નેપાળાનાં વૃક્ષ આપણે ત્યાં કોંકણ પ્રદેશ માં વધુ થાય છે. એનાં વૃક્ષ મોટાં હોય છે. એનાં પાન એરંડનાં પાન થી નાનાં હોય છે. નેપાળાનાં ફૂલ પીળા અને ધોળાશ પડતાં હોય છે. નેપાળાનાં બીજ સફેદ અને જાડા હોય છે.
નેપાળાનાં બીજ પીળાશ રંગનાં અને દુર્ગંધ વગરનાં હોય છે. નેપાળો ગુણમાં રેચક, શોધક, અગ્નિદીપક, ઊલટીકારક, અતિ ઉષ્ણ તથા પિત્તકર અને ભેદક છે. તો ચાલો હવે આપણે જાણીએ નેપાળના ફાયદાઓ વિશે.
સામાન્ય રીતે નેપાળાનો ઉપયોગ જુલાબ લેવા માટે છે. જળોદર, કમળો, મૂત્રપિંડ તથા મૂત્રાશયની પથરી, કમર, પીંડીનો દુખાવો વગેરે મટાડવા માટે પણ ઉપયોગી છે. નેપાળાનો એકલો ઉપયોગ કરવાથી કંઠમાં બળતરા ઉત્પન્ન થઈ ઊલટી, ઊબકા થાય છે આથી કાળીદ્રાક્ષ સાથે એનો ઉપયોગ વધારે સારો થાય છે.
બેભાન વખતે દરદીની શક્તિ અને વ્યાધિના પ્રમાણમાં તેના માત્ર એકાદ-બે ટીપાં જીભ પર પડતા સારી અસર થઈ શકે છે. મગજના રોગમાં કાન પાછળ નેપાળો મૂકવાથી લાભ થાય છે.
માથુ દુઃખતું હોય તો નેપાળાના બે-ત્રણ બીજ લીમડાના રસમાં ઘસી માથાના દુઃખતા ભાગની બાજુએ સહેજ લગાવવાથી ઘણી રાહત થાય છે. છાતી ઉપર ના દુખાવા તરીકે પણ નેપાળાનું તેલ વપરાય છે.
સંધિવા, નજલો અને માથાની ઉંદરી મટાડવા માટે પણ નેપાળો વપરાય છે. તેનો લેપ યોગ્ય દવાઓ સાથે શરદીના તમામ જાતના સોજા માટે વપરાય છે. માથાના વાળ કાળા કરવા માટે પણ વપરાય છે. ગંડમાળા પર નેપાળાનાં પાંદડા વાટી તેનો લેપ કરવાથી ઘણો ફાયદો થાય છે.
હવે આપણે નેપાળાના પ્રયોગો વિશે જાણીએ. શુદ્ધ નેપાળો ૨૦ ગ્રામ, સંચળ, બહેડા છાલ અને લીંડીપીપર દરેક દસ ગ્રામ એ બધાની રીતસર ગોળી બનાવી છાંયડે સૂકવી રાખવી. આ ગોળીના ઉપયોગથી કબજિયાત, તાવ, દુખાવો તથા આફરો મટે છે. આ ગોળી સાકર સાથે લઈ શકાય છે.
નેપાળાનાં બીજ દસ ગ્રામ અને હરડે ૫૦ ગ્રામ લઈ તેને વાટી એકત્ર કરી મેંદીના રસમાં ખૂબ મિક્સ કરી નાની નાની ગોળી બનાવી સૂકવી લેવી. આ ગોળી કબજિયાત માટે વપરાય છે. નેપાળાનાં બીજ ૧૦ ગ્રામ, ખારો, શુદ્ધ ગંધક, ટંકણખાર, સૂંઠ અને મરી દરેક દસ ગ્રામ લઈ તેને બારીક ખાંડી એકત્ર કરી લીંબુના રસમાં મિક્સ કરી નાની નાની ગોળી બનાવવી. આ ગોળીના ઉપયોગથી ખુલાસાથી ઝાડો આવે છે. એ તાવ પણ મટાડે છે.
નેપાળાનાં બીજ, ૮૦ ગ્રામ હરડે, ગરમાળાનો ગર, આમળાં, દાંત મૂળ, કડુ, નસોતર, ઝેર કચૂરો, દેવદાર, સિંધવ અને સાજીખાર એ દરેક ૪૦ ગ્રામ જેટલું લેવું સાથે ગંધક ૨૦ ગ્રામ, શુદ્ધ ખારો અને હરતાલ દરેક દસ ગ્રામ. સૂંઠ, મરી અને પીપર દસ ગ્રામ લઈ તમામને બારીક ખાંડી ગોળી બનાવી. આ ગોળી જળોદર, પેટનાં વાયુ, પેટનો દુખાવો તથા સખત કબજિયાત માં વપરાય છે.
નેપાળાનાં બીજ, મૂળેઠી, અશ્વગંધા, અરડૂસી, ત્રિફળા લો. આ સાથે બહેડા, હરિતાકી, શીલાજિત, એલચી લો. આ બધાનો પાવડર બનાવીને તેમાં મધ ઉમેરીને 125 મિલીગ્રામની ગોળી બનાવો. 1-1 ગોળી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદાકારક છે.
નેપાળાનાં મૂળનો 10-20 મિલીલીટર ઉકાળો લેવાથી પેશાબ સંબંધિત તમામ પ્રકારની સમસ્યામાં ફાયદો થાય છે. નેપાળાનાં બીજ મોટા ખાંડીને આખી રાત પાણીમા પલાળી દો. આ પાણી 10-20 મિલીલીટર પીવાથી પેશાબની સમસ્યામાં રાહત મળે છે.