લીલા તેમજ સૂકા મેવા તરીકે વપરાતો અંજીર એ ઉંબરાની જાતનાં ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાના ફળ જેવો જ હોય છે. તેનાં ઝાડ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ (જેમાંથી દૂધ નીકળે તેવાં) છે. અંજીરનાં ઝાડ ચૂનાવાળી તેમજ ભેજવાળી જમીનમાં થાય છે. કાળી ગોરાડુ જમીન તેને બહુ માફક આવતી નથી.
અંજીરનાં ઝાડ ખાસ કરીને ગરમ પ્રદેશમાં થાય છે. તેને ગરમ આબોહવા ખૂબ જ માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક અને પૂર્વ ખાનદેશમાં મોટા પ્રમાણમાં તેનું વાવેતર કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, બેંગ્લોર અને મૈસૂરમાં પણ તેનું સારા પ્રમાણમાં વાવેતર થાય છે. અંજીરના ઝાડની ઊંચાઈ પંદર-સોળ ફૂટની હોય છે. ઉંબરાનાં પાન કરતાં તેનાં પાન મોટાં હોય છે. તેના ઝાડની ડાળીઓ અને પાન રુવાંટીવાળાં હોય છે.
અંજીરના પાન અંતરે આવેલાં, ઉપરની બાજુએ ખરબચડાં, કિનારી પર દાણાદાર, ઘટ્ટ અને ત્રણ-ચાર ખંડવાળાં હોય છે. ઉંબરાની જેમ તેને પણ પ્રગટ ફૂલ આવતાં નથી. તેનાં ફળ કાચાં હોય ત્યારે લીલા રંગનાં અને પાકે ત્યારે રક્તાભ (લાલ વાદળી રંગનાં) હોય છે. સૂકાં અંજીર બારેમાસ બજારમાંથી મેળવી શકાય છે. અંજીરમાં ગુલાબી, રાતી, કાળી, ધોળી, મોટી, નાની, તુર્કી વગેરે ઘણી જાતો થાય છે.
લીલા અંજીરમાં પોષકતત્વો સારા પ્રમાણમાં હોય છે. પાકાં અંજીરનો મુરબ્બો બને છે. તે મુરબ્બો પિત્તશામક અને લોહી વધારનાર છે. સૂકાં અંજીરમાં અનેક પ્રકારનાં ઉપયોગી ક્ષારો અને વિટામિન હોય છે. અંજીરમાં ખાસ કરીને લોહતત્ત્વ સૌથી વધારે છે. અંજીર ખાવાથી જઠર સતેજ બને છે. પરિણામે ખૂબ ભૂખ લાગે છે. જે લોકોની શારીરિક શક્તિ ઘસાઈ ગઈ હોય, પાંડુરોગ જેવી સ્થિતિ થઈ ગઈ હોય, થાક લાગતો હોય, તેવા લોકોએ રોજ બેથી ચાર અંજીર ખાવાં હિતાવહ છે.
અંજીરને ખૂબ ચાવીને ખાવાં જોઈએ, જેથી પચવામાં સરળ પડે. સૂકાં અંજીર ખાતાં પહેલાં એક-બે કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે તો તે ચાવવામાં સુગમ બને છે. ક્ષયરોગ, શ્વાસના રોગ અને શરદી-ખાંસીમાં તો તે પથ્ય ખોરાક ગણાય છે. અંજીર રક્તવૃદ્ધિ કરનારાં પણ છે. અંજીરનાં મૂળ અને ડાળીઓની છાલનો ઉપયોગ કુષ્ઠહર ધૂત બનાવવામાં થાય છે.
ઔષધિ તરીકે અંજીરનાં સૂકાં ફળ વપરાય છે. ખાવા માટે બે થી ચાર અંજીર યોગ્ય પ્રમાણ છે. પાકું અંજીર લઈ, છોલી, સામસામા બે કાપ મૂકી, તે કાપમાં સાકર ભરી રાત્રે ઝાકળમાં મૂકી રાખી, એ રીતે પંદર દિવસ સુધી રોજ સવારે ખાવાથી શરીરમાંથી ગરમી નીકળી જઈ રક્તવૃદ્ધિ થાય છે.
