કોળું લાભકારી અને પિત્તશામક છે. કોમળ પ્રકૃતિવાળા કે શરીરમાં વધુ પડતી ગરમીવાળા લોકો માટે કોળા નું શાક ઉત્તમ પથ્ય છે. ભારતમાં કોળું બધે ઠેકાણે થાય છે. સારા નિતારવાળી જમીન તેને માફક આવે છે. તેનાં પાન મોટા અને ફૂલ પીળા રંગના હોય છે. તેના ફળ આઠ શેરથી માંડી એક મણ સુધીના વજનમાં હોય છે. એક વેલા પરથી પચાસ-સાઠ કોળાં ઊતરે છે.
કોળાના ઉનાળો અને ચોમાસું એમ બે પાક લઈ શકાય છે. ઉનાળુ પાક મહા માસની અધવચ્ચે વાવવામાં આવે છે અને અષાઢ માસની શરૂઆતમાં તૈયાર થઈ જાય છે. ચોમાસું પાક જેઠ-અષાઢ માં વવાય છે, અને આસો-કારતક માસમાં તૈયાર થાય છે. કોળાં પાકી જાય અને તેના વેલા ચીમળાઈ જઈ સુકાવા માંડે ત્યારે કોળું તોડી લેવાં. સારું તંદુરસ્ત કોળું એકથી દોઢ વર્ષ સુધી બગડતું નથી. સારું પાકેલું અને જૂનું કોળું ગુણકારી ગણાય છે.
કોળાં નાનાં-મોટાં, ગોળ-લંબગોળ એમ ઘણી જાતના થાય છે. પરંતુ કોળામાં સફેદ કે ભૂરાં અને રાતાં કે લાલ એમ બે મુખ્ય પ્રકાર છે. શાક માટે રાતું–લાલ કોળૂ વપરાય છે. રાતા કોળામાં સાકર વિશેષ હોવાથી ગુજરાતમાં તેને સાકર કોળુ પણ કહે છે. સફેદ કે ભૂરું કોળું હલવો કે પાક બનાવવામાં વપરાય છે. ઔષધો બનાવવામાં પણ સફેદ કે ભૂરા કોળાના ઉપયોગ થાય છે. વૈષ્ણવ લોકો ભૂરા કોળાના રસમાં પાપડ બનાવે છે. ગુવાર કે ચોળાફળી જેવી વાયડાં શાક સાથે કોળાનું મિશ્ર શોક કરે છે. કોળાની સાથે ગુવારફળી મેળવવાથી શાક વધુ સ્વાદિષ્ટ બને છે.
જૂનાં કોળાં સંઘરી રાખી તેનું શાક અવાર નવાર બનાવી શકાય.કોળું શીતળ, રુચિવર્ધક, મૂત્રલ, મધુર, દાહ અને પિત્તનું શમન કરનાર, બલ્ય અને શુક્રની વૃદ્ધિ કરનાર તથા પૌષ્ટિક છે. એ મૂત્રાઘાત, પ્રમેહ, મૂત્રકૃચ્છ, પથરી, તૃષા, રકતવિકાર વગેરે મટાડે છે. કોળું બળકાર, શ્રમ શકિત વધારનાર, શરીરને પુષ્ટ કરનાર તેમ જ શ્રમ, ઉન્માદ અને ભ્રાંતિ નો નાશ કરનાર છે. એ માનસિક રોગો, હૃદયરોગ, ફેફસાંના રોગ અને રકતપિત્ત પર અમૂલ્ય પથ્ય છે.
જૂનું મોટું ભૂરું કોળું લઈ, તેના ઉપરની છાલ ઉતારી નાખી, કાપીને બી તથા અંદર નો પોચો ગર્ભ કાઢી નાખવું. પછી કોળા ના એકેક- બબ્બે રૂપિયા ભારનાં પતીકાં પાડી તેને પાણીમાં બાફવા. જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નિતારી કાઢવું, ત્યાર પછી બાફેલાં પતીકાં ને બમણી સાકરની ચાસણીમાં નાખવાં, કેસર અને એલચી દાણા ઇચ્છા પ્રમાણે નાખી શકાય. આ મુરબ્બો માથાની ગરમી અને અનિદ્રા વગેરેને મટાડે છે.
