દ્વિદલ ધાન્યમાં કળથી સૌથી હલકી ગણાય છે. કળથી ગરીબ વર્ગનું ધાન્ય ગણાય છે. તેના છોડ લગભગ દોઢ-બે ફૂટ જેટલી ઊંચાઈના થાય છે અને જમીન ઉપર પથરાય છે. તેના છોડનો દેખાવ અડદના છોડ જેવો હોય છે અને તેના પાન પણ કંઈક અંશે અડદના પાનને મળતાં આવે છે.
કળથીની શીંગો બે ઇંચ લાંબી, કંઈક વાંકી, ચપટી અને રુવાંટીવાળી હોય છે. શીંગોમાં પીળાશ પડતા કે ભૂરા રંગના ચારથી છ દાણા હોય છે. ક્યારેક કાળા કે સફેદ રંગના દાણા પણ હોય છે. તેના દાણા અળસીના દાણા જેવા હોય છે. કળથી વર્ષાયુ છોડ છે. રાજસ્થાનમાં કળથી અષાઢ માસમાં થાય છે.
કળથી ત્રણ જાતની થાય છે : રાતી, ધોળી અને કાળી. ત્રણે જાતમાં કાળી જાત ઉત્તમ ગણાય છે. કાળી જાત ઓરિસ્સા અને કર્ણાટક માં વધુ થાય છે. તેની દાળ બીજી દાળો કરતાં કંઈક અંશે સારી હોય છે. તેથી ગામડાના ગરીબ લોકોમાં તેનો પ્રચાર વિશેષ હોય છે.
રાજસ્થાનમાં બીજી દાળો કરતાં કળથીની દાળ વિશેષ વપરાય છે. કેટલાક લોકો તેના દાણાને બાફીને શાક બનાવીને પણ ખાય છે જે ઘણું સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે. કળથીનો ઉપયોગ ભોજન, ધાતુ-ઉપધાતુઓ શોધન અને ઔષધ રૂપે થાય છે. તો ચાલો હવે આપણે જાણીએ કળથી થી શરીરને કયા કયા ફાયદા થાય છે.
કળથી સામાન્ય રીતે ઉદરરોગ, અતિસાર, શ્વાસ, કાસ, અમરી, અનાહ, દૃષ્ટિ રોગ, ગોળો, જવર, શુક્ર, મેદ, કૃમિ વગેરેનો નાશ કરે છે. વાયુના રોગથી પેશાબ અટકી અટકીને આવતો હોય અથવા મૂત્રમાર્ગમાં પથરી હોય તો કળથીની ચા બનાવી, તેમાં મૂત્રલ ઔષધિ મેળવીને આપવાથી તેનો જલ્દી નિકાલ થાય છે.
ડાયાબિટીસમાં પણ કળથી લાભપ્રદ છે. શરપંખો અને સિંધવનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં કળથીના ઉકાળામાં મેળવીને પીવાથી ડાયાબિટીસ માં ફાયદો થાય છે. દર્દીને ઠંડીને લીધે શીત વળે છે, ત્યારે પરસેવો અને ગરમી લાવવા માટે કળથીનો ભૂકો શરીરે ઘસવામાં આવે છે.
સ્ત્રીઓના આવ દોષમાં, પ્રસૂતિ વખતે કે કસુવાવડમાં ગર્ભાશયની શુદ્ધિ માટે પાંચ-સાત દિવસ કળથીનો ઉકાળો આપવાથી ઘણો ફાયદો થાય છે. પ્રસૂતાને યોગ્ય પ્રમાણમાં રકતસ્રાવ ન થતો હોય તો કળથીનો કવાથ આપવામાં આવે છે. ખાસ કરીને પ્રસૂતાને બે-ચાર અઠવાડિયા સુધી કળથીનો કવાથ આપવો સારું ગણાય છે. પથરી પર કળથી ખૂબ જ ઉપયોગી છે.
આયુર્વેદ સ્વેદાધિકય વાળા દરદીઓને શેકેલી કળથીનો લોટ શરીરે ચોળવાનું કહે છે. હૃદયની ગતિ અનિયમિત હોય કે કોઈ વાર હૃદયરોગીનું હૃદય પહોળું થઈ જાય ત્યારે કળથીની રાબનું સેવન લાભકારી મનાય છે.
કળથીના સેવનથી કંઈ નુકસાન થતું નથી. કળથી ઘોડાંને તથા દૂઝણાં ઢોરોને પણ ખવડાવાય છે અને ઔષધ તરીકે પણ વપરાય છે. કળથી પાકમાં તીખી, તૂરી, પિત્ત તથા લોહીવિકાર કરનાર, હલકી, દાહ કરનાર, ઉષ્ણવીર્ય અને પરસેવો રોકનારી છે.
કળથી શ્વાસ, ઉધરસ, કફ, વાયુ, હેડકી, પથરી, વીર્યદોષ, આંખના રોગ, સળેખમ, મેદ, તાવ તથા કૃમિને મટાડનારી છે. કળથીનો ખાસ ગુણ મૂત્રલ, સ્વેદહેર અને પથરી દૂર કરવાનો છે. કળથીનો ઉકાળો કરીને પીવાથી વાયુનો વિકાર મટે છે.
કળથીનાં પાનને ખાંડી, તેનો રસ કાઢી, તેના એક તોલા રસમાં પા તોલો કાથો મેળવી, એકત્ર કરી, દિવસમાં ત્રણ વાર પીવાથી અતિસાર મટે છે. કળથીનો ઉકાળો કરી તેમાં હિંગ,બીડલવણ અને સૂંઠનું ચૂર્ણ નાખી પીવાથી શૂળ માટે છે.
કળથીના દાણાને બાફીને શાક બનાવી ખાવાથી ઉદરરોગ મટે છે. કળથીની દાળ ખાવાથી સૂકા મસાની પીડા શાંત થાય છે. કળથીનો ઉકાળો કરી તેમાં સરપંખાનું ચૂર્ણ અને સિંધવ મેળવીને પીવાથી પથરી મટે છે.
કળથી, પાષાણભેદ અને ગોખરુનો કવાથ કરીને પીવાથી પથરી મટે છે. ચાલીસથી પચાસ ગ્રામ કાળી કળથી રાત્રે સોળ ગણા પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, આ પાણી બે-ચાર મહિના પીવાથી પથરી ચોક્કસ મટે છે.
કળથી અને મરીનો ઉકાળો કરીને પીવાથી કંઠમાળ મટે છે. શેકેલી કળથી નો લોટ કરી શરીરે ચોળવાથી શરીરે વળતો પરસેવો બંધ થાય છે. કળથી માં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, લોહ, ફોસ્ફરસ અને વિટામિન એ’ તથા બી ’ હોય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.