લવિંગનો ઉપયોગ મસાલામાં સુગંધ લાવવા માટે કરાય છે. તે પાનમાં નખાય છે અને એકલા મુખવાસરૂપે પણ વપરાય છે. લોકો તેને ઘરગથ્થુ ઔષધ તરીકે પણ વાપરે છે. તેનાં ઝાડ પચીસથી ચાલીસ ફૂટ ઊંચાં થાય છે અને બારે માસ લીલાં રહે છે. તેના ઝાડને ત્રણ-ત્રણના ઝૂમખામાં કળીઓ બેસે છે. કળીઓ ઊઘડીને સાવ નાનાં નાનાં ફલ નીકળે છે.
લવિંગના બે ફાલ આવે છે :એક જુલાઈથી ઑકટોબર સુધીમાં અને બીજે નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં. તેના ઝાડની ખૂબ કાળજી રાખવી પડે છે. લવિંગના ઝાડને વાવ્યા પછી આઠ-નવ વર્ષે લવિંગ બેસે છે. તેનાં ઝાડ સાઠ વર્ષ સુધી લવિંગ આપે છે. લવિંગના ઝાડની વણ ઊઘડેલી સૂકવેલી કળીઓને લવિંગ કહે છે.
સાઠથી પંચોતેર ઇંચ વરસાદ થતો હોય ત્યાં તેનાં ઝાડ થાય છે. લવિંગ પૂર્વ હિંદી દ્વીપસમૂહના ટાપુઓનું મૂળ વતની ગણાય છે. લવિંગનાં ઝાડ સિંગાપુર અને પૂર્વ આફ્રિકામાં થાય છે. ભારતમાં લવિંગનાં થોડાંક ઝાડ ઉછેરવામાં આવે છે પણ તે એટલાં બધાં સારાં થતાં નથી. મલબારમાં લવિંગનું જે ઉત્પાદન થાય છે તે આપણી માંગને પહોંચી વળાય એટલું નથી. એક મોસમમાં લવિંગનું એક ઝાડ આશરે ચાર હજાર લવિંગ આપે છે.
લવિંગ મોટે ભાગે આપણા દેશમાં ઝાંઝીબાર થી આવે છે. લવિંગ બજારમાં બે જાતનાં મળે છે : એક તીવ્ર સુગંધવાળાં કાળા લવિંગ, જે અસલી લવિંગ ગણાય છે. બીજાં ભૂરા રંગનાં લવિંગ કે જેમાંથી તંત્ર દ્વારા તેલ કાઢી લેવામાં આવેલું હોય છે. ઉગ્ર વાસવાળાં, સ્વાદે તીખાં અને દબાવતાં તેલનો અંશ જણાય તેવાં લવિંગ સારી જાતનાં ગણાય છે.
લવિંગનો વઘાર કરવાથી વાનગીમાં સુગંધ આવે છે. ભાતમાં થોડાં લવિંગ નાખવાથી ભાત રુચિપ્રદ અને સ્વાદિષ્ટ બને છે. લવિંગમાંથી નીકળતું તેલ પાણી કરતાં ભારે હોય છે. તેનો રંગ લાલાશ પડતો પીળો હોય છે. એ તેલમાં થોડોક ભાગ ઊર્ધ્વ ગમનશીલ તેલનો હોય છે. સિગારેટની તમાકુને સુગંધ આપવા માટે લવિંગના તેલનો ઉપયોગ થાય છે. લવિંગનું તેલ ઔષધ તરીકે પણ વપરાય છે. તે જંતુનાશક છે.
આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ મળ, ઊલટી, ચૂંક વગેરે અનેક રોગોમાં થાય છે. દાંતના દુખાવાના ઉપચાર તરીકે લવિંગનો ખાસ ઉપયોગ થાય છે. પ્રાચીન કાળથી દાંતના દુખાવા ઉપરાંત આંખોનાં દર્દો અને પેટના અપચામાં, રસોઈમાં તેમજ ધાર્મિક ક્રિયાઓમાં લવિંગનો ઉપયોગ થતો આવ્યો છે. લવિંગનાં ચૂર્ણની માત્રા એકથી ત્રણ રતી અને તેના તેલની માત્રા એકથી ત્રણ ટીપાં સુધીની છે.
લવિંગ તીખાં, કડવાં, હલકાં, નેત્રને હિતકારી, ઠંડાં, અગ્નિને પ્રદીપ્ત કરનાર, પાચન કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર તેમજ કફ, પિત્ત, લોહીવિકાર, તરસ, ઊલટી, આફરો, શૂળ, ઉધરસ, શ્વાસ, હેડકી અને ક્ષયરોગને ચોક્કસ મટાડે છે. લવિંગ સુગંધી, ઉત્તેજક, રકતવિકાર નાશક, કફદન, દુર્ગંધ હર અને મૂત્રલ છે.
લવિંગના અગ્નિદીપક, ઉત્તેજક અને ઉદાર વાતહર ગુણો તેમાં રહેલા ઊર્ધ્વગમન શીલ તેલને આભારી છે. એ તેલની ચામડી પર માલિશ કરવાથી ઉત્તેજક, પ્રદાયક, ઉગ્રતાજનક અને પ્રત્યુગ્રતા સાધક અસર કરે છે. ગાડી કે મોટરબસ ની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડે ત્યારે મોંમાં લવિંગ રાખી, તેનો રસ ચૂસવાથી ચક્કર અને ઊલટી મટે છે.
લવિંગને મોંમાં રાખી રસ ચૂસવાથી ખાંસી મટે છે. લવિગને શેકીને મોંમાં રાખવાથી શરદી, ગળાનો સોજો અને ખાંસી મટે છે. 2 લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડું કરીને વાળ ધૂઓ. તેનાથી વાળ સોફ્ટ અને સિલ્કી બનશે. લવિંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈપણ ભાગ પર આવેલો સોજો ઊતરે છે. લવિંગને પાણીમાં લસોટી, જરા ગરમ કરી કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે.
લવિંગ, મરી, બહેડાં એ ત્રણે સરખે ભાગે લઈ, તેમાં એટલા જ વજન જેટલો ધોળો કાથો મેળવી, તેને ખૂબ લસોટી, બાવળિયાની અંતરછાલના કાઢામાં ઘૂંટી, ચણીબોર જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળીઓને “લવંગાદિવટી’ કહે છે. આયુર્વેદમાં લવંગાદિવટી એ ખાંસીમાં મોંમાં રાખવાની પ્રસિદ્ધ ગોળીઓ છે. આ ગોળી દિવસમાં બે-ત્રણ વાર મોંમાં રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે.
મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે. લવિંગનું તેલ ઘસવાથી માથાનો અને સંધિવાનો દુખાવો મટે છે. લવિંગના તેલમાં રૂનું પૂમડું ભીંજવી પોલી દાઢ પર કે દુખતા દાંત પર દબાવી રાખવાથી દાંતની પીડા મટે છે.