લીમડો આપણા આંગણાની વનસ્પતિ છે. તેના પાન તથા તેનો રસ, કૂંપળોનો રસ, અંતરછાલનો રસ, તેના ફળ લીંબોળી તથા તેમાં થતા મીંજ અને તેનો પાઉડર અનેક રીતે લીમડાના વિવિધ ભાગ ઉપયોગી નીવડે છે. ચૈત્ર માસમાં લીમડાની અંતરછાલ ખૂબ ઉપયોગી નીવડે છે. તેનું એક અઠવાડિયા સુધી નિયમિત સેવન કરવાથી અનેક સમસ્યામાંથી છુટકારો મળે છે. તો ચાલો આજે આપણે જાણીએ અંતરછાલના ફાયદાઓ વિશે વિગતવાર.
લીમડાની અંતરછાલ, અરડુસીનાં પાંદડાં, ઘોડાવજ, પટોળનાં પાન અને રાયણના ઝાડની અંતરછાલ એ બધું મળી ચાર તોલા લઈ એ બધાના વજનથી સોળગણું પાણી મૂકી ઉકાળતાં ચોથા ભાગનું એટલે સોળ તોલા પાણી બાકી રહે ત્યારે ઉતારી ગળી લઈ તેની અંદર મીંઢોળનો ગર્ભ વીસથી પચાસ ઘઉંભાર જેટલો મેળવી પી જવું, જેથી ઊલટી મારફતે કફ અને પિત્તનો નિકાલ થઈ તેઓની વિકૃતિથી થયેલાં દર્દો નાબૂદ થાય છે.
લીમડાની અંતરછાલ, સાત્વીન છાલ, ગળો, ભોજપત્ર ના ઝાડની છાલ, પીપરીમૂળ, લાલ ચંદન આ બધી ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેને ખાંડી અડધા લિટર પાણીમાં એનો ઉકાળો બનાવીને પીવાથી એનાથી શરીરની નબળાઈ મટે છે.
લીમડાની અંતરછાલ, સાત્વીનની અંતરછાલ, ગુગળની અંતરછાલ, ઉંબરાની અંતરછાલ, ગંધક તથા હિંગળો દરેક સરખે વજને લઈ આસોપાલવના રસમાં નાની નાની ગોળી બનાવી લેવી. આ ચણા જેવડી ગોળી મધમાં ગળવાથી તાવ, ખાંસી, સાંધાની શિથિલતા તથા અશક્તિ, જઠરાગ્નિ નું મંદ થઈ જવું તથા લોહીની ગરમી જેવા અનેક રોગોમાં ઉપયોગી થાય છે.
લીમડાની અંતરછાલ, ગળો, પિત્તપાપડો, કરિયાતું અને આ ચારેય ષધ પચાસ ગ્રામ લાવી ખૂબ ખાંડી બાટલી ભરી લેવી. રોજ આમાંથી અડધી ચમચી ચૂર્ણ બે કપ પાણીમાં નાંખી ઉકાળવું. ઉકળતા અડધો કપ પાણી-દ્રવ બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. વર્ષાઋતુમાં પંદરેક દિવસ આ ઉકાળો પીવાથી વર્ષાઋતુમાં થતા પિત્તજ્વર, વિષમ કફજ્વર અને મેલેરિયા જેવા ઘણા તાવથી બચી શકાય છે તથા તાવમાં આ ઉકાળો પીવાથી તાવ મટે છે.
લીમડાની અંતરછાલના ચુર્ણને પાણી કે છાશ સાથે લેવાથી શરીરની બળતરા/ દાહ શમે છે. લીમડાની અંતરછાલ, પલાળેલુ પાણી અને ચુનાનુ નિતાર્યુ પાણી ભેળવી ને પીવાથી ડાયાબીટીઝમાં રાહત થાય છે. લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે સેવન કરવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
લીમડાની અંતરછાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે. ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રક્તચંદનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે.
લીમડાની અંતરછાલ, કાળા તલ, મજીઠ અને શતાવરી એ દરેક પા તોલો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી શકાય છે. આ ચૂર્ણ સર્ગભા સ્ત્રીને બીજે ત્રીજે મહિને ગર્ભપાત થતો હોય તેને અટકાવે છે અને ગર્ભને સ્થિર કરે છે. પૂરા મહિને પ્રસૂતિ થવામાં મદદ કરે છે.
લીમડાની અંતરછાલ, ગળો, ભોંયરીંગણી, પીત્તપાપડો, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો મિક્સ કરીને ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ લેવાથી તાવ દૂર થાય છે. તાવ આવવાનું કારણ પીત્તનો પ્રકોપ છે. આ ચૂર્ણ તાવ માટેનું ઉત્તમ દ્રવ્ય છે. આ ચૂર્ણથી આંતરડામાં બાઝેલા કાચા મળને કારણે થયેલી કબજીયાત દુર કરે છે.
લીમડાની અંતરછાલનો લેપ એકલો વાપરવામાં આવે તો જખમ સુકાઈને ચીરા પડી જવાની સમસ્યા રહે છે. આથી ઘી, માખણ કે દૂધની તરમાં ભેળવીને લગાવો. દાઝી ગયાના જખમમાં કે જે માંથી પરુ નીકળતું હોય તેમાં સાત્વીન દૂધની તરમાં ભેળવીને લગાડવાથી જખમ સાફ થઈને એકદમ મટે છે.
લીમડાની અંતરછાલ ઉકાળો પીવાથી પ્રમેહ પણ મટવા લાગે છે એટલે કે જે ડાયાબિટીસથી પીડાય છે તેવા લોકોએ લીમડાની અંતરછાલનો ઉકાળો સવાર-સાંજ અવશ્ય પીવો જોઈએ. લીમડાની અંતરછાલ ચાર ગ્રામ જુનો ગોળ ૩૦ ગ્રામ લેવો અને તેને પાણી સાથે ગરમ કરીને તેમાં જરૂરિયાત મુજબ થોડી સૂંઠ મેળવી આ લેવાથી માસિક સુખપૂર્વક આવે છે એટલે કે માસિક નિયમિત આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.