સ્વાદમાં ખાટું હોવા છતાં લીંબુ બહુ ગુણકારી અને ઉપયોગી છે. લીંબુનો રસ રુચિકર અને પાચક હોવાથી દાળ, શાક કે ભાત પર નીચોવાય છે. એના રસથી ભોજન સ્વાદિષ્ટ બને છે. લીંબુના આવા ગુણોને લીધે ફળોમાં તેનું મહત્વ અનેરું છે. લીંબુ સારી પેદાશ આપતા હોવાથી ભારતમાં તેનું બધી જગ્યાએ વાવેતર કરવામાં આવે છે.
ત્રિદોષ, અગ્નિ, ક્ષય, વાયુ સંબંધી રોગો, ઝેર, મંદાગ્નિ, ઝાડાની કબજીયાત અને કોલેરામાં લીંબુ ખાસ ઉપયોગી છે. લીંબુમાં કૃમિનો નાશ કરવાનો અને સડો દૂર કરવાનો ઉત્તમ ગુણ છે. એ ચેપી રોગો માટે હિતકારી છે. લીંબુ લોહીવિકાર અને ચામડીના વિકારોમાં પણ ફાયદાકારક છે.
લીંબુનો રસ એક ભાગ અને ખાંડની ચાસણી છ ભાગ લઈ, તેમાં લવિંગ ને મરીનું થોડું ચૂર્ણ નાખી, શરબત કરીને પીવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, રુચિ ઉત્પન્ન કરે છે. અને ખોરાકનું પાચન કરે છે. લીંબુની ખટાશ મા ઠંડક પેદા કરવાનો વિશિષ્ટ ગુણ છે, જે ગરમીથી બચાવે છે.
તાવની અવસ્થામાં જ્યારે ગરમીને લીધે મોં માંથી લાળ પેદા કરનારી ગ્રંથિ લાળ પેદા કરવાનું કામ બંધ કરે છે અને મોં સુકાય છે, ત્યારે લીંબુનો રસ પીવાથી એ ગ્રંથિ સક્રિય બને છે. ગરમીની ઋતુમાં થનાર બીજાં દર્દો સામે પણ લીંબુ રક્ષણ આપે છે.
વર્ષાઋતુમાં અજીર્ણ, મંદાગ્નિ, ઊલટી, અરુચિ, તાવ, પાતળા ઝાડા અને કૉલેરા જેવા રોગ નો ઉપદ્રવ થાય છે. એવા ઋતુજન્ય રોગો માં લીંબુ રામબાણ છે. પિત્તપ્રકોપ થી થનાર રોગોમાં લીંબુ સર્વશ્રેષ્ઠ છે. એ મલેરિયાની રામબાણ ઔષધી છે. બીજા તાવમાં પણ તેનો ઉપયોગ અત્યંત લાભદાયક છે. જળયાત્રા અને લાંબી યાત્રા ને લીધે થનાર રોગોમાં પણ લીંબુ ફાયદાકારક છે.
શરીરની તંદુરસ્તી નો આધાર લોહીની શુદ્ધતા પર હોવાથી લીંબુ તંદુરસ્તીના રક્ષણમાં મદદરૂપ થાય છે. તે પાચક રસો ઉત્તેજે છે, મંદાગ્નિ વાળાની ભૂખ જગાડે છે અને પાચનમાં મદદ કરે છે. ગરમીની ઋતુમાં લીંબુના રસનું શરબત બનાવી પિવાય છે. લીંબુનો રસ ખાટો હોવા છતાં પણ એ લોહીની ખટાશ દૂર કરવાનો વિશિષ્ટ ગુણ ધરાવે છે. તેનો રસ રકતપિત્તના રોગમાં ઘણો જ ફાયદાકારક છે.
લીંબુનો રસ દીપન, પાચન, હુઘ, ઉત્તમ રકત પિત્ત શામક, રકત પૌષ્ટિક, ક્વેરહર અને મૂત્રજનન છે. લીંબુની છાલ દીપન હોવાથી કોઠાની અંદરના વાયુનું શમન કરનાર છે. આફરો, અપચો, દુર્ગંધયુકત ઓડકાર, ઉદરશૂળ, ઊલટી વગેરેમાં ખાંડ સાથે મેળવીને તે અપાય છે.
પાકાં વીસ લીંબુ લઈ તેનો કઢાઈમાં રસ કાઢવો. પછી ઉકાળી તેમાં ચાલીસ તોલા સાકર નાખી મધ જેવું ગાઢું કરવું. ત્યાર પછી તેમાં એક તોલો એલચીના દાણા નું ચૂર્ણ નાખી શીશીમાં ભરી રાખવું અને મજબુત બુચ મારવો. અઠવાડિયે–અઠવાડિયે તેને ગાળતા રહેવું. આ સરકો પિત્તપ્રકોપ દૂર કરે છે, ઉધરસ મટાડે છે અને રુચિ ઉત્પન્ન કરે છે.
લીંબુનો રસ એંસી તોલા, આદુનો રસ ચાલીસ તોલા, સિંધવ બે તોલા, સંચળ બે તોલા, હિંગ અર્ધો તોલો અને સાકર એંસી તોલા લઈ, કલાઈ વાળી કઢાઈમાં ઉકાળી, ત્રણ ઊભરા આવે ત્યારે નીચે ઉતારી, ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી લઈ, ઠંડું થાય એટલે શીશીમાં ભરી લેવું. આ શરબત અડધા તોલાથી બે તોલા સુધી એક રતી કપૂર અને ત્રણ-ચાર તોલા પાણી મેળવીને પીવાથી અપચો, અતિસાર, વિપૂચિકા-કૉલેરા, મરડો, અરુચિ, મંદાગ્નિ, મળાવરોધ–કબજ્યિાત, ઉદરશૂળ,ઉદરકૃમિ વગેરે મટાડે છે, આ શરબત ના સેવનથી ભૂખ સારી લાગે છે.
લીંબુનો રસ અઢી તોલા, ખાંડ સવા તોલો અને પાણી વીસ તોલા મેળવી સવાર-સાંજ પીવાથી પંદર-વીસ દિવસમાં રકતપિત્ત મટે છે. રક્તપિત્તમાં લીંબુનો રસ સર્વોત્કૃષ્ટ ગણાય છે. દાંતના પેઢાં ઢીલા થઈ તેમાંથી લોહી નીકળે છે ત્યારે લીંબુનો રસ અને પાણી સરખે ભાગે મેળવી તેના કોગળા કરવાથી સારો ફાયદો થાય છે. એક પાકા લીંબુને ગરમ કરી, તેનો રસ કાઢી, તેમાં સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી પિત્તજન્ય ઊલટી, અતિસાર અને મરડો મટે છે.
લીંબુનો રસ રોગોત્પાદક જંતુ માત્ર નો નાશ કરનાર છે તેથી દરેક સ્ત્રી, પુરુષ અને બાળકે તેનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરનાર પર ચેપી રોગનો હુમલો થતો નથી. લીંબુનો ઉપયોગ ભૂખ્યા પેટે કરવાથી વધુ લાભદાયક છે. લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને આપવાથી અતિસાર મટે છે. લીંબુ અને ડુંગળીનો રસ મેળવીને પિવડાવવાથી કોલેરામાં ઉત્તમ ફાયદો થાય છે.