અત્યારે પણ ૮૦-૯૦ વર્ષેય કડેધડે સ્વાસ્થ્ય ધરાવતા વડીલોને પૂછીશું કે તમારા સ્વાસ્થ્યનું રાઝ શું? તો કદાચ ૫૦ ટકા પાસેથી જવાબ મળશે સુદર્શન ચૂર્ણ. નવી પેઢીને હજી આ કડવા ચૂર્ણના મીઠા ગુણ સમજાયા નથી એટલે તેનો વપરાશ સાવ ઘટી ગયો છે. કોઈ વડીલ સુદર્શનની ફાકી લેવાની સલાહ આપે તોય ન છૂટકે ક્યારેક લે છે.
જોકે એક વાત સ્વીકારવી પડશે કે મોટા ભાગના લોકો હવે સુદર્શન ચૂર્ણ એટલે તાવની દવા એવો સંકુચિત અર્થ જ સમજે છે, પણ એવું નથી. હકીકતમાં એ ઓવરઑલ સ્વાસ્થ્ય માટેનું ટૉનિક પણ છે. સુદર્શન નામનું આ ચૂર્ણ ત્રણેય દોષને મટાડે છે અને સધળા જવરોને પણ અવશ્ય મટાડે છે.
એમાં વિચારવા જેવું નથી દોષોથી થયેલા કે તાવ, ધાતુઓમાં રહેલા વિષમ જવરો ,સન્નીપાતથી થયેલા જવરો , મનની પીડા સબંધી જવરો, શીત, દાહ આદિ, પ્રમેહ, ધેન, ભ્રમ, તરસ, ઉધરસ, શ્વાસ, પાંડુરોગ, હદયના રોગ, કમળો, કેડના પાસલા ભાગનું શુળ, પીઠનું શુળ, ગોઠણનું શુળ અને પડખાનું શુળ પણ મટાડે છે. સધળા પ્રકારના તાવને મટાડવા આ ચૂર્ણને નોર્મલ પાણી સાથે પીવું , જેમ વિષ્ણુનું સુદર્શન ચક્ર દાનવનો નાશ કરે છે , તેમ આ સુદર્શન ચૂર્ણ સધળા પ્રકારના તાવનો નાશ કરે છે.
સુદર્શન ચુર્ણમાં મુખ્ય કરીયાતુ અને કડુ ઉપરાંત ગળો, લીમડાની અંતર્છાલ, ભોંયરીંગણી, પીત્તપાપડો, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો હોય છે. તાવ આવવાનું કારણ પીત્તનો પ્રકોપ છે. કરીયાતુ તાવ માટેનું ઉત્તમ દ્રવ્ય છે. એની સાથે કડુ હોય તો ગમે તેવા તાવને મટાડી દે છે. કડુ આંતરડામાં બાઝેલા કાચા મળને કારણે થયેલી કબજીયાત દુર કરે છે.
જેને કારણે તાવ ઉતારવામાં સહાયતા થાય છે.ત્રીફલા, હળદર, સુંઠ, મરી પીપર, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ, ચીત્રકમુળ વગેરે દીપન, પાચન અને પીત્તઘ્ન ઔષધો સુદર્શન ચુર્ણમાં હોય છે. લોકોને સુદર્શન ચૂર્ણ કડવું લાગે છે એટલે લેવાનું ભાવતું નથી, પણ હકીકતમાં આ જ કડવાશને કારણે તે વિષમજ્વર, પિત્તજ્વર કે ર્જીણજ્વર જેવા તમામ પ્રકારના તાવને દૂર ભગાડે છે.
લઘુસુદર્શન ચુર્ણમાં ગળો, પીપર, હરડે, ગંઠોડા, સફેદ ચંદન, કડુ, લીમડાની અંતરછાલ, સુંઠ અને લવીંગ સરખા પ્રમાણમાં અને એ બધાં કરતાં અડધું કરીયાતુ હોય છે. તાવમાં આ ચુર્ણ બેથી ત્રણ ગ્રામ દીવસમાં ત્રણ વાર લેવું. જો એના અતીશય કડવા સ્વાદને લીધે લેવાનું ફાવતું ન હોય તો રાતે ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ ચુર્ણ નાખી ઢાંકી રાખવું. સવારે ગાળીને પી જવું. અથવા તરત જ ઉપયોગ કરવો હોય તો એક ગ્લાસમાં ૫ ગ્રામ ચુર્ણ લઈ ૧૦૦ ગ્રામ ઉકળતું પાણી રેડી ઢાંકી દેવું. પાણી સહેજ ઠંડું પડે એટલે ગાળીને પી જવું.
