લગભગ નાનામોટા ઘણા રોગો ની દવા આપણા ઘરમાં જ છુપાયેલી હોય છે પરંતુ તેનો ઉપયોગ કેવીરીતે કરવો એ આપણને ખ્યાલ હોતો નથી. આજે આપણે એવી જ એક ઔષધિ એકટલે કે હિંગ કે જે આપણા ખોરાકમાં સ્વાદ લાવવા અને પેટને તંદુરસ્ત રાખવા માટે ખૂબ ઉપયોગી છે તેના વિષે વાત કરીશું. હિંગ પેટના રોગો સિવાય શ્વાસ અને ફેફસા ના રોગો માં પણ ખૂબ ઉપયોગી છે.
ન્યુમોનિયામાં ફેફસાંના વાયુપોટામાં બળતરા થાય છે, અશક્તિ અનુભવાય છે, અતિશય પરસેવો એકાએક થવા માંડે છે, સાધારણ ખાંસી આવે છે. ધીમે ધીમે ફેફસાંમાં શરદી લાગી હોય ત્યારે આ રોગની શરૂઆત થાય છે. છાતીમાં, માથામાં, ગળામાં અને પીઠમાં અતિશય ઠંડી લાગવાથી આ રોગ થાય છે. સંક્રામક રોગો થવાથી પણ ન્યુમોનિયા થાય છે.
રોગ વધી જાય ત્યારે કોઈક વખતે દરદી બેભાન થઈ જાય છે. હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ફેફસાંમાં સખત દુખાવો થાય છે. આ રોગ માં ઘરેલુ ઉપચાર તરીકે એક રતીભાર હિંગ, 1/4 ચમચી લસણનો રસ અને એક ચમચી મધ ત્રણેને મેળવી ધીમે ધીમે ચટાડવું.
આ ઉપરાંત તુલસીનાં તાજા દશ પંદર પાન, આદુનો એક ટુકડો બંનેને લસોટી રસ કાઢવો તેમાં બે રતીબાર હિંગ ઉમેરી મધ સાથે મેળવી દરદીને ચટાડવું.
દમ(અસ્થમા) થયો હોય ત્યારે અતિશય ઉધરસ આવે છે. દર્દી ને શ્વાસ લેવામાં મુશકેલી થાય છે. શ્વાસનળીમાંથી કફ છૂટતો નથી તેથી સૂકી ખાંસી આવે છે. અતિશય ખાંસી આવવાથી શરીરે પુષ્કળ પરસેવો થાય છે. ચહેરો ફિક્કો પડી જાય છે. શ્વાસ લીધા પછી ફેફસાંમાં દર્દ થાય છે. સ્નાયુવિકારથી ફેફસાંમાં ધૂળના રજકણો જવાથી આ રોગ થાય છે. ઠંડી અને વરસાદની ઋતુમાં રોગની તીવ્રતા વધે છે. ખાસ કરીને આધેડ કરતાં મોટી ઉંમરનાં માણસો આ રોગનો શિકાર બને છે.
દમ માટેના ઘરેલુ ઉપચાર માટે પીપળાની સૂકવેલી છાલના એક ચમચી ચૂર્ણમાં એક રતીભાર હિંગ મેળવી સેવન કરી શકાય છે. આ સિવાય કાકડાસીંગ, કાયફળ અને હિંગ ત્રણેનું એક એક ચપટી ચૂર્ણ મધ સાથે મેળવી દર્દી ને આપી શકાય.
બે ગ્રામ હિંગ, 80 ગ્રામ જૂનો ગોળ, 10 ગ્રામ રાઈ, 10 ગ્રામ દળેલી હળદર, 10 ગ્રામ લેટન સબ્જી બધાને બરાબર મિક્સ કરી મધ્યમ બોર જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બે બે ગોળીઓ દરદીને આપવી. આ પ્રયોગથી શ્વાસ રોગ સદંતર મટે છે.
જો ખાંસી આવતી હોય તો પણ હિંગ ને ઔષધ તરીકે વાપરી શકાય છે. આ માટે હિંગ, લીંડીપીપર, બોર, સિંધાલૂણ, મજીઠ, અબરખ ભસ્મ અને વરિયાળીના છોડનાં મૂળ બધાં પાંચ પાંચ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવવું. બે-બે ચપટી ચૂર્ણ સવાર-સાંજ આપવું.
સૂકી અથવા કફવાળી ખાંસીમાં એક ચમચી આદુનો રસ, એક રતીભાર હિંગ અને એક ચમચી મધ મેળવી રોગીને આપવું ઉત્તમ ગુણકારી છે. આ સિવાય એક ગ્રામ હિંગ, બે ગ્રામ વછ, ત્રણ ગ્રામ ચિત્રકમૂળ, ચાર ગ્રામ સૂંઠ, પાંચ ગ્રામ અજમો, છ ગ્રામ હર્ર (હરતાલ) અને સાત ગ્રામ લીંડી પીંપર લઈ બધાનું ચૂર્ણ બનાવવું. બે ચપટી ચૂર્ણ દેશી ઘી સાથે આપવું. ખાંસી માં રાહત થઈ જશે.
જો કોઈ રોગ વધારે પ્રમાણમાં હોય તો તરત જ ડૉક્ટર કે વૈધનો સંપર્ક કરવો. આ લેખ ફક્ત લોકોને આયુર્વેદ થી માહિતગાર કરવા માટે છે