અંજીર ઠંડાં, સ્વાદુ-મધુર, ગુરુ તેમજ પિત્તવિકાર, લોહીવિકાર અને વાયુનો નાશ કરનારાં છે. નાનાં અંજીર આનાથી જુદા ગુણવાળાં છે. અર્થાત્ પિત્તકારક છે. અંજીર રસમાં મધુર, વિપાકમાં મધુર, શીતવીર્ય અને સારક છે. એ પિત્તપ્રકોપ, રક્તવિકાર, દાહ, કફ અને વાતનો નાશ કરનાર છે. અંજીર પૌષ્ટિક, કફશામક અને ગુરુ છે. સૂકી ખાંસીમાં એ હિતાવહ છે. રાત્રે મર્યાદા પ્રમાણે તે ખાવાથી ઉદરશુદ્ધિ થાય છે. અંજીરને દૂધમાં ઉકાળીને ઉકાળેલું અંજીર ખાઈ તે દૂધ પીવાથી શક્તિ આવે છે તથા લોહી વધે છે.
સૂકા અંજીરના કટકા તેમજ બદામ ગરમ પાણીમાં પલાળી રાખી ઉપરથી ફોતરાં કાઢી સૂકવીને, ખડી સાકરની ભૂકી, એલચી દાણાની ભૂકી, કેસર, ચારોળી, પિસ્તાં અને બળદાણા લઈ, ખાંડી, તે બધું ગાયના ઘીમાં આઠ દિવસ પલાળી રાખવું. પછી રોજ સવારે બે તોલા જેટલું એ મિશ્રણ ખાવાથી ક્ષીણ શક્તિવાળાંની ધાતુવૃદ્ધિ અને રક્તવૃદ્ધિ થાય છે. ધાતુવૃદ્ધિ તથા રક્તવૃદ્ધિ માટે અંજીર ઉત્તમ ઔષધ છે.
એક સૂકું અંજીર અને પાંચ-દસ બદામને દૂધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ મેળવી રોજ સવારે પીવાથી લોહીશુદ્ધિ થાય છે. ગરમી શાંત થાય છે, ઉદરશુદ્ધિ થાય છે (કબજિયાત મટે છે) અને શરીર બળવાન થાય છે. અંજીરની પોટલી બનાવી ગૂમડા પર બાંધવામાં આવે છે. તેના ફળની પોટલી ગૂમડાં પર બાંધવાથી ગૂમડાંને પકવે છે.
રોજ થોડા-થોડાં અંજીર ખાવાથી જૂની કબજિયાતમાં ઝાડો સાફ અને નિયમિત આવે છે. બેથી ચાર સૂકાં અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે, શરીરમાં નવી શક્તિ આવે છે અને દમ મટે છે. અંજીર અને ગોરસ આમલી અર્ધી-અર્ધો તોલો એકત્ર કરી રોજ સવારે લેવાથી હૃદયરોગ અને શ્વાસરોગનો ત્રાસ દૂર થાય છે. સૂકાં અંજીરને પાણીમાં ઉકાળીને તેનો લેપ કરવાથી ગળાની અંદર સોજો આવ્યો હોય તો તે મટે છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે સૂકાં અંજીરમાં લોહ અને વિટામિન ‘એ’ છે. ઉતેમાં ચૂનો, સોડિયમ, પોટેશિયમ, મૅગ્નેશિયમ, ગંધક, ફલોરિન, સિલિકોન, ગુંદર, ફૉસ્ફરિક ઍસિડ, લવણ અને આબ્યુમિન છે. નાનાં બાળકોના મળાવરોધમાં અને મધુમેહમાં સૂકાં અંજીર અપાય છે. શ્વાસરોગીને રોજ સવારે સૂકાં અંજીર ખવડાવાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.