આયુર્વેદિય ઔષધ મામંજ્જકને આપણે ‘મામેજવો’ કહીએ છીએ. ચોમાસામાં પુષ્કળ થાય છે. આના છોડ ચારથી છ ઈંચ ઊંચા, દાંડી ચોરસ, પાન ડીંટડી વગરના હોય છે. તેના ફૂલ સફેદ થાય છે. આખો છોડ પાન થી ભરેલો અત્યંત કડવો હોય છે. અત્યંત કડવો હોવાથી તેનો તાવમાં તથા કરિયાતાની જગ્યાએ પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં મધુપ્રમેહ-ડાયબિટીસના ઔષધ તરીકે આ મામેજવો ખૂબ જ પ્રસિદ્ધ છે.
આયુર્વેદ પ્રમાણે આ મામેજવો સ્વાદમાં કડવો, પચવામાં હળવો, શીતળ, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, કફ અને પિત્તનાશક, રક્તશુદ્ધિકર, યકૃતને ઉત્તેજિત કરનાર, મળને સરકાવનાર, મધુપ્રમેહને કાબૂમાં રાખનાર, ફલ્યુ, મેલેરીયા અને જીર્ણ જવર ને મટાડનાર તેમજ ત્વચાના રોગો, ઝાડા, ઉદર વાયુ, મેદ, ખાંસી, પેટનાં કૃમિ, સોજા, વિષ વગેરેનો પણ નાશ કરનાર છે. હવે અમે તમને જણાવીશું આ મામેજવા થી આરોગ્યને થાતા અનેક લાભો વિશે.
મામેજવો એ ડાયાબિટીસ રોગીઓ માટે અમૃત સમાન ઔષધ છે. તે મૂત્રમાં વધારે પ્રમાણમાં આવતી શર્કરા-ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી ને સામાન્ય-નોર્મલ કરી દે છે. મામેજવો, હળદર, આમળા, કાંચકા અને મેથી આ દરેક ઔષધ સરખા વજને લાવી ચૂર્ણ કરી લેવું.
મધુપ્રમેહને કાબૂમાં રાખવા માટે અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ બપોરે અને રાત્રે જમ્યા પછી લેવું અથવા સવારે અને સાંજે જમ્યા પછી બે-બે ચમચી મામેજવા ના પંચાંગમાં થોડું શુદ્ધ શિલાજીત મેળવીને પીવાથી પણ મૂત્રમાં વધેલી શર્કરાનું પ્રમાણ ઘટવા લાગે છે.
પેટમાં કરમિયાના રોગમાં મામેજવા ના પાન, વાવડિંગ અને હરડેનું ચૂર્ણ બનાવી તેમાં ગોળ નાખી વટાણા જેવડી ગોળીઓ બનાવવી, ૨-૨ ગોળી રોજ બે વાર લેવી. મામેજવા નો છોડ ભૂખ લગાડનાર, મળ સાફ લાવનાર, રક્ત શુદ્ધિ કરનાર, આમ ને પચાવનાર, યકૃતને ઉત્તેજિત કરનાર, રક્ત પિત્ત, કફ અને પિત્ત નો નાશ કરનાર છે. મામેજવો મેલેરિયાને મટાડનાર ઉત્તમ ઔષધ છે.
મેલેરિયા તાવમાં બીજા ઔષધો સાથે બે ચમચી મામેજવા ના પાનનો રસ અને બે ચમચી ગળોના રસમાં થોડું કાળા મરીનું ચૂર્ણ મેળવીને સવાર-સાંજ લેવું. આનાથી તાવમાં ઝડપથી ફાયદો થશે. દાળ-શાકમાં મામેજવાના પાન વાપરવા કે તેના મૂળનું અથાણું બનાવી ખાવાથી તાવની અરુચિ દુર થાય છે. મામેજવો, સિંધવ, કાળા મરી અને શેકેલું જીરાનું ચૂર્ણ બનાવી દહીંના મઠ્ઠા કે છાશમાં મેળવી રોજ ૨-૩ વાર લેવા થી પેટ ભારે લાગવાની સમસ્યા દૂર થાય છે અને કફ વાત અને પિત્ત માં રાહત થાય છે.
મામેજવા પંચાંગના ઉકાળામાં થોડી સાકર કે મધ નાખી સવાર-સાંજ પીવું, કપાળે મામેજવા ના તાજા પાન વાટીને લેપ કરવો. તેનાથી માથાનો દુખાવો ઓછો થાય છે. માસિક સાફ લાવવા સ્ત્રીઓએ મામેજવાના પાન ૧૦૦ ગ્રામ, જીરું ૨૫ ગ્રામ અને મરી ૫ ગ્રામનું ચૂર્ણ કરી સવાર સાંજ પીવું.
મામેજવો કડવું ઔષધ હોવાથી બાળકોને થતા પેટના કૃમિ-કરમિયા માં તે ઉત્તમ પરિણામ આપે છે. અડધા કપ જેટલા મામેજવા ના રસમાં પા ચમચી વાવડિંગનું ચૂર્ણ મેળવી રાત્રે સૂતી વખતે નાના બાળકને પીવડાવવું. બે-ત્રણ દિવસ આ પ્રમાણે ઉપચાર કરવાથી પેટના બધા જ કૃમિ દૂર થાય છે.