કોળાના કટકા બાફી તેમાંથી કાઢેલો રસ બસો તોલા, સાકર એક સો અઠ્ઠાવીસ તોલા, ધી એક્સ અઠ્ઠાવીસ તોલા, બાફેલા કોળાના કટકા ચારસો તોલા અને અરડૂસીનો રસ પાંચ સો બાર તોલા-એ બધું એકત્ર કરી, ધીમા તાપે પકાવું. ઘાટું થાય ત્યારે તેમાં હરડે, આમળાં, ભારંગમૂળ, તેજ, તમાલપત્ર અને એલચી એ દરેકનું ચૂર્ણ એક-એક તોલો અને તાલિસપત્ર, સૂંઠ, ધાણા તથા મરી એ દરેકનો ચૂર્ણ ચાર-ચાર તોલા, પીપરનું ચૂર્ણ સોળ તોલા અને મધ બત્રીસ તોલા નાખી પાક તૈયાર કરી ચિનાઈ માટીની અથવા કાચની બરણીમાં ભરી લેવી.
આ અવલેહ નું અગ્નિ બળ પ્રમાણે રોજ સવારે સેવન કરવાથી રકતપિત્ત, લોહીવાળી ખાંસી, ઉધરસ, તાવ, હેડકી, હૃદયરોગ, અમ્લપિત્ત અને સળેખમ-શરદીને મટાડે છે. આ અવલેહ ક્ષય રોગ અને હીનવીય વ્યક્તિ માટે આશીર્વાદ સમાન છે.
કોળાને છોલી તેમાંથી પોચો ગર્ભ ને બી કાઢી નાખી, વચલો ભાગ સાડાત્રણ શેર લઈ, સાડા ચાર શેર પાણીમાં પકાવો. પાકે ત્યારે કપડામાં નાખીને રસ નિચોવી લેવો. રસ જુદો રાખવો. પછી પકાવેલ કોળાને ગાયનાં દોઢ પાશેર ઘીમાં, તાંબાના વાસણમાં નાખી, મધ જેવો રંગ થાય ત્યાં સુધી શેકી, તેમાં કોળાનો જુદો રાખેલ રસ મેળવી, તેમાં સાડાત્રણ શેર ખાંડ મેળવી, અવલેહ તૈયાર કરવો.
તેમાં પીપર, સૂંઠ અને જીરાનું ચૂર્ણ ચારચાર તોલા તેમ જ ધાણા, તમાલપત્ર, એલચીદાણા, મરી અને તજનું ચૂર્ણ એક-એક તોલો નાખી. પંદર-વીસ મિનિટ સુધી લગાવી, એકત્ર કરવું. ઠંડુ થાય ત્યારે તેમાં સોળ તોલા મધ મેળવવું.
આ અવલેહ ત્રણ માસ સુધી બેથી ત્રણ તોલા જેટલું સવાર-સાંજ ખાઈને ઉપર ગાયનું દૂધ પીવાથી શરીરનું વજન વધે છે, મોઢા પર તેજી આવે છે અને પાચનશકિત ખૂબ વધે છે. આ અવલેહ રકત પિત્ત, પિત્તજ્વર, તરસ, દાહ, પ્રદર, દુર્બળતા, ઊલટી, ઉધરસ, શ્વાસ, હૃદય રોગ, સ્વરભેદ, ક્ષય, ક્ષય અને આંતર વૃદ્ધિને મટાડે છે. આ અવલેહ પૌષ્ટિક અને બળદાયક છે. ક્ષય (ટીબી. )વાળાઓ એ લઘુ સુપાચ્ય આહાર છે.
આ અવલેહ અતિ ગરમ કે અતિ ઠંડો નથી. શિયાળાના ત્રણ મહિના આ પાકનું સેવન કરવા જેવું છે. વૃદ્ધો અને બાળકો માટે પણ તે ખૂબ હિતકારી છે. હૃદય અને ફેફસાંને આ અવલેહ બળવાન બનાવે છે, લોહીની ખોટી ગરમી દૂર કરે છે તથા મગજને પુષ્ટ કરે છે.
