રગતરોહીડાનાં ઝાડ મોટાં હોય છે. એમાં સીધી જાડી શાખાઓ હોય છે. શિયાળામાં એનાં કેસરિયા રંગનાં ફૂલો ખૂબ જ ખીલી ઊઠે છે. ખૂબ જ શોભાયમાન લાગે છે. કચ્છ, સિંધ કે રાજસ્થાન બાજુ મોટા પ્રમાણમાં થાય છે. એકંદરે એનાં સારાં અને પુષ્ટ ઝાડ રાજસ્થાનમાં જોવા મળે છે. દવા માટે એની છાલ વધુ વપરાય છે.
દવામાં એની તાજી અને પુષ્ટ છાલ વાપરવાથી વધુ ગુણકારી નીવડે છે. બરડાના ડુંગરમાં એનાં ઘણાં ઝાડ જોવા મળે છે. એનાં છોડ પર ગોળ રાતા રંગનાં ફળ આવે છે. તેની છાલ ઘણી કઠણ હોય છે. તે ભૂખરા રાતા રંગની થાય છે. તે બરડ તથા રેસાવાળી હોય છે. તે સ્વાદે તૂરી હોય છે.
રગતરોહીડો ગુણમાં રસાયન, ગ્રાહી તથા બલ્ય છે. એનામાં ભાંગેલા હાડકાંને જોડવાનો ગુણ રહેલો છે. તે તૂરો તથા શીતળ છે. એનામાં કૃમિ, વ્રણ તથા નેત્રવિકાર મટાડવાનો ગુણ રહેલો છે. પિત્ત તથા લોહીના વિકાર પણ મટે છે. કમળો, બરલ, અને હરસ તથા ઉદરરોગમાં એનો કવાથ પાવાથી ઘણી રાહત થાય છે.
રગતરોહીડા ની છાલનો કવાથ રંગે લાલ છે પણ તેને પીવાથી પેટનાં દર્દો મટે છે. તે રક્તશોધક તથા રક્તવર્ધક છે. કફ, પિત્ત પ્રમેહમાં તેનો કવાથ પીવાનું સૂચવાયું છે. ચામડીનાં દર્દોમા એનો કવાથ પીવાથી કે સ્નાન કરવાથી ઘણો લાભ થાય છે. તે રક્તશોધક ઉપરાંત જંતુઘ્ન પણ છે. શ્વેતપ્રદરમાં એની મૂળની છાલનું ચૂર્ણ ખાવાથી લાભ થાય છે. છાતીમાં દુખાવો થાય ત્યારે એનું ચૂર્ણ ઘીમાં ભેળવીને લેવાની પણ ભલામણ કરાય છે. તે પણ યકૃતવિકાર તથા પાંડુરોગમાં વપરાય છે.
હરસ, સોજા, હૃદયરોગમાં તેનો આસવ સરસ ગણાય છે. કેટલીક જગ્યાએ એની કૂમળી છાલનો કવાથ આપવામાં આવે છે. પથરી મટાડવા પણ રગતરોહીડાનો ઉપયોગ થાય છે. જ્યારે મુંઢમાર લાગ્યો હોય અને લોહી મરી ગયું હોય તે વખતે તેનું ચૂર્ણ પાણી સાથે મેળવીને લગાડવાથી તે દોષ મટે છે. તેનો ક્વાથ પીવાથી મૂળવ્યાધિ, સંગ્રહણી, કોઢ તથા શરીરનું જકડાઈ જવું એવા રોગો પણ મટે છે.
શ્વેતપ્રદરમાં એનાં મૂળોનો ઉકાળો પીવાથી રાહત મળે છે. રગતરોહીડા દોઢ કિલો લઈ તેમાં આઠ ગણું પાણી નાખીને ખૂબ ઉકાળવું. આમાંથી ચોથો ભાગ બાકી રહે ત્યારે ઉતારી તેને ગાળી તેમાં ત્રણ કિલો ગોળ તથા ૧૦૦ ગ્રામ ધાવડીનાં ફૂલ અને ત્રિફળા નાખીને બારીક ચૂર્ણ બનાવવું અને તેમાં ઉમેરવું. આમ આ રીતે બનાવેલો આસવ એક મહિના સુધી રાખી મૂકવો પછી તેનો ઉપયોગ કરવો, એનાથી પથરી અને સોજો મટે છે.
રગતરોહીડો, પીપળાનાં મૂળની અંતરછાલ, તાજી વડવાઈની કૂંપણ, તજ, તમાલપત્ર, બાદિયાન, એલચી તથા મજીઠ દરેક ઔષધો સરખે વજને લઈ એનું બારીક ચૂર્ણ બનાવવું ત્યાર બાદ એનો ઉપયોગ કરી શકાય. આનાથી લોહીમાં સુધારો થાય છે. તાકાત વધે છે. શરીરમાં સ્કૂર્તિ વધે છે.રગતરોહીડો, શાલવૃક્ષ, સાતપર્ણી, કપિલો, બેહડા દળ તથા કોઠગર્ભ સરખે વજને લઈ તેનું બારીક ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ સાકર સાથે લેવાથી પ્રમેહ, બરળ તથા યકૃતનાં દર્દ મટે છે.