મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં સાત્વીનના મોટાં વૃક્ષો વધુ જોવામાં આવે છે. એનાં પાન શેમળાનાં પાન જેવાં જ હોય છે. તેનાં મોટાં ફળ પારસ પીપળાના ડોડવા જેવડા થાય છે. એના છાલના કટકા જાડા, ખરબચડા અને સહેલાઈથી ભાંગી જાય તેવા હોય છે. બંગાળ બાજુ એનાં વૃક્ષો જોવાં મળે છે.
દવામાં સાત્વીનની છાલ વપરાય છે. એની છાલમાંથી એક જાતનું સત્ત્વ નીકળે છે. પ્રાચીન સમયથી એનો ઉપયોગ થતો આવ્યો છે. સાત્વીન અનેક રોગોને મટાડે છે. સાત્વીન ગુણમાં ઉષ્ણ, અગ્નિદીપક, સારક તથા સ્તંભન અને કૃમિન હોય છે. એ જવરને રોકનાર, ધાવણ વધારનાર છે. પેટના જૂના રોગોને મટાડે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ સાત્વીનના ફાયદાઓ વિશે.
માંદગી પછીની નબળાઈ મટાડવા માટે સાત્વીનની છાલનો ઉપયોગ કરી શકાય છે. સાત્વીનથી પાચનશક્તિ સુધરે છે અને ભૂખ બરાબર લાગે છે. સાત્વીન ત્રિદોષ, કૃમિ, દમ, કોઢ અને શૂળ વગેરે મટાડે છે. તાવ દૂર કરવા માટે ખાસ વપરાય છે. એની છાલ નો ઉકાળો પીવાથી તાવ મટે છે.
સાત્વીનથી કાનમાં તમરા બોલતાં નથી, અનિદ્રા થતી નથી. શરીર તપેલું રહેતું નથી. સાત્વીનથી શ્વાસ, કુષ્ઠ, રક્તવિકાર તથા ગૂમડાં મટે છે. સાત્વીન દૂધમાં વાટી એનો લેપ કરવાથી ગૂમડાં મટે છે. અતિસાર તથા સંગ્રહણીમાં પણ એ કામ આવે છે.
કુષ્ઠ રોગ તથા રક્તવિકાર માં પણ તે ફાયદાકારક જણાય છે. જૂના વાત રોગમાં તે કાળા મરી સાથે લેવાય છે. મલેરિયાના તાવમાં સાત્વીનનો ઉકાળો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગળો, અરડૂસી, નાગરમોથ, અને સાત્વીનનો કવાથ ન મટતા જૂના તાવમાં ખૂબ જ સારું કામ કરે છે.
તો ચાલો હવે આપણે જાણીએ સાત્વીનના પ્રયોગો. સાત્વીન છાલ, ગળો, લીમડાની અંતરછાલ, ભોજપત્ર ના ઝાડની છાલ, પીપરીમૂળ, લાલ ચંદન આ બધી ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેને ખાંડી અડધા લિટર પાણીમાં એનો ઉકાળો બનાવીને પીવાથી એનાથી શરીરની નબળાઈ મટે છે.
સાત્વીનની અંતરછાલ, ગુગળની અંતરછાલ, લીમડાની અંતરછાલ, ઉંબરાની અંતરછાલ, ગંધક તથા હિંગળો દરેક સરખે વજને લઈ આસોપાલવના રસમાં નાની નાની ગોળી બનાવી લેવી. આ ચણા જેવડી ગોળી મધમાં ગળવાથી તાવ, ખાંસી, સાંધાની શિથિલતા તથા અશક્તિ, જઠરાગ્નિ નું મંદ થઈ જવું તથા લોહી ની ગરમી જેવા અનેક રોગોમાં ઉપયોગી થાય છે.
સાત્વીન, પિત્તપાપડો, ગરમાળો, કચૂરો, મજીઠ, ત્રિફળા, પહાડમૂળ, હળદર, દારૂ હળદર, ઉપલસરી, પીપર, લીમડો, ચંદન, જેઠીમધ, ઈન્દ્રજવ, ગળો, કરિયાતું, કડું, મોરવેલ, અડૂસી, શતાવરી, તથા ધમાસો આ બધી ચીજો દસ દસ ગ્રામ લઈ તેનાથી આઠ ગણું ઘી લેવું. ઘી થી બમણા ભાગે આમલીનો રસ નાખવો. આ પીવાથી પિત્તના રોગ, ફોલ્લી, દાહ, તરસ, સોજો, ઉન્માદ, હૃદયરોગ જેવામાં ઘણી રાહત મળે છે.
સતવિનના ના ઉપયોગથી સફેદ કોઢ, કમળો, ભગંદર, પ્રદર રોગ, અર્શ વગેરેમાં પણ ઘણી રાહત મળે છે. સાત્વીન છાલનો લેપ કરવાથી જીર્ણ આમવાત પણ મટે છે. સાથો સાથ મરડો, અતિસાર, મંદાગ્નિ માં આ દવા મરી સાથે વાપરી શકાય છે. શીતળા ખૂબ જ નીકળ્યા હોય અને ખાડા પડ્યા હોય તેમાં સાત્વીન છાલનો લેપ ભરવાથી ખાડા જલદીથી ભરાઈ જાય છે.
સાત્વીન છાલનો લેપ એકલો વાપરવામાં આવે તો જખમ સુકાઈને ચીરા પડી જવાની સમસ્યા રહે છે. આથી ઘી, માખણ કે દૂધની તરમાં ભેળવીને લગાવો. દાઝી ગયાના જખમમાં કે જે માંથી પરુ નીકળતું હોય તેમાં સાત્વીન દૂધની તરમાં ભેળવીને લગાડવાથી જખમ સાફ થઈને એકદમ મટે છે.
દિવસમાં ત્રણ વાર સાત્વીન, હળદર અને મિશ્રી 1-1 ગ્રામની માત્રામાં ભેળવીને ચૂસવાથી ખાંસી દૂર થાય છે. સાત્વીનને પાણીમાં ભેળવીને દરરોજ નહાવાથી ચામડીના રોગ દૂર થાય છે. સોપારી અને નીલાથોથાને આગમાં શેકી લો. પછી તેમાં સાત્વીન ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને માખણમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ સવારે-સાંજે શૌચ બાદ 8 થી 10 દિવસ સુધી મસા પર લગાવવાથી મસા સુકાઈ જાય છે.