત થાય છે. ધાણા અને જીરું એક-એક તોલો લઈ, અધકચરું ખાંડી, વીસથી ત્રીસ તોલા પાણીમાં રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર-છ દિવસ સુધી તેને પીવાથી કોઠાનો દાહ-બળતરા શાંત થાય છે. હાથ-પગમાં બળતરા થતી હોય તો તે પણ દૂર થાય છે.
ધાણા, સૂંઠ, સાકર અને નાગરમોથ એ ચારે ચીજો અર્ધા-અર્ધા તોલા જેટલી લઈ, બત્રીસ તોલા પાણીમાં ઉકાળી, આઠ તોલા પાણી રહે એટલે ગાળીને પિવડાવવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી તેમજ બીજા ગમે તે કારણે માણસોને થતી ઊલટી મટે છે. આમ ધાણા ઊલટીની રામબાણ ઔષધી છે. ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પિવડાવવાથી બાળકોની ઉધરસ અને તેની શ્વાસની સમસ્યા મટે છે.
ધાણાને પાણીમાં પલાળી, મસળી, તેમાં થોડી સાકર નાખીને પીવાથી ગરમીમાં લાગેલી લૂ મટે છે. ધાણાનું ચૂર્ણ અને સાકર દહીંમાં મેળવીને પીવાથી ચઢેલા ઝેરમાં ફાયદો થાય છે. લીલા ધાણાને પીસી, ગરમ કરી, પોટલી બાંધી, તેનાથી અર્શ-મસા પર શેક કરવાથી મસા નરમ પડી જાય છે અને તેની પીડા મટે છે.
ધાણાને જવના લોટની સાથે વાટી, તેની પોટીસ બાંધવાથી ઘણા દિવસોનો સોજો ઊતરી જાય છે, ભિલામો ઊઠવાથી ફોડલા પડયા હોય અથવા તેનો ધુમાડો લાગવાથી સોજો આવ્યો હોય તો તે પ૨ કોથમીરનો રસ ચોપડવાથી તે શાંત થાય છે, કોથમીર ન મળે તો ધાણાને પાણી સાથે લસોટીને ચોપડવા. ધાણા છાતીમાંથી કફ કાઢનાર, ઊંઘ લાવનાર, પેશાબ વધારે લાવનાર,પેટની પીડાનો નાશ કરનાર, પાચક અને કામોદ્દીપક છે.
બદહજમી, અજીર્ણમાં પણ ધાણાને હિતકારી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ધાણા સુગંધી, ઉત્તેજક, ઉદરવાતહર અને દીપનપાચન છે. અપચો અને શરદી પર એ વપરાય છે. એલોપથીમાં ધાણા માંથી કાઢેલું તેલ વપરાય છે. એ તેલ વાતહર હોવાથી આફરો અને ઉદરશૂળ ના રોગ માટે વપરાય છે. ગરમીથી એ તેલ ઊડી જાય છે.