લોકોને ઘણી વાર શરીરની ગરમીને કારણે મોઢાંમાં ઇન્ફેકશન થઈ શકે છે. આ ઉપરાંત મોઢાંની ઘણી બીમારી પણ થઈ શકે છે, જેવી કે મોઢાંની ગરમી, મોઢાંમાં ચાંદા પડવા, મોઢામાંથી દુર્ગંધ આવવી વગેરે. અમે આજે આ સમસ્યાના ઘરેલુ ઉપચાર બતાવવાના છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
મોઢામાંથી દુર્ગંધ નીકળે એથી કોઈ નજીક આવીને વાત કરવા તૈયા૨ ન થાય. આ સમસ્યા માટેના અનોખા ઘરેલુ ઉપાય વિશે જાણો. મોઢામાંથી લાળ ગળતી બંધ કરવા માટે ભોંરીંગણીનાં મૂળ અથવા સૂકાં પાન પા તોલો જેટલા પાણી સાથે મેળવીને પીવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ બંધ થઈ જાય છે.
૩ ભાગ ઉપલેટ, ૨ ભાગ પાપડિયો ખાર મેળવીને દાંત પર ઘસી પછી ખાવાથી મોઢાંની બદબૂ દૂર થાય છે. નાનાં બાળકોનું મોઢું વાસ મારે ત્યારે હરડે અને બદામ ઘસીને પાવાથી લાભ મળે છે. ખારેક અને સોનામુખી ખાવાથી મોઢું સ્વચ્છ થાય છે. સાજીખાર અને ખારેક સાથે ખાવી અથવા બન્નેને પાણીમાં પલાળી તે પાણી પીવું.
મોઢાંની દુર્ગંધમાંથી રાહત મેળવવા માટે ધાણા ચાવવાથી દુર્ગંધ દૂર થાય છે. સમુદ્રફ્ળ ગાયના ઘી સાથે ખાવાથી મોઢાની દુર્ગંધ મટે છે. આ ઉપરાંત બહેડા-આમળાં-હરડેનો ઉકાળો કરી તેનાથી કોગળા કરવા. તલ ચાવવા અથવા તલના તેલના કોગળા કરવા. આનાથી મોઢું વાસ મારતું બંધ થાય છે.
ફુલાવેલો ટંકણખાર અને બહેડા સરખા ભાગે અને કપૂર ૧ ભાગ મેળવી મંજન કરવાથી મોઢાની દુર્ગંધ મટે છે. એલચી, ફટકડી સમભાગે મેળવી તેનું ચૂર્ણ બે વાલ મોઢાંમાં દિવસમાં છ વાર રાખવું. પાણી છૂટે તો બહાર થૂંકી નાંખવું. આ ઉપાયથી મોઢાંની ગરમી દૂર થાય છે અને મોઢામાંથી દુર્ગંધ આવતી બંધ થાય છે.
એલચી દાણા, તુલસીનાં બી અને સુગંધી વાળો સરખે ભાગે મેળવી નાગરવેલનાં પાનમાં નાખીને ખાવાથી મોઢાંની દુર્ગંધ મટે છે અને મોઢું સ્વચ્છ થાય છે. મોઢું પાકે અને ગરમી થાય ત્યારે આ ઉપાય કરવો. બાવળની લૂગદી (પાનની કે ફ્ળની) મોઢામાં રાખવી અથવા મેંદીનાં પાન ચાવવાં. ફૂલાવેલી ફટકડી ૪ વાલ પા શેરમાં પાણી મેળવી કોગળા કરવા.
મોઢાંમાં ઘણી વખત ગરમ ગરમ ખાવાથી કે શરીરની ગરમી ને કારણે ચાંદા પડે છે, અને પછી તીખું કે ગરમ ખાવાથી બળતરા થાય છે માટે આ ચાંદાં દૂર કરવા માટે કાથો, એલચી મોઢાનાં ચાંદાં પર દબાવી રાખવી. એનાથી લાભ થાય છે. આ ઉપરાંત શંખજીરું અને કાથાની ભૂકી દબાવવી.
