ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો નામનો છોડ કમાલ કરી શકે છે. હમણાંના સંશોધન અને આયુર્વેદના શાસ્ત્રો માં તેનો ઉલ્લેખકરવામાં આવ્યો છે. એે એક જંગલી ઘાસ છે. પણ કૂંવાડિયા છોડના બી કોફી તરીકે વાપરવાના પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. આ કોફી અનેક રોગનું નિવારણ કરી શકે છે. તેના બી શેકીને ભૂકો કરી કોફી તરીકે હવે તેનો વપરાશ થવા લાગ્યો છે.
જે રીતે ખેડા જિલ્લામાં થતી ચિકોરી કોફી છે. તે રીતે કૂંવાડિયો પણ છે. કૂંવાડિયોનાં બીની કોફી બનાવીને પીવાથી ખસ, ખંજવાળ, ખુજલી મટે છે અને કફ, શરદી, ખાંસી, દમ, શ્વાસ, કે ઉધરસ પણ મટે છે. ખરાબ લોહી સારું કરી શકે છે. ગુજરાતમાં કોફી હાઉસ બહુ ઓછા છે, પણ કેટલાંક ખેડૂતો હવે કૂંવાડિયાના બીના પડીકા તૈયાર કરીને હેલ્ધી કોફી તરીકે વેંચે છે.
આા ઘાસ ખરાબાની જમીન, ખાલી જમીન, ગૌચર, ખારી જમીન પર થઈ શકે છે. તેની ખેતી કરીને જાતે તેનું મૂલ્ય વર્ધક વસ્તુઓ ખેડૂતો બનાવી શકે છે. તેની ખેતી માટે કોઈ ખાસ ધ્યાન રાખવું પડતું નથી. તે પશુ ખાતા ન હોવાથી તેનો વિસ્તાર વધી રહ્યો છે. ગરીબ ખેડૂતો માટે તે સારી આવકનું સાધન બની શકે છે. તેના પર પ્રોસેસ કરીને ચામડી અને બીજા રોગો માટે ખેડૂતો પોતે જ માલ પેદા કરીને બજારમાં આપી શકે છે. તેના તાલુકામાં કે જિલ્લામાં બજાર ઊભું કરી શકે છે. દવા બનાવતાં કે રોગમાં વાપરતાં પહેલાં વૈદ્ય પાસે સલાહ લેવી જરૂરી છે.
ખેતરમા આા ઘાસ કોઈ ૫શું ખાતા નથી તેથી, ગુજરાતના ગીર સહિત જંગલોમાં પહેલા થતો ન હતો હવે આા ઘાસ ચારેબાજુ બેફામ ફેલાઈ ગયું છે. કાઢી નાંખવાનું આ નિંદણ હવે એક ઔષધ તરીકે વપરાય છે. આ છોડ 5 ફૂટ સુધી ઊંચો થોડી કડવી ગંધ, 3ની જોડીમાં મેથી જેવા પાન અને પીળા રંગના ફૂલ થાય છે. તેની અણીદાર 6 ઇંચ લાંબી સીંગમાં મેથીના જેવા 20થી 30 દાણા આવે છે. પાન, છાલ, મૂળ અને બીજ દવામાં વપરાય છે. તેમા મગફળીના છોડના પાન જેવા હોય છે. અને ચોળી જેવી સીંગ થાય છે.
ભોજનમાં ઉપયોગ કુવાડિયાની ભાજીનું શાક ખાવાથી કફ જેવા રોગો નાશ પામે છે. આખા શરીરે સોજા આવી ગયા હોય તો પાનનો ઉકાળો અને ભાજી નું શાક શ્રેષ્ઠ છે. કૃમિ, શ્વાસ, કફમાં કૂંવાડિયાના પાનની ભાજીનું શાક ફાયદો કરે છે. બાળકોને દાંતનો દુઃખાવામાં પાનને ઉકાળી તેમાં મધ કે ગોળ સાથે આપવાથી ફાયદો થાય છે.
