જમ્યા પછી મુખવાસ તરીક જો અજમો ખાવામાં આવે તો પેટને લગતી ઘણી સમસ્યાનો ઉકેલ આવી જાય છે. ઔષધિ તરીકે ઉપયોગમાં લેવા હંમેશા નવો અજમો વા૫૨વો. અજમો ચાર ભાગ, સૂંઠ બે ભાગ અને સંચળ એક ભાગ લઈ તેનું ચૂર્ણ બનાવી ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ નવશેકા પાણી સાથે જમ્યા પછી લેવાથી ખોરાક સારી રીતે પચે છે. તેમજ મોઢામાં એક જાતની સુવાસ ટકી રહે છે. મોંની દુર્ગંધ પણ દૂર થાય છે.
દહીંના મઠ્ઠામાં પીસેલા અજમાનું ચૂર્ણ ભેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે. એક ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાકી જવાથી પેટનું દર્દ, આફરો મટી જશે. પેટના દુખાવાથી રાહત પામવા એક કપ પાણીમાં એક ચમચો અજમો એક ચમચો જીરૂ અને પ્રમાણસ૨ મીઠું ભેળવી થોડું થોડું પીવું. આ મિશ્રણ રેફ્રિજરેટરમાં મૂકવું, એક અઠવાડિયા સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે.
દારૂની આદત છોડાવવા માટે દારૂડિયાને દારૂ પીવાની ઇચ્છા થાય ત્યારે અજમો ચાવવા આપવો અથવા અજમાના અર્કનાં ચાર-પાંચ ટીપાં બે ચમચી પાણીમાં નાખી તે પાણી પીવડાવી દેવું. શ્વાસ, સન્નિપાત, કૉલેરા જેવા રોગમાં હાથ-પગ ઠંડા પડી જાય છે તે વખતે અજમાની પોટલી બનાવી ધીમા તાપ ઉપર ગરમ કરી હાથ ઉપર શેક કરવો. પેટમાં આફરો ચડ્યો હોય તો પેટ ઉપર અજમાના તેલની હળવા હાથે માલિશ કરવી.
કેટલાક માણસોને દૂધ બરાબર પચતું હોતું નથી તેથી તેમણે દૂધ પીધા પછી ઉ૫૨ થોડોક અજમો ચાવીને ખાઈ જવો. ઘઉં અથવા ચણાના લોટની મિઠાઈઓ ન પચતી હોય તો તેની ઉપર અજમાનું ચૂર્ણ ભભરાવીને ખાવી જોઈએ. શરીરના કોઈ ભાગ ઉપર દુઃખાવો થતો હોય તો અજમાને પાણીમાં લસોટી ધીમા તાપ ઉપર ગરમ કરી દુખતા ભાગ ઉપર લેપ કરવો. અને ઉ૫૨થી ધીમે ધીમે શેક કરવો.
અજમાને સળગતા કોલસા ઉ૫૨ નાખી ધૂમાડો કરવો. આ ધૂમાડો શરીરના ભાગોનો દુઃખાવો (અંગદર્દ) દૂર કરે છે. અને પુષ્કળ પરસેવો લાવે છે. આ પરસેવાની સાથે શરીરમાંથી અશુદ્ધ દ્રવ્યો બહાર નીકળી જાય છે. શીતજ્વરમાં (ટાઢીયા તાવમાં) અજમાનું ચૂર્ણ લેવાથી તરત જ પરસેવો નીકળવા માંડે છે. અને તાવમાં શરીર અશક્ત થતું અટકે છે. ફેફસાંની બીમારીમાં અજમાનું ચૂર્ણ લેવાથી કફ ઉત્પન્ન થવાની ક્રિયા મંદ પડે છે, અને ઉત્પન્ન થયેલો કફ ઢીલો થઈને બહાર નીકળવા માંડે છે.
અજમાની બીડી બનાવીને પીવાથી કફની દુર્ગંધ આવતી અટકે છે, સૂક્ષ્મ રોગનાં જંતુઓ શ્વાસનળી અને ફેફસાંમાંથી નાશ પામે છે અને ફેફસાંમાંનો જીર્ણ રોગ દૂર થાય છે. નાનાં બાળકો માટી કોલસા ખાતાં શીખી ગયાં હોય તો તેમને દરરોજ 3 માસાની માત્રામાં અજમાનું ચૂર્ણ સવા૨-સાંજ આપવાથી તેમની આ આદત છૂટી જાય છે. પગનાં તળિયાંમાં પીડા થતી હોય તો અજમાના બારીક ચૂર્ણને મધ સાથે મેળવી પગના તળીયે રાત્રે લેપ કરી સૂઈ જવું.
ઉધરસ અથવા દમના રોગમાં શ્વાસના હુમલા વખતે અજમાના અર્કને પાણીમાં નાખી ગરમ કરી પીવડાવવાથી હુમલામાં રાહત થાય છે, આ હુમલા વખતે અજમાનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખી તે પાણી પીવડાવવાથી પણ રાહત થાય છે. અજમાનાં કુમળાં પાન ઉત્તમ કૃમિનાશક છે. તેથી નાનાં બાળકોનાં કૃમિ દૂર કરવા અજમાનાં કુમળાં પાન ગોળ સાથે ખાવા આપવાં, સ્વાદિષ્ટ લાગવાથી બાળકો સરળતાથી ખાશે.