બધા જાણે છે ચંદન શરીર માટે કેટલું ગુણકારી છે, પરંતુ રતાંજળી (રક્તચંદન) પણ તેટલુજ લાભદાયી છે. રતાંજળી ને રક્તચંદન, ટેરાકાર્પસ સેન્ટલમ્ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ રતાંજળી ના ફાયદા વિશે વિસ્તારથી, અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે પણ.
રતાંજળી એ એક જાતનું ચંદન છે, તેમાં કોઈ વાસ હોતી નથી. એનાં વૃક્ષો મોટાભાગે દક્ષિણ ભારતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેના ઝાડ રાતા રંગનાં હોય છે. માટે તેને રતાંજળી કહેવામાં આવે છે. આ રતાંજળી દવાના કામમાં વપરાય છે, ખાસ કરીને તેના ઉકાળો, તેલ અને લેપ વધારે દવામાં ઉપયોગમાં લેવાય છે.
રતાંજળી ચંદનના કટકાની જેમ જ બજા૨માં વેચાય છે. વજનમાં તે ભારે હોય છે, તેનો ઉપયોગ ચંદન જેવો જ છે. એ સ્વાદે કડવી તથા તૂરી હોય છે. રતાંજળી ગુણમાં પિત્તશામક હોય છે. તે શીતળ અને વ્રણ રોપણ ગણાય છે અને સાથે સાથે તે ૨કતદોષહ૨, કફ હરનાર માનવામાં આવે છે.
રતાંજળી ની તાસીર ઠંડી હોય છે. એ ઉલટી, તૃષા, તાવ, નદોષ, નેત્રરૌગ, દાહ, વ્રણ, કૃમિ, વાતપિત્ત, કફ અને ઉધરસ વગેરે રોગો માટે ઉપયોગી સાબિત થાય છે. લોહીના ઝાડા માટે રતાંજળીનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી જાતનો દસ્ત થતો હોય ત્યારે એની બધી જાત એકઠી કરીને ઉપયોગમાં લેવામાં આવે છે.
બાળકના પેટમાં થયેલી લોહીની ગાંઠ માટે રતાંજળીને પાણીમાં ઘસી આપવામાં આવે છે. ગરમીમાં માથાનો દુખાવામાં તેનો લેપ કરીને કપાળે લગાવવાથી રાહત મળે છે. એનાથી શરીરના કોઈ પણ ભાગના સોજામાં ફાયદો થાય છે. ગુલાબજળ સાથે તેનો લેપ મોઢાનાં દર્દ વખતે કરવામાં આવે છે કેટલાક તેલની બનાવટમાં પણ રતાંજળી ઉપયોગમાં લેવામાં આવે છે.
રતાંજળી ના પાન અને ફળ પણ ખૂબ જ ગુણકારી ગણાય છે. દાઝી ગયા હોય ત્યારે ફોલ્લા રૂઝાવવા માટે રતાંજળી, જીરું, કડવા લીમડાનાં પાન, દૂધ અને માખણ સાથે વાટી એનો લેપ કરતાં જલદી રૂઝ આવી જાય છે. દાઝેલા ભાગ ઉપર રતાંજળી, વંશલોચન, પાંદડી, ગેરું અને ગળો એ તમામનું ચુર્ણ ઘીમાં મેળવી એનો લેપ કરવો તેનાથી ફાયદો થાય છે.
ઉંદરી ઉપર રતાંજળી તથા ગેરુનો લેપ કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે. હેડકી બેસાડવા માટે પણ રતાંજળી ને દૂધમાં ઘસી સિંધવ અથવા પાણી નાખી સુઘવાથી આરામ મળે છે. એને હળદર સાથે ધસીને મોઢા પર લગાડતો ખીલ મટી જાય છે. રતાંજળી, ધાણા, ગળો, લીમડાની છાલનો કવાથ બનાવી, તેનું સેવન કરવાથી મંદાગ્નિ, દાહ, પિત્ત-કફજવર તેમજ તરસ અને ઊલટી મટે છે.
રતાંજળી, લોધર, ઉપલેટ, મજીઠ અને આંબા હળદર દરેક ચીજો દસ દસ ગામ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ બનાવવું. એને સુખડના તેલમાં ભેળવી તૈયાર કરવું. આ રીતે બનાવેલો મલમ માથાની ઉદરી તથા ચામડીના દોષ માટે ઉપયોગી નીવડે છે. એનાથી માથા પરના ગૂમડાં તથા માથાની બળતરા પણ ઓછી થાય છે.
૨તાંજળી, વાળો, ધાણા, કાળો વાળો, પિત્ત પાપડો, નાગરમોથ અને સુંઠ એ દરેક ચીજો સરખે વજને લઈ તેનો રીતસરનો કાઢો તૈયાર કરવો. આ કાઠાના સેવનથી જીણો અને ટાઢિયો તાવ મટે છે. ઉપરાંત મધુપ્રમેહમાં પણ આ ઉકાળો ઘણી રાહત આપે છે. ૨તાંજળી, કરિયાતું, શંખાવલી, જેઠીમધ, કાળી દ્રાક્ષ, પીપર, ભોયરીંગણનું મૂળ અને હળદર એ તમામનું રીતસર ચૂર્ણ બનાવી, આ ચૂર્ણની ગોળી બનાવી શકાય છે.
આ ગોળીના ઉપયોગથી પિત્તથી ઉત્પન્ન થતી દરેક વ્યાધિઓ મટે છે. રતાંજળી, સફેદ ચંદન, પીળું ચંદન, અગર, કપૂરકાચલી, દેવદાર, મોથ, જટામાંસી, ભીમસેની કપૂર તથા કેસર એ દરેક ચીજે અઢી ગ્રામ જેટલી લઈ તેનું રીત સરનું ચૂર્ણ બનાવવું. એ ચૂર્ણના ઉપયોગથી મૂર્છા તથા ફૂટેલી નસકોરીમાં રાહત મળે છે. અને શરીરની ગરમી દૂર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.