જેઠીમધનો શીરો કે જેઠીમધની લાકડી ચૂસવાથી ચાંદી દૂર થાય છે. મોઢું આવી ગયું હોય તો સોનાગેરુ અને શંખજીરું એકેક તોલો ચાંદી વાળા ભાગ ઉપર લગાવવું. જીરું અને સાકર બંનેનું ચૂર્ણ મધમાં મેળવી તેની ગોળી બનાવી ચૂસવાથી મોઢાની ગરમી દૂર થાય છે. અને ચાંદા સારા થઈ જાય છે.
સોનાગેરુ, શંખજીરું, પીપળાની છાલનું ચૂર્ણ, રસવંતી, એલચીની રાખ અને મધ મેળવીને મોઢમાં લગાડવાથી ચાંદામાં રુઝ આવે છે. મોઢાંમાં સખત ગરમી હોય તો, જેઠીમધ મોઢાંમાં રાખી રસ ચૂસવો. બીજગન મોઢામાં રાખી રસ ચૂસવો અથવા ગુલદાવડીનાં ફૂલ અથવા તો ચમેલીનાં પાનના ઉકાળાના કોગળા કરવાથી લાભ મળે છે.
જેઠીમધનો શીરો કે તેના ચૂર્ણને મોઢમાં રાખી અને રસ થૂંકી નાંખવો. ભાંગરાનો પાલો ચાવીને મોંમાં રાખવો રસ ભેગો થાય ત્યારે બહાર કાઢી નાંખવો. એથી મોઢા માં પડેલાં ચાંદા દૂર થાય છે. અને દર્દીને આરામ મળે છે અને બળતરા પણ દૂર થાય છે. વરિયાળીને કોરા મટકામાં રાતે પાણીમાં પલાળવી. એ પાણી ગાળીને સવારે ખાંડ કે સાકર સાથે પીવાથી લાભ મળે છે.
મોઢાંની ગરમી દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે જાણો. મોઢાંના અંદરના ભાગની ચામડી પાકી ગઈ હોય ત્યારે આ ઉપાય કરવો. ટંણખાર ૧ ભાગ અને મધ ૪ ભાગ મોઢાંમાં લગાડીને સૂઈ જવું. એનાથી મોઢાંની ગરમી પણ દૂર થશે અને પાકી ગયેલી ચામડીમાં પણ આરામ મળશે.
ગુલાબના ફૂલ ૧ તોલો, વંશલોચન પા તોલો લઈ એનું ચૂર્ણ બનાવી પા તોલો મોમાં મૂક્વાથી ફાયદો થાય છે. નાગરવેલના પાન સાથે ખાવાનો કાથો મોંમાં મૂક્વો રસ થાય તો તે થૂંકી નાંખવો. આ ઉપચારમાં એક્લો કાથો પણ મૂકી શકાય છે. આલુ ને ચૂસી ચૂસીને એનો રસ મોઢમાં ફેરવતા રહેવાથી મોઢાંની ગરમી મટે છે.
ચણોઠી અથવા તુવેરનાં પાન ચાવવાં અને થૂંકી નાંખવાં. જેથી મોઢાની ગરમી દૂર થાય છે. ગુલદાવડી નાં પાન, એલચી, સાકર મોઢાંમાં રાખી ચૂસે તો ગમે તેવી મોઢાંની ગરમી દૂર થાય છે. મોઢામાં કડવાશ આવી હોય તો પણ આ ઉપાય ઉત્તમ સાબિત થાય છે. બાવળનાં ફળ-ફૂલને છાંયે સૂકવી તેને વાટી તેની ગોળી બનાવવી. મોઢામાં આ ગોળી વગોળવાથી જે રસ બને તે થૂંકી નાંખવો. આ રસથી ચાંદા અને મોઢાંની ગરમી મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.