આ સુદર્શન ચૂર્ણ છે શું? આ કોઈ એકલ-દોકલ વનસ્પતિ નથી, પણ પૂરાં ૫૪ ઔષધદ્રવ્યોના મિશ્રણથી બનેલી અદ્વિતીય આયુર્વેદિક ઔષધ છે. એક-એકથી ચડિયાતાં કાષ્ટ તેમ જ રસ ઔષધો એમાં ભેગાં કરવામાં આવે છે. એમાં મુખ્ય ભાગ કરિયાતુંનો હોય છે. કરિયાતા કરતાં ચડિયાતું તાવનું ઔષધ આયુર્વેદમાં બીજું કોઈ નથી એવું કહેવાય છે.
ઝીણો તાવ હોય એટલે ‘સુદર્શન’, શરદી હોય એટલે ‘સુદર્શન’, માથું દુખતું હોય એટલે ‘સુદર્શન’, અભૂખ કે અજીર્ણ હોય એટલે ‘સુદર્શન’. ઘરમાં એક ને મેલેરિયા કે ચીકનગુનિયા થઇ ગયો હોય એટલે ઘરના બીજા ‘ભયભીત’ સભ્યો ‘સુદર્શન’ માંડે ફાકવા. મેં તો ઘણાને કોલર ઉંચા કરી કહેતાં સાભળ્યા છે, “હું તો ત્રીસ્સે રોજ ‘સુદર્શન’ ખાઉં છું.
તમે નિયમિત લો પછી જુવો સાહેબ!” આમ, ડોકટરોને રાતોરાત વનવાસ આપવાની વાતો કરે, પછી ભલે વરસાદના એક ઝાપટે ‘સડ-સડ-સડ’ કરતા હોય! ઘણા તો ‘સુદર્શન’ હસતે મોઢે ફાકે કે ચાવી જાય! જાણે પીપરમીંટ ખાતા ન હોય! ન એનું મોઢું કડવાસથી કટાણું થાય કે ન ચહેરા પર કરચલીઓ પડે. શંકર સમજો તો શંકર, મીરાં કહો તો મીરાં.
કહેવાય છે કે સુદર્શન ચક્ર આટલું ઘાતક અને ઝડપી હોવા છતાં એ સહેજ પણ અવાજ નથી કરતું, એની પ્રકૃતિ શાંત છે. સુદર્શન ચૂર્ણ ફાકેલી વ્યક્તિના ચહેરા પર પણ પ્રગાઢ શાંતિ, રોગ મુક્ત પ્રસન્નતા અને તરવરાટ દેખાય છે.
સુદર્શન ચક્ર અનિષ્ટો અને અસૂરોના વિનાશનું એક દૈવી શસ્ત્ર હતું, એવું જ આ કળજુગમાં આપણા સ્વાસ્થ્ય પર હૂમલો કરતા કીટાણુંઓનો નાશ કરવા શોધાયેલું અમોઘ શસ્ત્ર એટલે સુદર્શન ચૂર્ણ. આયુર્વેદમાં આ જડીબુટ્ટીની શોધ તો અનાદિકાળમાં થઇ હોય એમ મને લાગે છે. શક્ય છે કે ભગવાન શ્રી કૃષ્ણના ‘સુદર્શન ચક્ર’નું નામાભિધાન આ ચૂર્ણ ચાખ્યા પછી જ થયું હોય!
સુદર્શનચૂર્ણ ઘરે બનાવવા માટેની રીત:
તમે જાતે જ જો આ ચૂર્ણ બનાવી લેવા માગતા હો તો આ રહ્યાં એનાં દ્રવ્યો : હરડે, બહેડાં, આમળાં, હળદર, દારુહળદર, કટેરી, મોટી કટેરી, કપૂર, સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, મુર્વા, ગળો, ધમાસો, કુટકી, પિત્તપાપડો, નાગરમોથ, ત્રાયમાણ, વાળો, નીમછાલ, પુષ્કરમૂળ, જેઠીમધ, કુડાની છાલ, અજમો, ઇન્દ્રજવ, ભારંગી, સહીજનના બીજ, સૌરાષ્ટ્રી, વચા, તજ, ઉશીર, ચંદન, અતિવિષ, ખરેટીના મૂળ, શાલપર્ણી, વાવડિંગ, પૃષ્ણપર્ણી, તગર, ચિત્રકમૂળ, દેવદારુ, ચવ, પટોલપત્ર, જીવક, ષભક, લવિંગ, વંશલોચન, કમળ, કાકોલી, તમાલપત્ર, ચમેલીનાં પાન, તાલીસપત્ર અને કરિયાતું.
ખાસ નોંધ :
સુદર્શન ચૂર્ણની ફોર્મુલા તથા ઉપયોગીતા લોકોની જાણ માટે છે , જે આયુર્વેદ તથા ઔષધિઓના ગુણ તથા રોગના વિષે જાણતા ના હોય તેવા લોકોએ આ સુદર્શન ચૂર્ણનો ઉપયોગ સીધો કરવો નહિ , ડોક્ટર કે વૈધની સલાહ લઇ આ ચૂર્ણનો ઉપયોગ કરવો .
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.