સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે. એ વર્ષાયુ છોડ છે અને એના વેલા-છોડ ચોમાસામાં ઉગી નીકળે છે. તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે.
સાટોડી ભારતમાં સર્વત્ર થાય છે. તેના છોડ જમીન પર પથરાયેલા કે વાડો પર ચઢેલા જોવા મળે છે. છોડની શાખાઓ ઝીણી-પાતળી અને મૂળ લાંબા તથા મધ્યમ જાડાઈનાં હોય છે. ઔષધ તરીકે મોટા ભાગે આ મૂળ જ વપરાય છે. સાટોડીની ઘણી જાતો જોવા મળે છે. જેમાંથી સફેદ સાટોડી સર્વોત્તમ ગણાય છે.
સાટોડી ધોળી, રાતી અને કાળી અથવા ભુરી એમ ત્રણ જાત થાય છે. ત્રણેના ગુણો લગભગ સરખા છે, પણ ધોળી સાટોડી ઉત્તમ ગણાય છે. કાળી સાટોડી ખુબ ઓછી જોવા મળે છે. સફેદ સાટોડીના પાનનું શાક થાય છે. રાતીનું થતું નથી.
ઔષધમાં સાટોડીનો સ્વરસ, ઉકાળો, ફાંટ, ચુર્ણ, ગોળીઓ, આસવ, અરીષ્ટ, ઘૃત, તેલ અને લેપ તરીકે વપરાય છે.સફેદ સાટોડી તીખી, તુરી અને જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, પાંડુરોગ, સોજા, વાયુ, ઝેર, કફ, વ્રણ અને ઉદર રોગોને મટાડે છે.
લાલ સાટોડી કડવી, તીખી, શીતળ, વાયુને રોકનાર અને લોહીબગાડ મટાડે છે. સાટોડી મુત્રલ હોવાથી સોજા, પથરી, કીડનીના રોગો, તથા જળોદર મટાડે છે, તથા સારક હોવાથી ચામડીના રોગો મટાડે છે.
જ્યાં પાણી મળતું હોય ત્યાં તે બારે માસ લીલી મળે છે. સાટોડીને પાન ખુબ થાય છે. તે ગોળાકાર, ઘાટાં લીલાં અને પાછળથી ઝાંખાં હોય છે. પાનના ખાંચામાંથી પુષ્પની દાંડી નીકળે છે. જેના ઉપર ઝીણાં, ફીક્કા ઘેરા રંગાનાં છત્રાકાર ફુલો થાય છે.
હૃદયરોગમાં સાટોડી આપવાથી લાભ થાય છે. સાટોડીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ દૂધ સાથે લેવાથી અથવા પુનર્નવાનો આસવ બેથી ચાર ચમચી લેવાથી હૃદયને શક્તિ મળે છે. હૃદયરોગમાં દશમૂલાસવ, પુનર્નવાસવ, કુમારિકાસવ અને અર્જુનાસવ સરખા પ્રમાણમાં મિશ્ર કરી, તેમાંથી રોજ સવાર-સાંજ બે બે ચમચી આસવ પી જવો. આ ઉપચારથી સ્ફૂર્તિ સારી રહે છે, હૃદયના ધબકારા નિયમિત થાય છે, કફ છૂટે છે, પેશાબ સાફ આવે છે અને સોજા ઉતરે છે. સંધિવામાં પણ આ પ્રમાણે ઉપચાર કરી શકાય છે.
સાટોડીનાં મૂળથી હૃદયની સંકોચન ક્રિયા વધે છે, રક્ત જોરથી ધમનીઓમાં આવે છે, બ્લડપ્રેશર વધે છે અને હૃદયમાંથી રક્ત અધિક પ્રમાણમાં ફેંકાય છે. રક્તનું દબાણ વધવાથી મૂત્રનું પ્રમાણ પણ વધે છે અને શરીરમાં સંચિત થયેલું પાણી બહાર નીકળી જાય છે. આ રીતે સાટોડી સોજા ઉતારે છે. આયુર્વેદમાં એટલે તો સાટોડીને ‘શોથધ્ની’ (સોજા ઉતારનાર) કહી છે. સાટોડી સાથે બીજા સાત ઔષધો પ્રયોજીને ‘પુનર્નવાષ્ટક ક્વાથ’ તૈયાર કરવામાં આવે છે. જે બજારમાં તૈયાર પણ મળી રહે છે. સવાર-સાંજ આ ઉકાળા સાથે ‘આરોગ્યર્વિધની વટી’ બે બે ગોળીની માત્રામાં લેવાથી સર્વ પ્રકારનાં સોજા અને જલોદર જેવા રોગો મટે છે.
જલોદર, એપેન્ડિસાઈટીસ, હૃદયાવરણનો સોજો, કિડની કે ગર્ભાશયનો સોજો, લિવર સીરોસીસ, કમળો, હૃદયનાં વિવિધ રોગો, પથરી વગેરેમાં સાટોડી રસ સ્વરૂપે, ચૂર્ણ, ઉકાળા, આસવરૂપે કે મંડૂર સાથે વાપરવાથી લાભ થાય છે જ. આ બધા રોગોમાં મીઠું-નમક બંધ કરવું તથા ગાયનું કે બકરીનું દૂધ લેવું.
પુનર્નવાષ્ટક ક્વાથની જેમ પુનર્નવામંડૂર, પુનર્નવાસવ, પુનર્નવારિષ્ટ, પુનર્નવાઘૃત વગેરે આયુર્વેદિય ઔષધોની બનાવટમાં સાટોડી મુખ્યરૂપમાં પ્રયોજાય છે. સાટોડી આયુર્વેદનું એક મહત્ત્વનું ઔષધ છે.
મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય કે પેશાબ થોડો આવતો હોય તો રોજ સાટોડીનાં મૂળનું અડધી ચમચી ચૂર્ણ દૂધ સાથે પીવું. પથરીમાં પણ સાટોડીનું ચૂર્ણ કે ઉકાળો આપી શકાય છે. વૃદ્ધાવસ્થામાં ઘણીવાર પ્રોસ્ટેટ વૃદ્ધિ થતી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિમાં સાટોડીનું સેવન કરવાથી સારો લાભ થાય છે.
અડધી ચમચી સાટોડીના મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી ચોથીયો તાવ મટે છે.સફેદ સાટોડીનાં બે તાજાં લીલાં મુળ રોજ સવાર-સાંજ ચાવી જવાથી અમ્લપીત્ત મટે છે.
સાટોડીનાં પંચાંગનું ચુર્ણ ઘી અને મધ સાથે ચાટવાથી માથાનો દુ:ખાવો મટે છે.સાટોડીનાં પંચાંગનું ચુર્ણ મધ અને સાકર સાથે લેવાથી કમળો મટે છે.સાટોડીના મુળનું ચુર્ણ હળદરના ઉકાળામાં લેવાથી દુઝતા રક્તસ્રાવી હરસ મટે છે.
સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં મુકવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે.