મેથીના દાણાના આપણા જીવનમાં ઘણા ઉપયોગ થાય છે. આ લેખમાં મેથીના દાણાના ઉપયોગ, ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરવામાં આવી છે. મેથીના પાન અને બીજનો ઉપયોગ સદીઓથી દવાઓ તરીકે વાપરવામાં આવે છે. ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ભોજનમાં થાય છે. મેથી સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર અને બળતરા વગેરે જેવા રોગોમાં દવાના રૂપમાં તેનો ઉપયોગ થાય છે.
મેથીના દાણાનો ઉપયોગ કરવાની રીત:
એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે એક ગ્લાસ પાણી સાથે તેનું સેવન કરો. જે પાણીમાં મેથીના દાણા પલાળવામાં આવ્યા હતા, તેનું પણ તમે સવારે ખાલી પેટે સેવન કરી શકો છો.
મેથીના દાણાની હર્બલ ચાનું સેવન પણ કરી શકાય છે. પાણીમાં મેથીના દાણા નાખીને ઉકાળો. તમે સ્વાદ માટે તેમાં લીંબુ અને મધ ચૂલ પરથી ઉતાર્યા બાદ ઉમેરી શકો છો. તેને સવાર-સાંજ પી શકાય છે.
મેથીના દાણાને મધ્યમ આંચ પર એક-બે મિનિટ સુધી શેકી લો અને પછી તેને શાક કે સલાડની ઉપર ભભરાવી દ્યો. તમે તેનો ઉપયોગ બપોરના ભોજન અથવા રાત્રિભોજન માટે કરી શકો છો.
મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને કપડામાં બાંધી લો. થોડા સમય બાદ આા દાણા અંકુરિત થઈ જશે. ત્યારબાદ પણ તમે તેનું સેવન કરી શકાય છે. મેથીના પરાઠા અને રોટલી બનાવીને તેનું સેવન કરી શકાય છે. સવારે નાસ્તામાં તેના પરાઠા લઈ શકાય છે.
મેથીના દાણાના ફાયદા:
મેથીમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે. જે સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે અને વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
મેથીના દાણાનું સેવન લોહીમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મેથીના દાણામાં હાજર હાયપોગ્લાયસેમિક અસરને કારણે હોઈ શકે છે. તે લોહીમાં શર્કરાની માત્રા ઘટાડવા માટે જાણીતું છે.
મેથીમાં અનેક પ્રકારના પોલિફેનોલ્સ હોય છે, જે વજન ઘટાડવામાં કારગર છે. આ સાથે મેથી પણ શરીરમાં ચરબી જમા ન થાય તે માટે સારી રીતે કામ કરે છે.
કેન્સર એક જીવલેણ રોગ છે, તેથી આ સમસ્યાથી બચવું વધુ સારું છે. આ માટે મેથીના દાણાના ફાયદા જોઈ શકાય છે. મેથીમાં કેન્સર વિરોધી તત્વો જોવા મળે છે, જે કેન્સરની સમસ્યાને દૂર રાખવાનું કામ કરી શકે છે.
મેથીના દાણાથી થતું નુકશાન:
મેથીના દાણા પાચનતંત્ર માટે સારા હોય છે, પરંતુ ઘણી વખત તે ડાયેરિયાનું કારણ પણ બની જાય છે. વધારે મેથી ખાવાથી પેટમાં ગરબડ અને ઝાડા થઈ શકે છે. જો સ્તનપાન કરાવતી મહિલાઓનું પેટ ખાવાથી ખરાબ થયું હોય તો તેનાથી બાળકને ડાયેરિયા પણ થઇ શકે છે. માટે આવા કોઈ લક્ષણ દેખાય કે તરત જ તેનું સેવન બંધ કરી દો.
મેથીમાં કુમરીન નામનું તત્વ હોય છે જે તમારા લોહીને પાતળું બનાવે છે. તેથી મેથી વધારે ખાવાથી પહેલાથી જ લોહી પાતળું ખાનારા લોકોના શરીરમાંથી લોહી વહી જવાનો ખતરો રહે છે.
જે સગર્ભા સ્ત્રીઓની ડિલિવરી નજીક હોય તેમને મેથીનું પાણી આપવામાં આવે છે, જેથી તેમના ગર્ભાશયમાં સંકોચન અને ડિલિવરી શરૂ થઈ શકે. તેથી, સગર્ભા માતાઓએ મેથી ખાતી વખતે સાવચેત રહેવું જોઈએ કારણ કે તેનાથી પ્રીટર્મ પ્રસવ અથવા ગર્ભપાત થઈ શકે છે. આવા કિસ્સા માં ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
કેટલાક લોકોને મેથીના દાણા ખાવાથી એલર્જી થઈ શકે છે. આ એલર્જી ચહેરા પર સોજા તરીકે દેખાઈ શકે છે. આ સાથે જ કેટલાકના શરીર પર રેશિઝ થઈ શકે છે, શ્વાસની તકલીફ અને કેટલાક બેભાન થઈ શકે છે.