પીળા અને ગંદા દાંતના કારણે ઘણી વખત લોકો ખુલ્લેઆમ હસી પણ નથી શકતા. ગંદા અને પીળા દાંત ચહેરાની સુંદરતા બગાડે છે. શું તમારા દાંત પણ પીળા થઈ રહ્યા છે? જેથી આજે અમે તમને કેટલાક એવા ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છીએ જેનાથી તમારા દાંત સફેદ મોતીની જેમ ચમકશે.
દાંત સાફ કરવા માટે ડોકટરો સવારે અને રાત્રે બ્રશ કરવાની ભલામણ કરે છે. આ દાંતને મજબૂત અને ચળકતા રાખે છે. જો કે બે વાર બ્રશ કર્યા બાદ પણ કેટલાક લોકોના દાંત પીળા જ રહે છે. આવી સ્થિતિમાં, દાંતની પીળાશને દૂર કરવા માટે આ અસરકારક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો.
એવી ઘણી ખાદ્ય ચીજો છે જે દાંતને દૂષિત કરે છે અને દાંતને પીળા બનાવે છે. આ સિવાય જો દાંત પર પ્લાકનું પડ જામી જાય તો દાંત પણ પીળા દેખાવા લાગે છે. વધુ ચા કે કોફીનું સેવન કરવું અથવા જે લોકો દાંતને યોગ્ય રીતે સાફ નથી કરતા તેમને પણ દાંત સંબંધિત સમસ્યાઓ વધારે હોય છે.
દાંતની પીળાશને દૂર કરવાના ઉપાય:
દાંત ખૂબ જ પીળા હોય તો દાંતની પીળાશ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે ૧૦ દિવસ સુધી બેકિંગ સોડાનો ઉપયોગ કરવો પડશે. આ માટે બ્રશ પર થોડો બેકિંગ સોડા લઇ દાંત પાર ઘસવું જેથી થોડા જ દિવસોમાં મોતી જેવા દાંત ચમકવા લાગશે.
દાંત પર સરસવનું તેલ અને મીઠું મિક્સ કરી ઘસવાથી દાંત અને પાયરિયા તેમજ પીળા પડવાની સમસ્યા દૂર થાય છે. મીઠામાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો અને આયર્ન, આયોડિન, ફોસ્ફરસ, પોટેશિયમ, ક્રોમિયમ, લિથિયમ, સોડિયમ, ક્લોરાઇડ જેવા તત્વો હોય છે. તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થઇ શકે છે. લીમડાનું દાતણ દાંત માટેનો રામબાણ ઈલાજ છે. આ દાંતને સાફ કરે છે અને દાંતને સફેદ બનાવે છે. દાંત પર જમા થયેલી પીળાશને દૂર કરવા માટે લીમડાનું દાતણ બેસ્ટ ઈલાજ છે.
મોતી જેવા સફેદ અને ચમકતા દાંત મેળવવા સરસવના તેલ સાથે મીઠાને બદલે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે અડધી ચમચી હળદરના પાવડરમાં 1 ચમચી સરસવનું તેલ મિક્સ કરી આ પેસ્ટને દાંત પર આંગળીઓની મદદથી હળવેથી ઘસો. આ મિશ્રણનો નિયમિત ઉપયોગ કરો અને થોડા દિવસોમાં દાંતની પીળાશ સંપૂર્ણપણે દૂર થઈ જશે.