ચામડીના તમામ રોગોમાં કુવાડીયો શરીરની અંદર અને બહાર ના ભાગો માટે ઉપયોગી છે. દૂધ કે ખાંડ વગરની કોફી શ્રેષ્ઠ છે. ભાજીમાં હળદર,ધાણા જીરું, કોથમરી, મરી, લસણ, હિંગ, રાઈ નાંખી ને પણ ખાઈ શકાય છે. કૂંવાડિયાના બી નો ઉપયોગ કાસ એટલે કે કફ, દમ, શ્વાસ, ખાંસી કે ઉધરસ માટે અકસીર છે. ખેતરના શેઢે, પાડ પર, પડતર જમીન, માર્ગો અને રેલવેના કાંઠે આા ઘાસ ઊગી નિકળે છે.
ચામડીના તમામ દર્દોમાં ઉત્તમ લાભ કરે છે. ચામડીના રોગો માટે દવાનો છોડ છે. ચરકસંહિતામાં કુષ્ઠ – ચામડીના રોગોમાં, ગરમાળાના મૂળ, કરંજ તથા કૂંવાડિયાના બી દહીં સાથે લેપ કરવાથી ફાયદો કરે છે. ચળ, ખસ, ખરજવું, કોઢ, શીળસમાં ફાયદો કરે છે. લોહી વિકારમાં બી શેકીને તેનો ચૂર્ણ લેવાથી ફાયદો છે. કોફીના ચૂર્ણને વાપરીને ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગમડ મટાડી શકાય છે.
કૂંવાડિયાના ઉપયોગ થી શરીરના કોષ વધવા લાગે છે. ખંજવાળ થતી નથી. કૂંવાડિયાના છોડમાંથી બનતી ઔષધિઓ સોરાયસીસ જેવી ચામડીની જટિલ સમસ્યામાં સારાં પરિણામ આપે છે. તેમા રહેલા રસાયણ ખંજવાળ અને સોરાયસીસના ચકામા પર ઝડપથી અસર કરે છે. અને તે હતી એવી ચામડી કરી દે છે. ડાઘ પણ રહેવા દેતાં નથી.
લીલા છોડનો રસ વધારે અસરકારક છે. બીનો પાઉડર બનાવી એલોવેરા જ્યૂસ, જેલી સાથે પેસ્ટ બનાવીને ચકામા પર લગાવવી. તેની સાથે આરોગ્યવર્ધિની વટી, જેઠીમધ ઘનવટી, ભૃંગરાજ ઘનવટી, હરડે-દ્રાક્ષ અને અરડૂસી ઉપયોગમાં લેવામાં આવે છે.
ગરમીમાં મૂળનું 2 થી 5 ગ્રામ ચૂર્ણ ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી ગરમી, પિત્તનો તાવ, હાથ કે પગનાં તળિયાંની ગરમી, શરીરની ગરમી કાઢે છે. આંખોની બળતરા મટે છે. શરીરમાં ગરમી સાથે લોહી રહેતું નથી તે માટે મૂળનું ચૂર્ણ સવારે ઘી સાથે ભેળવી ને ચાટવું, તેથી લોહી શુદ્ધ થઈ શક્તિ વધે છે.
તે સ્વાદ માં તીખો, કડવો લાગે છે પણ તેનાથી ભૂખ લાગે, અરુચિ, પાચન સારું કરે, અજીર્ણ, વાયુ, ના કૃમિને હરી લે છે. ખેતર માટે તે કુદરતી નાઈટ્રોજનની ફેક્ટરી છે. કૂંવાડિયા– કેસીયા ટોરા ખેતરમાં વાવવા માટે કૃષિ વિજ્ઞાનીઓ ભલામણ કરે છે. કૂંવાડિયા બળ દેનાર, મેદસ્વિતા, લકવા, અડદિયો, વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, હ્રદયરોગ મટાડે છે.
