જેને બોરસલી કહીએ છીએ તે જાણીતા સુંદર વૃક્ષને આયુર્વેદમાં ‘બકુલ’ કહે છે. તેનાં ફૂલોની મધુર સુગંધને લીધે તેને ‘મધુગંધ’ પણ કહે છે. આ બોરસલીમાં તેની સુગંધની જેમ એક બીજો પણ ઉત્તમ ગુણ રહેલો છે. બોરસલી એ ‘દંત્ય’ છે. એટલે કે તે દાંતો માટે હિતકારી તથા દાંતોને મજબૂત બનાવનાર છે.
બોરસલીનાં ૪૦થી ૫૦ ફીટ ઊંચાં છાયાદાર, સદાબહાર વૃક્ષો ભારતના સર્વ પ્રદેશોમાં થાય છે. તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે વધુ થાય છે. બોરસલીનાં પાન આંબાનાં પાન જેવાં જ તથા ફૂલો નાનાં નાનાં, શ્વેત અને ખૂબ જ સુગંધીદાર હોય છે. તેના થડની છાલ બહારથી લીસી ભૂરી કે કાળાશ લેતા રંગની હોય છે. શાખાઓ ચારે બાજુ ફેલાયેલી ઘણી બધી જોવા મળે છે.
આયુર્વેદ પ્રમાણે બોરસલી તૂરી, તીખી અને મધુર, શીતળ, ત્રિદોષનાશક, મન પ્રસન્નકર્તા, હૃદય માટે હિતકારી, પચવામાં ભારે તથા બળપ્રદ છે. તે કફ, પિત્ત, સફેદ કોઢ, દંતરોગો, વિષ તથા પેટના કૃમિઓનો નાશ કરનાર છે. તેનાં ફળ મધુર અને તૂરાં, દાંતને દૃઢ કરનાર, શીતળ, વાયુકર્તા તથા કબજિયાત કરનાર છે. રાસાયણિક દૃષ્ટિએ બોરસલીની છાલમાં ૩થી ૭ % ટેનિન, ગુંદર, સેપોનિન તથા ક્ષારાભ હોય છે. ફળોમાં એક સુગંધી તેલ અને બીજમાં ૧૬થી ૨૫% એક સ્થીર તેલ હોય છે.
બોરસલી ના બીજમાંથી તેલ નીકળે છે, જે ખાવામાં વાપરી શકાય છે. તેની છાલ ચામડાં રંગવામાં ઉપયોગી છે. પાકા ફળનો ગર સંગ્રહણીમાં વપરાય છે. ઘણા લોકો તેના ફળનો મુરબ્બો પણ બનાવે છે. તેનું લાકડું ખુબજ મજબૂત હોય છે.
બોરસલીનાં ચૂર્ણનું નિયમિત મંજન કરવાથી હલતા દાંત પણ સ્થિર બને છે. તેમજ બોરસલીનાં મૂળની છાલને ચાવવાથી ચલિત દંતપંક્તિઓ પણ અચલ બને છે.
જે લોકો ને દાંત હલતા હોય એમને માટે બોરસલીની છાલનો ઉકાળો મુખમાં રાખવો જોઈએ . બોરસલીની છાલના બે ચમચી જેટલા ભુક્કાનો ઉકાળો કરી ઠંડો પડે એટલે મુખમાં ધારણ કરવો. ૫થી ૧૦ મિનિટ સુધી રાખી પછી મુખશુદ્ધિ કરી લેવી. આ ઉકાળો પોતાની તૂરાશથી પેઢાંને સંકુચિત કરી દાંતનાં મૂળને મજબૂત કરે છે. દાંતમાં જો દુખાવો પણ થયો હોય તો ઉકાળામાં થોડું પીપરનું ચૂર્ણ, મધ અને ઘી મેળવી પછી ધારણ કરવો તેનાથી રાહત મળે છે.
બોરસલીનાં ફૂલો બાળકોની ખાંસીમાં ઉત્તમ પરિણામ આપે છે. ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં બોરસલીનાં ચાર ફુલ અધકચરાં વાટી રાત્રે પલાળી રાખવાં. સવારે આ પાણી ગાળી બબ્બે ચમચી સવારે, બપોરે અને રાત્રે બાળકોને પીવડાવવાથી સુકી ઉધરસ, વરાધ અને કફના રોગો મટે છે.
મૂત્રત્યાગ વખતે જો બળતરા થતી હોય તો બોરસલીનાં ૧૦થી ૧૨ નંગ પાકાં ફળનું રોજ સવારે સેવન કરવું જોઈએ. અથવા ૨૦થી ૨૫ પાકાં ફળોના ઠળિયા કાઢીને, તેને વાટીને એક ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી તરત જ વાસણ ઉતારી લેવું. ઠંડું થયા પછી આ પાણી ગાળીને પી જવું. સવાર-સાંજ આ પ્રમાણે ઉપચાર કરવાથી બે-ચાર દિવસમાં જ મૂત્રમાર્ગની બળતરા મટે છે.
બોરસલી સાથે બીજાં કેટલાંક ઔષધો પ્રયોજીને ‘બકુલાદ્ય તેલ’ બનાવાય છે. વિભિન્ન તકલીફોમાં આ તેલ ઉત્તમ પરિણામ આપે છે. બોરસલી તથા મરિના સયોજનવળી પડીકી લીધા બાદ 6 કલાક સુધી ઉભું રહેવું આસન ગ્રહણ કરવું નહીં. હરિ ફરી શકાય પણ બેસવાની શકાય નહિ. દર કલાકે મોસંબી ચૂસવાની રહેશે. 6 કલાક પસાર થઈ ગયા પછી મગ ની દાળની ઢીલી ખીચડી ખાઈ લેવી. સાંજથી જે પ્રમાણે ખોરાક લેતા હોય તે પ્રમાણે લેવો. તેનાથી હરસનો દુખાવો દૂર થઈ જશે.
બોરસલ્લીનાં બીજ પાણીમાં પથ્થર પર ઘસી ચાટણ બનાવી સવાર-સાંજ લેવાથી અતીસારમાં થતા પાતળા ઝાડા મટી જાય છે. બોરસલી ના ફૂલોનો અર્ક શરીરની નબળાઈ દૂર કરવામાં ઉપયોગી છે. તેના ફૂલની બારીક ભૂકી સૂંઘવાથી નાસાવિરેચન થાય છે. તેના ફૂલો ખૂબ જ સુગંધિત હોવાથી વેણી બનાવવા અને કપડાંને સુગંધ આપવા વપરાય છે.
બોરસલીના 21 પુષ્પ ભગવાન ગણેશની પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવે છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ આ ફૂલો ખૂબ પવિત્ર હોવાનું માનવામાં આવે છે.