વાળ ખરવા બહુ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો એ એક ગંભીર સમસ્યા છે, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરી છે. શું તમે જાણો છો કે દરરોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો આનાથી વધારે વાળ ખરવા લાગે તો તે નુકસાન પહોંચાડી શકે છે.
આવામાં તમારા વાળને યોગ્ય પોષણ આપવાની જરૂર છે. વાળ ખરતા રોકવા માટે ઘરેલુ નુસખા અપનાવી શકાય છે. ભાંગરાનો રસ તેલમાં ઉકાળી માથા ઉપર ઘસવો જેથી વાળ વધશે, વાળ કાળા થશે અને વાળ ખરતા અટકશે. કસુંબના બી તથા તેની છાલ સમભાગે લઈ બાળીને રાખ કરવી અને તેને ચમેલીના તેલમાં મેળવી વાળના મૂળમાં ઘસવાથી વાળ વધે છે અને ખરતા અટકે છે.
રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને આ પાણી પીવું આની સાથે અડધો ચમચી આમળાના ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યામાંથી રાહત મળે છે.
નવશેકું ઓલિવ ઓઇલ રાત્રે વાળ પર લગાવીને સવારે વાળ ધોવાથી વાળ ખરતા અટકશે. ડુંગળીના રસમાં દહીં, તુલસીનો રસ તથા લીંબુનો રસ મેળવી વાળમાં લગાવો. તેનાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે. આમળાના કટકાને કોપરેલના તેલમાં ઉકાળવા, આ તેલ રોજ લગાવવું તેનાથી વાળ ખરતા અટકશે.
આંગળીના ટેરવાથી ભીના માથામાં (ઠંડા પાણીથી ધોયેલ માથામાં) મસાજ કરવો તે ઉતરતા વાળ માટે સૌથી અસરકારક ઉપાય છે. વાળ ઊતરતા હોય તો કોપરાનું દૂધ તાળવામાં ઘસવાથી સુધારો થાય છે. અઠવાડિયે એક વખત હોટ ટૉવેલ મસાજ અને તેલ નાખ્યા પછી દસથી પંદર મિનિટ માટે વાળમાં દહીં નાખવું. આનાથી વાળ નો ગ્રોથ વધે છે અને ખરતા અટકે છે.
મધ, મેથી અને કોપરેલ માથામાં લગાડી, ૪૫ મિનિટ પછી માથું ધોવાથી વાળ ખરતા અટકશે. કોપરાના દૂધમાં મધ, લીંબુ નાખી વાળમાં લગાવો આનાથી વાળ ખરતા અટકશે. દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી, એનાથી માથામાં સારી રીતે માલિશ કરવાથી વાળની ચમક વધી જશે.
ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્સ કરી તેની પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંધ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.
આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાળી, ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાળી, માથામાં લગાવવાથી અકાળે વાળ ધોળા થતા અટકે છે અને વાળ મજબૂત થાય છે.
તુલસીના પાન તથા સૂકા આંબળાને રાતે પાણીમાં પલાળી રાખો અને સવારે ગાળીને તેનાથી માથું ધોવાથી સફેદ વાળ કાળા થાય છે અને ખરતા અટકે છે. લીલા ધાણા નો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાવવાથી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ફરીથી આવે છે.
બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી, વાળના મૂળમાં લગાડી, અડધો કલાક રહેવા દઈ, વાળ ધોવા.આ પ્રયોગ નિયમિત રૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે. એક-એક ચમચી બારીક વાટેલું મીઠું, કાળાં મરી, પાંચ ચમચી, નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી નવા વાળ આવે છે.
ગળીના છોડના પાન, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષધિઓને કોપરેલમાં પ્રોસેસ કરીને બનાવેલું તેલ શ્રેષ્ઠ છે. આ હેર ઓઈલનું માથાના વાળના મૂળમાં હળવા હાથે આંગળીઓથી મસાજ કરવું. નાની ઉંમરમાં પડતી ટાલમાં આ માથાનું તેલ અને સાથે હાથીદાંત રસવંતીની ભસ્મની પેસ્ટ બનાવીને ઘસવામાં આવે તો વાળનો પુનર્વિકાસ (છયલજ્ઞિૂવિં) થવાની સંભાવના વધી જાય છે.
ગ્રીન ટી ને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચા ને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચા ના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશનર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.
આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે ગેસ પરથી ઉતારી ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ પણ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.