મૂળનો ઉકાળો કરી પીવાથી ચરબી ઘટે છે. પેશાબમાં ક્ષાર જતો હોય તો કૂંવાડિયાનાં પીળાં ફૂલ 10 ગ્રામ અને સાકર 10 ગ્રામ બે વખત આપવું. પેશાબનો રંગ અસલી બનશે. ડહોળો પેશાબ દૂર કરે છે. ખરજવા ઉપર ફૂવાડિયાનાં મૂળ ઘસી ચોપડવાં. દાદર ઉપર કૂવાડિયાના પાન નો રસ લીમડાના રસમાં મિશ્ર કરી ચોપડવો. કૂંવાડિયાનાં બીજ ને પણ દાદરનું અક્સીર ઔષધ કહ્યું છે. દાદરમાં મૂળ, પાન, ડાળ, બી સાથે છોડ ઉકાળીને સ્નાન કરવું.
દાદર-ખરજવામાં કૂંવાડિયાના બી, બાવચીનાં બી, ગંધક, સિંદૂર, ફૂલાવેલ ટંકણખારના ચૂર્ણ સાથે લીંબોળી કે સરસીયુ તેલ મેળવી મલમ લગાવવાથી મટે છે. ખરજવા પર કૂંવાડિયાનાં મૂળ પાણી કે ગોમૂત્રમાં ઘસીને લગાવવું.
ખસ-ખરજવું, દાદર, ચળ પર 10 ગ્રામ બી, 10 ગ્રામ કપીલા, 20 ગ્રામ ગંધકનું ચૂર્ણ સાથે લીંબુના રસનો પુટ આપી મલમ બનાવીને લગાવવી શકાય છે. બી શેકી 1 ચમચી ચૂર્ણને લીંબુના રસમાં ઘુંટી 3 વખત પાણી સાથે દાદર પર ઘસીને લગાવવાથી દાદર આખરે મટે છે. છાશ સાથે ચોપડવાથી 12 દિવસમાં દાદર મટે છે.
ખરજવા માટે કૂવાડિયાનાં બિયાં 6 ભાગ , બાવા 4 ભાગ અને ગાજરનાં બી 2 ભાગ , એનું ચૂર્ણ માટલામાં નાખી ગોમૂત્રમાં 8 દિવસ પલાળી રાખીને પછી ચોપડવું . એ ઔષધ સુકાવા ન દીધું હોય તે વર્ષભર ઉપયોગમાં આવે છે. કુવાડિયાના પાલાને રસ કાઢી તેમાં તેટલી જ છાશ નાખવી અને ગંધક 1 તોલો અને હિંગ 5 તોલા લઈ, બંનેની ભૂકી કરી તેમાં મિશ્ર કરી પીવી.
કુવાડિયાના બીમાંથી ક્રાઇઓસોફેનીક એસિડ કાઢીને તેનો દાદરના મલમમાં વિશ્વ આખામાં ઉપયોગ થાય છે. બી ચાવીને ખાવાથી દમ, રેટનો દુખાવો, અપચો, પેટની ગાંઠ મટે છે. દમમાં લાંબા સમય સુધી કૂંવાડિયોનાં બી ખાવાં જોઈએ. પાનને ગરમ કરી લુગદીને શરીરની ગાંઠ પર લડાવવાથી ફૂટે છે.
જંગલી શાકમાં કૂવાડિયો એ જગપ્રસિદ્ધ છે. વરસાદ પડયાને 15 દિવસ થતાં જ કૂવાડિયો શાક કરવાના કામમાં આવે છે. ગરીબ લોક ફુવાડિયાની ભાજી ઉપર જ કેટલાક દિવસ કાઢે છે. એે લઘુ , પિત્તકર , ખાટી તેમ જ ઉષ્ણ છે. અને કફ , વાયુ , દરાજ , કોઢ , કંડુ , ઉધરસ તથા દમને નાશ કરે છે.