લસણ ડુંગળી કરતાં વધુ તીવ્ર અને ગરમ હોઈ તેની થોડી માત્રામાં જ ઉપયોગ કરવો. તેની ગંધ પણ તીવ્ર છે તેમજ ઉત્તેજક છે. જેથી ચા, કૉફીની જેમ તે ખાધા પછી ઉત્તેજના આવે છે. નપુંસકતા જેવા રોગો દૂર થાય છે. ગળાના કાકડા ફૂલ્યા હોય ત્યારે પણ ફાયદો આપે છે.
તેની ગંધ અને તીખાશ ઓછી કરવા ખાદ્ય પદાર્થો સાથે ભેળવીને ખવાય છે. તેને માવામાં ભેળવી લાડુ પણ બનાવાય છે. શિયાળામાં તેનું સેવન ઉત્તમ છે. ઉનાળામાં લસણ વધુ ખાવાથી ગૅસ વધે છે. પેટના ચાંદામાં લસણનો ઉપયોગ ફાયદાકારક છે. દાંતનું દર્દ, પેઢાં ફૂલવાં વગેરેમાં લસણ વાટીને ધીમે હાથે તેનું માલિશ કરવું.
૧૦૦ ગ્રામ તેલમાં ૨૫ ગ્રામ લસણ લસોટી ધીમા તાપે તપવા દો. લસણ કાળું પડી જાય, એટલે તેલ ગાળી લો. આ લસણનું તેલ બની ગયું. કાનનાં દર્દોમાં આ તેલનાં થોડા ટીપાં નાખી રૂ વડે કાન બંધ કરી દો, કાન પાકતો હોય તો મટશે. ઉપરાંત મેલ પણ ઓગળી જશે.
સળી વડે હળવેથી આ મેલ કાઢી લેતાં કાન ચોખ્ખો થઈ જશે. બહેરાશ વધતી હોય તો પણ આ પ્રયોગ ફાયદાકારક છે. સાંધાના દુઃખાવામાં તેમજ કમરના દુઃખાવામાં માલિશ કરી શકાય. જૂ પણ આ માલિશથી મરી જાય છે. ફોલ્લા પર લસણનું પોટીશ બાંધવાથી જલદી પાકી જઈ ફૂટી જાય છે અથવા બેસી જાય છે. કૉલેરામાં લસણ સાથે છે ઉકાળેલું પાણી આપવાથી આરામ થાય છે. મોં વાટે લેતાં તેની દુર્ગંધના ઓડકાર આવે છે. જેથી બાહ્યોપચારમાં વાપરવું.
લસણ લસોટીને છાતીએ લેપ કરવાથી ફેફસાંના જૂના રોગમાં ફાયદો થાય છે. ક્ષય રોગમાં આ લેપ કફને જલદી બહાર કાઢે છે. દરેક પ્રકારના ઘા, સોજા માટે શ્રેષ્ઠ એન્ટીસેપ્ટિક છે. વાયુ રોગોમાં કે સાંધાના સોજામાં તેલનું માલિશ સારું કામ આપે છે. ખરજવામાં લસણની કળી લસોટી રાઈના તેલમાં ગરમ કરી એ તેલનો લેપ કરવો. આ ખૂબ જ બળતરાવાળું તેલ છે અને ચામડી બાળી નાંખવા સંભવ છે. જેથી ઓછું તેલ લઈ પોચા હાથે માલિશ કરવું.
કોલેસ્ટેરોલ ઘટાડવા તેમજ ફેફસાંનો ટી.બી. મટાડવા માટે વિજ્ઞાનમાન્ય ઔષધિ છે. જ્યાં આંતરિક પ્રયોગ લસણની તીવ્ર ગંધ, તામસિક વૃત્તિ અથવા ઉત્તેજક હોય ન કરી શકાતો હોય ત્યાં પણ બાહ્યોપચાર તો કરવો જોઈએ.