૮૦ પ્રકારના વાત રોગમાંનું પક્ષીધાત આ પણ એક રોગ છે. આ રોગ અર્ધાંગવાત, પંખીયાત, પક્ષીધાત , પક્ષ વધ વગેરે નામોથી ઓળખાય છે. આ રોગનો આંચકો જ્યારે શરીર પર આવે છે ત્યારે શરીર પોતાનું સ્મરણ હંમેશ માટે મૂકી દે છે. આ રોગ ઘણું ખરાબ અને મનુષ્ય દેહને નિષ્ક્રિય બનાવે તેવું પ્રત્યાઘાતી છે.
આ રોગનો હુમલો સ્ત્રીઓ કરતાં પુરુષો પર વિશેષ પ્રમાણમાં હોય છે. ચાલીસ વર્ષથી નીચેની વયના માણસોમાં આ રોગ ઓછો જોવામાં આવે છે, ૪૦ થી ૫૦ ના ગાળામાં મધ્યમ હોય છે. અને ૫૦ થી ઉપરની ઉમરવાળામાં આ રોગ વધારે દેખાય છે. આઘાત ના કારણે ઘણાં બાળકોને પણ આ રોગ થાય છે.
માણસના મસ્તકમાં દરેક અંગને સંચાલિત કરવાનું કેન્દ્ર છે, એના દ્વારા પ્રત્યેક સ્નાયુને પોષણ, બળ અને ચેતન મળે છે. કોઈપણ કારણે આ શક્તિ પોતાનું કાર્ય કરતી બંધ થઈ જાય એટલે પક્ષીધાત નો આંચકો આવ્યો તેમ કહેવાય છે. પક્ષીધાત નો આંચકો મુખ્યત્વે પ્રબળ વાત, પ્રકોપ, આઘાત, દબાણ, ચોટ વગેરે કારણે થાય છે.
પક્ષીધાત માં શરીરનો કોઈપણ એક ભાગ ખોટો પડી જાય છે..આ આંચકો અચાનક થઈ આવે છે. ઉગ્ર અને ધીરી એમ બે ગતિ હોય છે. અંગ ઉપર સોંય ઘોચે અથવા બરફ મૂકે તો પણ દર્દીને ખબર પડતી નથી, છતાં પણ રક્તાભિસરણ બંધ નથી હોતું. તાવનો વેગ આવી જાય છે. જે ભાગમાં વ્યાધિ થાય તે ભાગ લાકડાં જેવો થઈ જાય છે. નિર્બળતા, ચિંતા, હળવી વ્યથા વગેરે લક્ષણો પણ દેખાય છે.
અડદ, કવચનાં મૂળ, બળદાણોના મૂળ, એરંડમૂળની છાલ અને રગતરોહીડો સરખે ભાગે લઈ જાડો ભૂકો કરવો. ઉકાળાના નિયમ પ્રમાણે ઉકાળી એમાં બે વાલ હિંગ અને પા તોલો સિંધવ નાખી પછી ગાળીને બે વખત પીવું. ગોખરૂ, ગળો, સૂંઠ, સાટોડી અને એરંડમૂળનો ઉકાળો મધ સાથે નાખી પીવો.
લસણની કળી ૫ તોલા, ગૂગળ ૧૦ તોલા, લવિંગ ૫ તોલા, લીંડીપીપર ૨ તોલા, મરી ૧ તોલો, એરંડીનાં બીજ ૩ તોલા બધાને ખાંડી ચણીબોર જેવી ગોળીઓ વાળવી. દિવસમાં ત્રણવાર એક એક ગોળી પાણી સાથે લેવી. લકવા થવા ઉપર દર્દીને તરત એક ચમચી મધમાં ૨ લસણ ની કળી ઉમેરીને ખવરાવો.
અડદ, શુદ્ધ કરેલાં કૌચાબીજ, એરંડાનાં મૂળ અને બલા પંચાંગનો ઉકાળો, જો હિંગ અને સિંધાલૂણ નાખીને સવારે અને રાત્રે એમ બે વાર આપવામાં આવે તો પક્ષીધાત દૂર થાય છે. રાત્રે એકથી બે ચમચી એરંડિયું એક ગ્લાસ જેટલા હૂંફાળા નવશેકા ગરમ દૂધમાં નાખી પીવા આપવું જોઈએ.
એક ગઠિયો ફોલેલું લસણ ૮૦ તોલા લેવું અને ચટણી માફક ખૂબ સરસ પીસી લેવું. ત્યાર પછી ૨૦ તોલા ધીમા તાપે શેકવું. બદામી રંગ થઈ જાય એટલે નીચે ઉતારી લઈ જુદું રાખવું પછી ચોખ્ખું મધુ ૧૬૦ તોલા લઈ કડાઈમાં નાખી પકાવવું, જ્યારે ચાસણી જેવું થઈ જાય ત્યારે શેકેલ લસણનો માવો તેમ નાખવો.
હરડે હમેજ, આંબળાં, લવિંગ, જાવંત્રી બબ્બે તોલા જાયફળ, રતનજોત, અકલકરો, મોટી એલચી, નાની એલચી, નાગકેસર, પીપર, પત્રક, તજ, દરેક દોઢ તોલો અને કેસર એક તોલો. બધી વસ્તુઓ બરાબર મેળવ્યા પછી ચિનાઈ માટીના વાસણમાં આ બધુ ભરો અને વાસણ બરાબર બંધુ કરી ત્રણ દિવસ સુધી અનાજના ઢગલામાં મૂકી રાખવું, પછી આમાંથી સવાર-સાંજ એક એક તોલો ચાટણ દરદીને ચટાડવું, આનાથી પક્ષીધાત ના દર્દી ને ઘણો ફાયદો થશે.
પક્ષીધાત ના દર્દી માટે ઘઉં, બાજરો, મગ, મસૂર પાકી કેરી, પપૈયું, અડવી, તેલ, દૂધ, રીંગણા, ચણા, ધોળું કોળું, પરવળ, સુવાની ભાજી ગોળ વગેરે પદાર્થો લાભદાયક છે. લસણ, આદુ, લીલી હળદર વગેરે પણ છૂટથી લઈ શકાય. શુષ્ક, ખારા, ખાટા, વાસી ,ઠંડા, ન પચે એવા પદાર્થ નુકસાનકારક છે. એવા ખોરાક લેવા જે મગજશક્તિ ને પોષણ પૂરું પાડે છે. ખોરાકમાં એ તત્ત્વોનો ખાસ ખ્યાલ રાખવો. સાદો અને પૌષ્ટિક ખોરાક લેવો.