મિત્રો આજે આપણે કપૂર કાચલી વિષે જાણીશું. કપૂર કાચલી નું મૂળ સંસ્કૃત નામ ‘છર્દિરિયુ’, ‘શટી’, ‘અનુષ્ણા’ વગેરે છે. પ્રકૃતિ જોઈએ તો કપૂર કાચલી ઉષ્ણ, તીખી, તિવ્ર અને વાયુનાશક છે.
કપૂરકાચલીમાં તેના સંસ્કૃત નામ પ્રમાણે ઊલટીના દર્દને શમાવવાના અકસીર ગુણ છે. કારણ કે ‘છર્દિરિપુ’ તેનું સંસ્કૃત નામ છે. તેથી છર્દિ એટલે ઊલટી અને રિપુ એટલે દુશ્મન આમ ‘છર્દિરિપુ’ એટલે ઊલટીનો દુશ્મન. ઉપરાંત કપૂર કાચલી હેડકી રોકનાર, દમ (શ્વાસ) નાશક, ખાંસી, શૂળ, ઘાવ, તાવ અને હેડકી મટાડનાર તથા વાયુનાશક છે અને દાંતમાં મંજન કરવાથી દાંતનાં દર્દો નાશ પામે છે. તેમજ મુખશુદ્ધિ કરનાર છે. તેથી શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તેને ઉપયોગી છે.
વાયુશામક તરીકે કપૂરકાચલી વાપરી શકાય છે. પેટમાં ચડી આવતો ગોળો, પેટનો દુઃખાવો, છાતીનો દુઃખાવો, દમ, ખાંસી વગેરે વ્યાધિઓ દરમિયાન વાયુ ઉપાય ચઢતો હોય, ત્યારે અન્ય ઔષધિઓ સાથે કપૂર કાચલીનું ચૂર્ણ મિશ્ર કરી લેવાથી અકસીર ઈલાજ થાય છે. પરંતુ કપૂર કાચલી ઉષ્ણ હોઈ પિત્ત અને ગરમીની તકલીફ ન હોય તેવા પ્રકૃતિના દર્દીઓને, જેમને ફકત વાયુ-કફ પ્રકોપ હોય તેમણે જ ઉપયોગ કરવો હિતાવહ છે. તેમણે આ મુજબ પ્રયોગ કરવો.
આ પ્રયોગ માટે ની સામગ્રી માં કપૂર કાચલીનું ચૂર્ણ ૨ ગ્રામ, સૂંઠનું ચૂર્ણ ૩ ગ્રામ, લવણભાસ્કર ચૂર્ણ ૫ ગ્રામ, સોડા બાયકાર્બ (સાજીના ફૂલ) ૧ ગ્રામ લેવા. ત્યારબાદ આ પ્રમાણે બધાં દ્રવ્યો મેળવીને તેને એક પ્યાલા ગરમ પાણીમાં મિશ્રણ કરીને દિવસમાં બે-ત્રણ વખત પીવું. આ પ્રયોગથી પેટનો ગોળો, પેટનો દુઃખાવો, છાતીનો દુઃખાવો, પેટમાં વાયુને લીધો ગડગડાટ, હેડકી, ઉડકાર કે વાયુને કારણે આવતી ખાંસી જેવા વ્યાધિઓમાં ખૂબ ફાયદો થાય છે.
અમ્લપિત્તના દર્દીઓએ કપૂર કાચલીના ચૂર્ણનો પ્રયોગ નીચેની રીત મુજબ કરવો. દરિયાના છીપની ભસ્મ, દરિયાઈ શંખની ભસ્મ કોડીની ભસ્મ, કપૂર કાચલીનું ચૂર્ણ, ઉપર્યુકત બધાના કુલ પ્રમાણ જેટલી જ ખાંડ લેવી. એ બધાં દ્રવ્યો સરખે ભાગે લેવાં તથા તેમનાં કુલ પ્રમાણ જેટલી જ ખાંડ તેમાં ઉમેરવી અને તેનું પાંચ ગ્રામ જેટલું જ ચૂર્ણ દિવસમાં સવાર, બપોર અને સાંજ ત્રણ વખત લેવાથી વાયુ તથા પિત્તમાં રાહત થાય છે. ખાંડ ચૂર્ણ લેતી વખતે જ ઉમેરવામાં આવે તો પણ વાંધો નહિ. એ ચૂર્ણ પાણી સાથે લેવું. સગર્ભા સ્ત્રીઓને થતી ઊલટીમાં પણ આ ચૂર્ણથી રાહત થાય છે.
દાંતનાં દર્દોમાં દાંત સડતા હોયં દુઃ ખતા હોય કે કોહવાટ હોય તો કપૂર કાચલીના ચૂર્ણનું મંજન દાંત ઉપર ઘસવાથી ફાયદો થાય છે. તથા મોંમાંથી આવતી દુર્ગંધ નાશ પામે છે.
જ્યારે ઊલટીનો વ્યાધિ ખૂબ બળવત્તર બન્યો હોય અને પેટમાં ખોરાક ટકતો ન હોય, ઊલટી વાટે બહાર નીકળી જતો હોય, દવા પણ લીધાની સાથે ઊલટી વાટે બહાર નીકળી જતી હોય ત્યારે નીચેનો પ્રયોગ કરવો.
કપૂરકાચલીનું એક તોલો જેટલું વસ્ત્રગાળ ચૂર્ણ અર્ધો લિટર પાણીમાં નાંખી હલાવી નાખવું. એકાદ કલાક રાખી મૂકવું. ત્યારબાદ આ પાણીને ગાળી લેવું. અને ઊલટીના દર્દીએ પાંચ પાંચ મિનિટના અંતરે આ પાણીનું એક એક ચમચી સેવન કરવું. જેનાથી પેટમાં રાહત થશે અને ઊલટી બંધ થઈ જશે. ઊલટી શમાવવાનો આ અકસીર ઈલાજ છે. કપૂર કાચલીમાં વાયુની ઊર્ધ્વ ગતિને રોકવાની તાકાત હોઈ ઊલટીની ઊર્ધ્વગતિને રોકીને તેનું શમન કરે છે.
ઊલટીના દર્દીને મસાલાવાળા પાનમાં એલચી, લવિંગ તથા એકાદ ગ્રામ જેટલું કપૂર કાચલીનું ચૂર્ણ નાખીને મોમાં રાખવા આપવું અને ધીમે ધીમે રસ ગળે ઉતારવાથી પણ વાયુની ઊર્ધ્વગતિ રોકાય છે. આ પ્રયોગમાં પાન નાગરવેલનું લેવું. દર દોઢ-બે કલાકે આવું પાન દર્દીના મોમાં રાખવા આપવું.