આપણાં હિંદુ ધર્મમાં વિવિધ તહેવારો-ઉત્સવોનું મહત્વ કઇંક અલગ જ રહેલું છે. દરેક તહેવાર પાછળ ધાર્મિક માન્યતાઓ રહેલી હોય છે. કેટલાક તહેવારોમાં ઉપવાસ રાખવાની પણ પરંપરા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તહેવારોના ઉપવાસ અને સ્વાસ્થ્યને સીધો સંબંધ રહેલો છે.
એવો જ એક આપણો તહેવાર આવી રહ્યો છે જેનું ધાર્મિક મહત્વ તો મોટાભાગે દરેક જાણતા હશે પરંતુ આયુર્વેદિક મહત્વ ખાસ તમને નહીં ખબર હોય. જી,હા મિત્રો આજે અમે હોળી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો હોળીમાં ખજૂર, દાળિયા અને ધાણી શું કામ ખાવામાં આવે છે? આ વાસ્તુ ખાવાથી શરીરને શું લાભ થાય છે? આજે અમે તેનાથી શરીર ને થતાં ફાયદા વિષે જણાવીશું.
ખેતરોમાં ચણા આસો મહિનામાં વાવી દેવામાં આવે છે. હોળીનો તહેવાર આવે ત્યાં સુધીમાં તે પાકીને તૈયાર થઈ જાય છે. ચણા શરીરમાં થતી કફની ચીકાશને દૂર કરે છે. આયુર્વેદની દ્રષ્ટિએ શેકેલા ચણા કફ, વાયુ અને થાકને દૂર કરે છે. કફ જામી ગયો હોય, સળેખમ થઈ હોય ત્યારે શેકેલા ચણા ખાવાથી કફ આંતરડા વાટે પચીને શરીરની બહાર નીકળી જાય છે.
કફને કારણે મ્હોંનો સ્વાદ બગડી ગયો હોય, ભૂખ ન લાગતી હોય ત્યારે પણ ચણામાં સિંધવ, મરી, લીંબુ ઉમેરીને ખાઈ શકો છો. ચણા કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો સૉર્સ છે. મેંગેનીઝ, ફોલેટ અને પ્રોટીન, કોપર, ફોસ્ફરસ અને આયર્નનો શ્રેષ્ઠ સૉર્સ હોવાને કારણે, ગોળ સાથે ચણા હોળીના દિવસે ઉપવાસ દરમિયાન ખાવાની વિશેષ સલાહ આપવામાં આવે છે.
જુવારની ધાણીમાં એન્ટિઓક્સિડન્ટની ઊંંચી માત્રા રહેલી છે. જુવારની ધાણી ઘણી રીતે ઘઉં કરતાં પણ ચડિયાતી છે. જુવારની ધાણીના ન્યુટ્રિશિયનની વાત કરવામાં આવે તો, જેમને ડાયાબિટીસ હોય અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમના માટે જુવારની ધાણી સર્વશ્રેષ્ઠ છે. ખાસ કરીને શિયાળો પૂરો થાત અને ઉનાળાની શરૂઆત ની બેવડી ઋતુમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે જુવારની ધાણીના સેવનથી શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આર્યનથી ભરપૂર અને એનર્જીનો બેસ્ટ સોર્સ એટલે ખજૂર. ખજૂર એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને જ્યારે ઉપવાસ હોય ત્યારે એનર્જી લેવલ જાળવી રાખવામાં ખજૂર મદદરૂપ થાય છે. ખજૂરની કિંમત તમામ વર્ગને પરવડે તેવી હોય છે.
પરંતુ, સમસ્યા એ છે કે આ બધી પરંપરાઓ હવે લુપ્ત થઈ રહી છે. શુકન પૂરતી ૧૦૦ ગ્રામ ધાણી લાવીને હોળિકાની પ્રદક્ષિણામાં વપરાય છે અને ઉપવાસ કરવાની પરંપરા તો રહી જ નથી. ‘શિયાળામાં મજાનો માલમલીદો ખાધો હોય એટલે શરીરમાં કફનો સંચય થાય જ થાય. ગરમી પડતાં એ સંચિત કફ ઓગળે. એટલે જ આ સીઝનમાં શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન અને કફજન્ય રોગોનું પ્રમાણ વધી જાય છે. જ્યારે શરીરમાં વાયુ અને રસ બન્નેમાં ગરબડ થાય એટલે વિષાણુઓ શરીર પર સરળતાથી એટેક કરે છે.