10-10 ગ્રામ ધાણા અને સાકરને 60 મિલી પાણીમાં એક કલાક પલાળી રાખી, મસળી અને ગાળીને પીવાથી બે કલાકમાં આમદોષથી આવેલો તાવ પરસેવો વળીને ઊતરી જાય છે. 3 થી 6 ગ્રામ મરી વાટી 400 મિલી પાણીમાં ઉકાળી 8 મો ભાગ બાકી રહે ત્યારે 20 ગ્રામ સાકર મેળવી પીવાથી તાવ ઉતરે છે.
અનાનસનો રસ મધ સાથે લેવાથી પરસેવો છૂટી તાવ ઉતરે છે. ખૂબ તાવ આવ્યો હોય અને કોઇ પણ રીતે ઓછો થતો ન હોય તો માથા પર એકધારું પાણી રેડવાથી તાવનું જોર નરમ પડી તાવ ઊતરી જાય છે. આદુ અને ફુદીનાનો ઉકાળો પીવાથી પરસેવો વળી તાવ ઉતરે છે. તે વાયુ અને કફમાં પણ હિતકારી છે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ઠંડી લાગીને આવતો તાવ મટે છે. છાણથી લીંપેલા જમીન પર એરંડાનાં પાન પાથરી રાખી થોડા સમય પછી તે જ પાન તાવના રોગીના શરીર પર રાખવાથી તાવ મટે છે. તાવના રોગીનું શરીર કળતું હોય, આંખો બળતી હોય, માથું દુખતું હોય તો વડના પાનનો ઉકાળો કરીને પીવાથી રાહત મળે છે.
તાવમાં શરીરમાં બળતરા હોય તો કૂણી વડવાઇનો ઉકાળો કરીને પીવો. દૂધીને ચીરી, બે ભાગ કરી માથે બાંધવાથી માથા પર ગરમી ચડી ગઈ હોય તો ઉતરી જાય છે. દ્રાક્ષ, પિત્તપાપડો અને ધાણા ત્રણેય ને પાણીમાં પલાળી રાખી ગાળીને પીવાથી તાવ શાંત થાય છે. ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજે રોજ આવતો તાવ મટે છે.
સફરજનના ઝાડની 4 ગ્રામ છાલ અને પાન 200 ગ્રામ ઊકળતા પાણીમાં નાખી 10-15 મિનિટ સુધી ઢાંકી રાખી ગાળી લઇ, તેમાં એક ચમચી લીંબુનો રસ અને 10-15 ગ્રામ ખાંડ મેળવી પીવાથી તાવની ગભરામણ મટે છે અને તાવ ઉતરે છે. 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી મધ ભેગાં કરી પીવાથી તાવ મટે છે.
એક ચમચી સિંધવનું ચૂર્ણ અને એક ચમચી સાકરને મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફના માર્ગોમાં ચોંટેલો કફ છૂટો પડી ઉધરસ દ્વારા બહાર નકળી જશે. ચાર-પાંચ દિવસ આ ઉપચાર કરવાથી ઉધરસ અને કફ મટી જશે. ગાયનું માખણ અને ખડી સાકર ખાવાથી ઝીણો તાવ મટે છે.
ગમે તેવો કે ગમે તેવા કારણે તાવ આવતો હોય, તાવનું કારણ ખબર ન હોય તો મહાસુદર્શન ચૂર્ણ પાણી સાથે ઉકાળો બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે. ઝીણો તાવ રહેતો હોય તો આમળાનો તાજો રસ, આમળાનું શરબત કે આમળાનો પાઉડર જરૂરી પ્રમાણમાં સાદા પાણીમાં મેળવી નિયમિત દિવસમાં ત્રણ વાર પીવાથી તાવ મટે છે.
તાવમાં સંતરાં ચુસીને ખાવાથી કે તેનો રસ પીવાથી દર્દીને રાહત થાય છે. પાણી, ખોરાક અને ઔષધ એમ ત્રણેની ગરજ સંતરાં સારે છે. પિત્તપાપડાના ઉકાળામાં લીંડીપીપરનું ચૂર્ણ નાખી પીવાથી ગમે તેવો તાવ હોય તે ઉતરી જાય છે. સામાન્ય ઝાડા, ઉલટી, બેચેની, તરસ સાથે સામાન્ય તાવ રહેતો હોય તો દર બબ્બે કલાકે 1-1 ગ્લાસ દાડમનો તાજો રસ પીવાથી તે મટે છે.
1 કપ અતિશય ગરમ પાણીમાં 1 ચમચો મધ મેળવી દિવસમાં ચાર-પાંચ વખત ચા માફક પીવાથી મેલેરિયામાં ફરક પડે છે. લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલું કડું. આ બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ 4 ચમચી જેટલું સવાર, બપોર અને રાત્રે લેવું.
મેલેરિયા મટી ગયા પછી ઝીણો તાવ ઘણા સમય સુધી રહ્યા કરતો હોય તો 3 ગ્રામ કરિયાતું અને 2 ગ્રામ સૂંઠનો ભૂકો એક કપ સારી રીતે ઉકાળેલા પાણીમાં નાખી અડધા કલાક સુધી ઢાંકી રાખવું. આ પછી ગાળીને પી જવું. સવાર-સાંજ તાજું બનાવી આ પીવાથી પંદર-વીસ દિવસમાં ઝીણો તાવ મટે છે.
કારેલીનાં ત્રણ પાન અને મરીના ત્રણ દાણા ભેગાં વાટીને લેવાથી મેલેરિયા મટે છે. કારેલીના પાનનો રસ પણ શરીરે લગાડી શકાય છે. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં મેળવી પીવાથી મેલેરિયા મટે છે. મેલેરિયામાં દિવસ દરમિયાન જ્યારે તાવ ઓછો હોય ત્યારે 12-15 મરી ચાવીને દરરોજ ખાવાથી રોગ સારો થઇ જાય છે, અને ફરીથી કદી થતો નથી.
દર ત્રણ કલાકે 1 ગ્લાસ પાણીમાં બે લીંબુનો રસ ખાંડ, સાકર કે મીઠું નાખી પીવાથી મેલેરિયામાં લાભ થાય છે. ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગાયનું ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. પાણીમાં મીઠું નાખી ઉકાળીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી ટાઢિયો તાવ અને શીત જવર મટે છે. ગળો, પિત્ત પાપડો, નાગરમોથ, કરિયાતું અને સૂંઠ સરખે ભાગે અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી તાવ ઉતરે છે.