ગરમીના દિવસોમાં ઘણી વખત લૂ લાગવાના કારણે લોકોના મોત થતાં હોય છે. પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરાની સાથે બેભાન અવસ્થાનો સામનો કરવો પડતો હોય છે. આ પરિસ્થિતિમાં દરેકને જાણવું જરૂરી છે કે લૂ થી કેવી રીતે બચી શકશો?
જાણો લૂ થી બચવા માટેના ઉપાયો. આમલીમાં વિટામિન, ખનિજો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપુર હોય છે. આ માટે થોડી આમલીને ઉકળતા પાણીમાં પલાળી લો. તે પછી તેની સાથે એક ચપટી સાકર નાખીને આ પાણી પીવો. આ ઉકાળો તમારા શરીરનું તાપમાન ઘટાડે છે. આમલીનો રસ પેટની બિમારીઓની સારવારમાં મદદ કરે છે.
ફુદીનાનું પાણી ખુબ જ ફાયદાકારક હોય છે. એને બનાવવા માટે પાણી માં ૮-૧૦ ફુદીનાના પાન ને પલાળી ને રાખી દેવા. થોડા સમય માં ફુદીના ના પોષક તત્વ પાણીમાં ભળી જશે. એવામાં જયારે પણ તરસ લાગે ત્યારે ફુદીના ના પાણી નું સેવન કરવું. એનાથી ગરમીમાં લૂ ઓછી લાગે છે.
ઉનાળા માં વધારે તરસ લાગે છે. એવામાં સાદું પાણી પીવાની બદલે ધાણા નું પાણી નું સેવન કરવું. આ માટે ધાણા ના પાન ને થોડી વાર માટે પાણી માં પલાળી દેવા. થોડા સમય પછી ધાણાને પીસી લેવા અને પાણીને ગાળી લેવું. એમાં ખાંડ મિક્સ કરીને પીવાથી ગરમીમાંથી રાહત મળે છે.
શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જતું હોય ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીવું. રાતના સૂતાં પહેલાં 7-8 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે ઊઠીને ચાવી જવી. જો નાળિયેર પાણી દરરોજ પીવામાં આવે છે, તો તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. હીટ સ્ટ્રોક ટાળવા માટે નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે.
શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે. એસી કે કૂલરમાં બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.
ગરમીના દિવસોમાં વારેવારે પાણી પીવું, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય. ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવો. થોડીક વાર બાદ માટલાનું પાણી પીવો, જો તરત જ ઠંડુ પાણી પીશો તો લૂ લાગી જશે. તડકા અને લૂથી બચવું હોય તો ઘરની બહાર નીકળતા છત્રી જરૂર રાખો, અથવા માથાને કપડા કે ટોપીથી ઢાંકીને બહાર નિકળો. ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન નિકળવું જોઈએ.
વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી પીવું ન જોઈએ, તે ખતરનાક સાબિત થઈ શકે છે. કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી, મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ. ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો.
હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે. શાકભાજીના જ્યુસ બનાવીને પણ તમે પી શકો છો, જેનાથી પણ લૂ થી બચી શકાય છે. ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ, જેનાથી લૂ નો ખતરો ઓછો રહે છે. ઘરગથ્થુ ઉપચારો મુજબ તડકામાંથી આવ્યા બાદ ડુંગળીનો રસ મધમાં મેળવીને ચાટો, તેનાથી પણ લૂ લાગવાનો ખતરો ઓછો રહે છે.
એવી માન્યતા છે કે ડુંગળીને ઘસીને નખ પર લગાવવાથી લૂ લાગતી નથી એટલું જ નહિ કાચી ડુંગળી ખાવાથી પણ લૂથી બચી શકાય છે. ગરમીના કારણે શરીરમાં અળાય થઈ ગઈ હોય તો ચણાના લોટને પાણીમાં ભેળવી અને અળાય પર લગાવવાથી રાહત થાય છે. ગરમીમાં રોજ બે ડુંગળી ખાવી જોઈએ આ શરીરને ઠંડું રાખે છે અને લૂ લાગવાથી બચાવે છે. તુલસીના પાનના રસ ખાંડમાં મિક્સ કરીને પીવુ જોઈએ. આથી લૂ નથી લાગતી અને લૂ લાગી હોય તો પણ આરામ મળે છે.