કારેલાં સ્વાદમાં કડવા પણ ગુણમાં પરમ હિતકારી છે. ઘણા પ્રાચીનકાળથી શાક તરીકે તેનો ઉપયોગ થાય છે. ભારતમાં બધી જગ્યાએ કારેલાં વવાય છે. તેના વેલાને કારેલી અને ફળને કારેલાં કહે છે. વેલાને પીળાં ફૂલ આવે છે. કારેલા લીલા રંગનાં હોય છે. પાકે ત્યારે લાલ રંગનાં થાય છે. કડવો રસ એ કારેલાની ખાસ વિશિષ્ટતા છે.
આપણા આહારના પદાર્થોમાં કડવા રસવાળા પદાર્થો ઘણા જ ઓછા હોય છે. નીરોગી શરીર માટે છ રસની યોગ્ય માત્રામાં જરૂર હોય છે, એકાદ રસ ઓછો મળે અથવા ન મળે તો શરીરની ક્ષમતા જળવાતી નથી અને વિષમતા થઈ શરીરમાં વિકૃતિ પેદા થાય છે. યુક્ત અને સમતોલ આહારમાં જેમ ખાટા, ખારા, તીખા, તૂરા અને ગળ્યા રસની જરૂર છે તેમ કડવા રસની પણ જરૂર છે. કારેલાં બે જાતનાં થાય છે : મોટાં કારેલાં અને નાનાં કારેલાં.
તાવ અને સોજામાં કારેલાંનું શાક અસરકારક છે. કારેલાંનું શાક આમવાત, વાતરકત, યકૃત અને જીર્ણ ત્વચાના રોગમાં પણ હિતકારી છે. ડાયાબિટીસ ના દર્દી માટે કારેલાં હિતકારી છે. રોજ સવારે કારેલાંનો રસ લેવાથી આ રોગમાં ચોક્કસ ફાયદો થાય છે.
કારેલાં ટાઢા, ઝાડાને તોડનાર, હલકા, કડવા અને વાયુ નહિ કરનાર છે. એ વાત, પિત્ત, લોહીવિકાર, પાંડુ, પ્રમેહ અને કૃમિને મટાડનાર છે. નાની કારેલી પણ તેના જેવા જ ગુણવાળી હોય છે. વિશેષ કરીને એ અગ્નિ પ્રદીપ્ત કરનાર અને હલકી છે. મોટા કારેલાં કરતાં નાના કારેલાં વધુ ગુણકારી છે. મોટા કારેલાં પ્રમેહ, આફરો અને કમળાનો નાશ કરે છે.
કારેલાંમાં વિટામિન “એ” વધારે પ્રમાણમાં, વિટામિન ‘સી’ થોડા પ્રમાણમાં તેમજ લોહ અને ફોસ્ફરસ છે. મોટા કરતાં નાના કારેલામાં લોહીનો અંશ વધુ હોય છે. તે યકૃત અને લોહી માટે ખાસ ઉપયોગી છે. હાડકાં, દાંત, મસ્તક અને બીજા શારીરિક અવયવો માટે ખૂબ ઉપયોગી હોય છે.
પ્રાકૃતિક (નૈસર્ગિક) ચિકિત્સક કારેલાંને લોહી શુદ્ધ કરનાર, યકૃત અને પ્લીહા રોગોમાં લાભદાયક, બહુમૂત્રતા કરનાર, પાંડુ અને કબજિયાત દૂર કરનાર, પેટના કૃમિનો નાશ કરનાર, પૌષ્ટિક, ગરમ અસર કરનાર, વધારે દિવસો સુધી સતત સેવન કરવાથી તાવ, શીતળા અને ઓરીથી બચાવનાર માને છે.
ભૂખ ન લાગવાથી શરીરને પૂરું પોષણ નથી મળી શકતું, જેનાથી સ્વાસ્થ્યથી સંબંધિત પરેશાની થાય છે. તેથી કારેલાનું જ્યુસને દરરોજ પીવાથી પાચનક્રિયા સરખી રહે છે જેનાથી ભૂખ વધે છે. કારેલાંનાં ફૂલ અથવા પાનને ઘીમાં શેકીને (સ્વાદ માટે) સિંધવ મેળવીને ખાવાથી, એસિડિટીના લીધે ઊલટી થતી હોય તો તે બંધ થાય છે. કારેલાંનાં ત્રણ બી અને ત્રણ કાળા મરી પાણી સાથે પથ્થર પર ઘસીને બાળકોને પિવડાવવાથી તીવ્ર ઊલટી બંધ થાય છે.
કારેલીનાં પાનનો રસ થોડી વધારે માત્રામાં આપવાથી તેનાથી વમન અને વિવેચન થઈને શ્વાસનલિકાની શરૂઆતની બળતરા (દાહ) મટે છે. આ રસમાં તજ અને મધ મેળવીને પણ આપી શકાય. કારેલીનાં પાનનો રસ હળદર મેળવીને પીવાથી શીતળાના રોગમાં ફાયદો થાય છે. કારેલીનાં પાનનો રસ પાંચ તોલા લઈ તેમાં હિંગ મેળવીને આપવાથી પેશાબની છૂટ થઈ મૂત્રાઘાત મટે છે.
કારેલીનાં પાનનો અથવા ફળોને એક નાની ચમચી જેટલા રસમાં સાકર મેળવીને આપવાથી રકતાર્શમાં ફાયદો થાય છે. કારેલીનાં પાનનો રસ થોડા ગરમ પાણી સાથે આપવાથી કૃમિ મરી જાય છે. કારેલીના મૂળને પાણીમાં ઘસીને પિવડાવવાથી શરીરે પારો ફૂટી નીકળ્યો હોય તો આરામ થાય છે.
કારેલાંનાં મૂળને પીસીને ખુજલી અને ફોલ્લીઓ પર તેનો લેપ કરવાથી ફાયદો થાય છે. એક કપ કારેલાના જ્યુસમાં એક ચમચી લીંબુનું જ્યુસ ભેળવી લો, આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરો. 3 થી 6 મહિના સુધી આનું સેવન કરવાથી ચામડી ઉપર સોરાયસીસના લક્ષણો દૂર થાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને સોરાયસીસ પ્રાકૃતિક રૂપથી મટાડવામાં મદદ કરે છે.
કારેલાનું જ્યુસ નબળા પાચનતંત્રને સુધારે છે, અને અપચાને દૂર કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આ એસિડના સ્ત્રાવને વધારે છે જેનાથી પાચનશક્તિ વધે છે. સારી પાચનશક્તિ માટે અઠવાડિયામાં એકવાર સવારે કારેલાનું જ્યુસ જરૂરથી લો. કારેલાનું સેવન કરવાથી હૃદય રોગથી છુટકારો મળે છે અને હાર્ટ એટેકના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગોથી પણ છુટકારો મળે છે.
વજન ઓછું કરવા માંગતા હોવ તો રોજ એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવું, તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. તે શરીરમાં સુગર લેવલને ઓછું કરે છે, સાથે જ વજન પણ નિયંત્રણ કરવામાં મદદ કરે છે. રોજ કારેલાનો રસ પીવાથી ખાંસીમાં રાહત મળે છે. ત્યાં જ કારેલાનો રસ અસ્થમા, ફેફસાંના સંક્રમણના ઈલાજ માટે પણ એક પ્રભાવી ઉપાય સાબિત થઈ શકે છે.