કોળાના મૂળનું ચૂર્ણ સૂંઠના ચૂર્ણ સાથે મેળવી દિવસમાં બેથી ત્રણ વાર લાંબા સમય સુધી લેવાથી શ્વાસ રોગ (દમ) મટે છે.કેળાનાં બીના મગજના આટાને ઘીમાં શેકી, સાકર મેળવી, લાડુ બનાવી, થોડા દિવસો સુધી રોજ સવારે ખાવાથી અતિ મહેનત કરવાથી આવેલી નિર્બળતા મટે છે. કોળાના રસમાં સાકર નાખીને પીવાથી અમ્લપિત્ત મટે છે. ભૂરા કોળાને સૂકવી, ચૂર્ણ કરીને ખાવાથી, તેનું શાક કરીને ખાવાથી કે તેનો પાક અવલેહ બનાવીને ખાવાથી પાંડુરોગ મટે છે.
ભૂરા કોળું નું ઘીમાં શાક બનાવી ખાવાથી અથવા તેનો રસ કાઢી, તેમાં ખાંડ મેળવી, સવાર-સાંજ અર્ધો અર્ધો કપ પીવાથી સ્ત્રીઓને પુષ્કળ માસિક આવતું હોય, શરીરમાં બળતરા. રહેતી હોય અને લોહી ઘટી ગયું હોય તો તેમાં ઉત્તમ ફાયદો કરે છે. કોળાનો રસ હિંગ અને જવખાર મેળવીને પિવડાવવાથી પથરી પર ગુણકારી છે.
કોળાના બી નવટાંક મગજને દૂધમાં પીસી, ગાળી, થોડું મધ મેળવીને પિવડાવવાથી અથવા કોળાનાં બી મગજના સવા સવા તોલા તેલને બબ્બે કલાક, ત્રણ વાર, દૂધની સાથે પીવડાવવાથી અને ઉપર એરંડિયા તેલના વિરેચન આપવાથી પેટમાં ના ચીપટા કૃમિ નીકળી જાય છે. આ કૃમિ જો મોટા થઈ જાય તો ફીકાશ, અરુચિ, ઊબકા, અગ્નિમાંદ્ય, રક્તવિકાર, પેટમાં ભારેપણું અને વ્યાકુળતા થાય છે.
કોળાનો રસ ગોળ નાખી ને પીવડાવવાથી દારૂનો નશો ઉતરે છે.કોળાનો રસ પીવો કે કોળાનો કકડો ખાવો તે ઝેર પર હિતકારી ગણાય છે. કોળાનું ડીંટડી પાણીમાં ઘસીને વીંછીના ડંખ પર ચોપડવાથી રાહત થાય છે.વૈજ્ઞાનિક મત પ્રમાણે કોળું શીતળ અને મૂત્રજનન છે. તેનાથી રકતવાહિનીઓ સંકોચ થાય છે. તે વધારે માત્રામાં લેવાથી દસ્ત સાફ આવે છે અને નિદ્રા આવે છે.
ઉન્માદમાં જ્યારે રોગીની આંખો લાલ થઈ જાય, નાડીની ગતિ તીવ્ર થઈ જાય તથા રોગી ઉત્તેજિત થઈ ગયો હોય ત્યારે કોળાનો રસ આપવાથી દસ્ત સાફ આવી, ઊંઘ આવે છે. ક્ષયમાં કોઈ વાર ફેફસાંમાંથી રક્તસ્રાવ થાય ત્યારે અથવા શરીરની અંદર બીજા કોઈ અવયવ માંથી લોહી આવતું હોય ત્યારે કોળાનો રસ આપવામાં આવે છે. ક્ષયની પ્રથમાવસ્થામાં (મોતીપિષ્ટિ સાથે) કોળાનો તાજો રસ આપવાથી ઉત્તમ ફાયદો કરે છે. મધુમેહમાં કોળાનો રસ અપાય છે.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.