ઘણાં લોકોને નાની ઉંમરમાં જ વાળ ખરવા માંડે છે, સફેદ થઈ જાય છે, એનું કારણ એક નથી, પણ ઘણાં કારણો છે. મુખ્યત્વે તેઓ વાળની સંભાળ રાખતા નથી. વાળ પ્રત્યે બેદરકાર રહે છે. તે ઉપરાંત પણ ઘણાં કારણો છે. ખોરાકમાં મીઠાનો ઉપયોગ વધુ પડતો કરવાથી પણ વાળને અસર પહોંચે છે.
અપચો રહેતો હોય, પિત્તની ફરિયાદ રહેતી હોય તો પણ વાળ સફેદ થઈ જાય છે. બહુ ઉદાસ રહેવાથી, ચિંતાતુર રહેવાથી વાળનું શોષક તત્ત્વ નાશ પામે છે, પરિણામે એનાં મૂળ ઢીલાં થઈ જતાં વાળ પણ એની કાળાશ ગુમાવવા માંડે છે.
માથુ ધોવા માટે સાબુનો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો હોય છે, પરંતુ સાબુમાં આવતો કોસ્ટિક સોડા વાળને અત્યંત નુકસાન કરે છે. બજારુ રંગબેરંગી જાતજાતની સુવાસવાળાં તેલો જેમાં વ્હાઈટ ઑઈલનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેવાં તેલો લોકો વાળમાં નાખે છે. આવા ખાતરી કર્યા વગરનાં તેલો વાપરવાથી પણ વાળની કુદરતી કાળાશ દૂર થવા માંડે છે.
રોજ વાળની સ્વચ્છતા રાખવામાં ન આવે તો વાળમાં ધૂળ, કચરો એકઠાં થતાં ખોડો થાય છે. આથી વાળનાં છિદ્રો પૂરાઈ જાય છે. તેમ કરવાથી શરીરનો પરસેવો બહાર નીકળી શકતો નથી એને કારણે વાળ ઝટ પાકી ખરવા માંડે છે. ક્યારેક માંદગીના લીધે વાળ ઉતરી જાય છે ખરા, પણ આરોગ્ય પાછું પ્રાપ્ત થતાંની સાથે વાળ પાછા આવવા માંડે છે. ઘણી બહેનો નાહ્યા પછી ભીના વાળને તરત બાંધી દે છે અગર તરત જ તેલ નાખી ઓળવા બેસી જાય છે, આથી પણ વાળને નુકસાન થાય છે. વાળ બરાબર કોરા થયા પછી જ તેની માવજત કરવી જોઈએ.
વાળના રક્ષણ માટે ઉત્તમ તેલ: આજકાલ જાતજાતનાં અને ભાતભાતનાં તેલોનો ઉપયોગ લોકો કરી રહ્યાં છે. મોટા ભાગના સુગંધિત તેલો અને બનાવટી દ્રવ્યો દ્રારા બનાવેલાં તેલો લાભને બદલે હાનિ પહોંચાડે છે. માટે સહુને પોષાય અને પૂરેપૂરો ફાયદો મળે તેવું તેલ ઘેર બનાવી રાખવું. આવું તેલ કેમ બનાવવું તે અહી જણાવ્યું છે.
ચાર શેર ચોખ્ખું તલનું તેલ, ચાર શે૨ ભાંગરાનો રસ, ચાર શેર આમળાંનો રસ, એક શેર જટામાસી આટલી વસ્તુ લેવી. પેલા જટામાસીને સાફ કરી તલના તેલમાં ભીંજાવી રાખવી. બાદમાં બાકીના રસો તેમાં મેળવી ધીમા તાપે તેલ સિદ્ધ કરી લેવું.
ઉપર જણાવ્યા માપ અનુસાર ઓછા પ્રમાણમાં વસ્તુઓ લઈને પણ તેલ બનાવી શકાય છે. આ તેલનો ઉપયોગ માથામાં ધીમા હાથે ઘસીને કરવો. તેલના ઉપયોગ પહેલાં માથું ધોવાની જરૂર જણાય ત્યારે લીલું નાળિયેર લઈ એને સારી રીતે લઢી તેમાં થોડું ગરમ પાણી મેળવી તેને નીચોવી લેવું. જે દૂધ નીકળે તેને માથામાં ભરવું. બે ચાર કલાક પછી વાળ ચોળી નાખવા, એથી વાળ લાંબા ભરાવદાર અને સુંવાળા રેશમ જેવાં થશે.