દરેકના શરીરમાં વાયુ, પિત્ત અને કફ હોય જ પરંતુ તેમનું પ્રમાણ જુદું જુદું હોય. વાયુનું પ્રમાણ વધારે હોય તો વ્યક્તિની પ્રકૃતિ વાયુ પ્રકૃતિ છે એમ કહેવાય. આવી જ રીતે પિત્ત અને કફ પ્રકૃતિનું સમજવું.
આપણે શું ખાઈએ છીએ અને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં વસ્તુનું સેવન કરીએ છે તે બધાની અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. ઘણી વખત ગરમીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળવાથી અથવા તો અયોગ્ય વસ્તુ ખાવાથી વાત પિત્ત અને કફ ત્રણેય દોષોનું સંતુલન બગડી જતું હોય છે. જેના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને તમારી શરીરની પ્રકૃતિ કેવી છે તેના વિષે ઓળખતા શિખવાડીશું.
વાત પ્રકૃતિના લોકો કેવા હોય છે?
જેમને વાતો કરવાનો કે બોલવાનો શોખ હોય, તેઓ મોટે ભાગે વાત પ્રકૃતિના જ વ્યક્તિ હોય તેમ સમજવું. એક જ વખત બોલવાથી જેમને સંતોષ થતો નથી અને એકની એક જ વાત બે-ત્રણ વાર બોલે અને જુદી જુદી રીતે બોલે, હાવ ભાવ અને હલન ચલન સાથે બોલે તો ચોક્કસ તેને વાત પ્રકૃતિની વ્યક્તિ સમજવી. આ વ્યક્તિનું શરીર અને મન બંને વિશેષરૂપથી ગતિમાન હોય છે.
વાત પ્રકૃતિ ના લોકોમાં મોટાભાગે આ લક્ષણો જોવા મળે છે જેમકે પેટમાં વાયુનો આફરો ચઢવો, પેટ માં આંકળી આવતી તેમને વાયુ પ્રકૃતિના સમજવા. તેમની ત્વચા રૂક્ષ રહે છે, કારણ કે રૂક્ષતા એ વાયુનો પોતાનો ગુણ છે.
મૂળ વાળા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. જે લોકો વાત પ્રકૃતિ ધરાવતા હોય તેવા લોકોએ ગરમીની ઋતુમાં કાચા શાકભાજી, બ્રોકલી, કોબીજ જેવી વસ્તુઓથી બચવું જોઈએ. નહીતો પેટ સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. જે લોકોના શરીરમાં વાત દોષ અસંતુલિત હોય છે તેમને સાંધાનો દુઃખાવો થતો હોય છે એવામાં તલના તેલની માલીશ કરવી જોઈએ તેનાથી રાહત મળશે.
પિત્ત પ્રકૃતિના લોકો કેવા હોય છે?
પિત્ત એટલે અગ્નિતત્ત્વનું પ્રતિનિધિ. પિત્તનું કાર્ય છે પરિવર્તન. આહારનું સ્વરૂપ પરિવર્તિત કરીને ઉર્જામાં રૂપાંતર કરવાની જવાબદારી પિત્તની છે. સમગ્ર પાચનતંત્રનું પ્રતિનિધિ પિત્ત છે. નિર્ણય ક્ષમતા સ્પષ્ટ હોવી એ પિત્ત પ્રકૃતિનો લાક્ષણિક ગુણ છે. શિસ્ત અને સિદ્ધાંતોથી જીવતી વ્યક્તિ મોટેભાગે પિત્ત પ્રકૃતિની હોય છે.
માઈગ્રેન જેવા માથાના દુખાવા પિત્ત પ્રકૃતિની વ્યક્તિને વિશેષ પ્રમાણમાં થાય છે. પિત્ત દોષ અસંતુલિત થવાથી શરીરમાં ગરમી વધે છે. જેના કારણે શરીરમાં બળતરા, છાતીમાં બળતરા, હાથ પગ બળે, ખંજવાળની સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે.
પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમીમાં કોથમીર, સીતાફળ, કાપેલું નારિયેળ, કાકડી, તરબૂચ, મગ તેમજ એલોવેરાના જ્યુસનું સેવન કરવું જોઈએ. પિત્ત પ્રકૃતિના લોકોએ ગરમ તાસીરની વસ્તુ તેમજ મસાલેદાર ભોજનના સેવનથી બચવું જોઈએ. આ ઉપરાંત તેમણે ગરમ હવા અને તડકાથી પણ બચવું જોઈએ.
કફ પ્રકૃતિના લોકો કેવા હોય છે ?
જળ અને પૃથ્વી તત્ત્વથી કફનું નિર્માણ થાય છે. શાંત, સ્થિર, પ્રમાણમાં થોડી ધીમી અને લહેરથી જીવતી વ્યક્તિ એટલે કફ પ્રકૃતિ. સદાય હસતા હોય અને પરિશ્રમથી બચતા હોય, ભોજન પ્રત્યે વિશેષ પ્રીતિ હોય, સંબંધો આજીવન સાચવે અને પ્રેમાળ સ્વભાવના વ્યક્તિત્વ વાળ હોય.
શરીરમાં કફ દોષ વધવાના કારણે સુસ્તી અને આળસ આવે છે. ભુખ ઘટી જવી, ઉલટી થતી હોય એવું લાગવું, માથું અને છાતીમાં ભારે લાગવું એ કફ પ્રકૃતિના લક્ષણો છે.
કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ તાજા ફળ જેવા કે સફરજન, દાડમ અને જાંબુ જેવા ફળોનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કફ પ્રકૃતિ ધરાવતા લોકો માટે ગરમીમાં દાળનું સેવન પણ ફાયદાકારક સાબિત થાય છે.
વાયુનો પ્રકોપ વર્ષાઋતુમાં વિશેષ થાય છે અને પંચકર્મમાં આવતી બસ્તિ એનો શ્રેષ્ઠ ઉપાય છે. પિત્ત શરદઋતુમાં વધારે પ્રકોપે છે અને ત્યારે જો વિરેચન આપવામાં આવે તો પિત્તનું શમન થતું હોય છે અને કફ વસંત ઋતુમાં પ્રકોપે છે તેથી વમન એની શ્રેષ્ઠ ચિકિત્સા છે. અનુભવી વૈદ્યરાજો પાસે પોતાની ચિકિત્સા કરાવીને પોતાના શરીરને અનુકૂળ આહાર, વિહાર, નિહાર જો નક્કી કરવામાં આવે તો માણસ બીમાર ન પડે.
આમ, વાત-પિત્ત-કફ એ ત્રણેય ઘટકો (દોષો) દરેક વ્યક્તિમાં હોય તો ખરા જ પણ તેમના પ્રમાણનું વધારે તેમની વિશેષતા દર્શાવે.