ચારોળી અને શિંગોડાં ખાવાથી યાદશક્તિ વધે છે. બદામનો ઝીણો ભૂકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્રે રાખી મૂકવું. સવારે એ મિશ્રણનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. કોળાને છીણઈ કોળાપાક ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. તરબૂચના બીની મીંજ ખાવાથી યાદશક્તિ વધે છે.
યાદશક્તિ વધારવા કેરીની ઋતુમાં પાકી કેરીનો રસ, દૂધ, આદુનો રસ અને ખાંડ આટલી ચીજ જરૂરી પ્રમાણમાં લઇ એકરસ કરી ધીમે ધીમે પી જવું. દરરોજ સવાર-સાંજ આ પ્રયોગ નિયમિત કરવો. આનાથી સ્મરણ શક્તિમાં ખૂબ વધારો થાય છે. અને માનસિક તાકાત પણ ખૂબ વધી જાય છે. ડિપ્રેશનના રોગોને આ પ્રયોગ બહુ કામ લાગે છે.
તજનો પાઉડર મધ સાથે લેવાથી કે તજના ટૂકડા મોંમા રાખી ચૂસતા રહેવાથી ભૂલી જવાની તકલીફ મટે છે. આબાલ-વૃદ્ધ કોઇપણ માટે આ પ્રયોગ અસરકારક છે. ગળો, મોટા ગોખરું, આમળાં, જેઠીમધ, શંખપુષ્પી અને બ્રાહ્મીચૂર્ણ સરખા વજને લઇ એમાંથી 3 થી 6 ગ્રામ 40 વર્ષની ઉમર પછી દરરોજ એક કે બે વખત નિયમિત લેવાથી યાદશક્તિ યથાવત્ રહે છે. સાથે વાયુપ્રકોપ કરે નહિ એવો આહારવહાર રાખવો. એનાથી યુવાની પણ લાંબો સમય ટકે છે.
અશ્વગંધા, વરધારો, આમળાં, મોટાં ગોખરું, ગળો અને બ્રાહ્મીનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ ગાયના ઘી અને મધ સાથે સવાર-સાંજ લેવાથી અને ઉપર દૂધ પીવાથી યાદશક્તિ વધે છે. આ ઉપરાંત બ્રાહ્મીધૃત, સારસ્વતારિષ્ટ, સારસ્વતપૂર્ણ, વચાદિ ચૂર્ણ, બ્રાહ્મીવટી, યશદભસ્મ, જ્યોતિષમતિ રસાયન, ગડુ થ્યાદિ રસાયન, બદામપાક, ચતુર્મુખરસ, યોગેન્દ્રરસ, રસરાજરસ વગેરે ઔષધો પૈકી એક-બે વાપરવાથી પણ સ્મૃતિશક્તિ જળવાઇ રહે છે.
બદામમાં વિટામીન “ઇ” હોય છે, જેનાથી યાદશક્તિ જળવાઇ રહે છે, કેમ કે એમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. એન્ટિઓક્સિડન્ટ મગજના કોષોમાં થતી ગરબડનું પ્રમાણ ઘટાડે છે. વિટામિન “ઇ” ની ગોળી કરતાં બદામ લેવી સારી.
શંખપુષ્પીના આખા છોડ નું ચૂર્ણ 10 ગ્રામ, બદામ નંગ 5, ખસખસ પા ચમચી, મરી નંગ 10, નાની એલચી નંગ 5, વરિયાળી અડધી ચમચી અને ગુલાબનાં ફૂલની પાંખડી નંગ 10 ને ખૂબજ લસોટી ચટણી જેવું બનાવવું. એને એક ગ્લાસ ગરમ દૂધમાં મેળવી બે ચમચી સાકરનો ભૂકો નાખી હલાવી ઠંડુ પાડી રોજ રાત્રે સૂતી વખતે પીવાથી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. પરિક્ષાના દિવસોમાં આ પ્રયોગ ખૂબ જ હિતકારી છે.
નિયમિત ભોજનની પંદર મિનિટ પહેલાં સફરજન ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી યાદશક્તિ તેમજ બી.પી. સામાન્ય થઇ જાય છે. એક મોટો ચમચો વરિયાળીનું ચૂર્ણ સાકરવાળા દૂધમાં નાખી સવાર-સાંજ પીવાથી યાદશક્તિ વધે છે.
મનને તીક્ષ્ણ કરવા માટે બ્રાહ્મી એક ઉત્તમ આયુર્વેદિક દવા છે. તેના ઉપયોગથી યાદ-શક્તિમાં વધારો થાય છે. 1/2 ચમચી બ્રાહ્મી લો અને 1 ચમચી હૂંફાળા પાણીમાં મિક્સ કરો, તેનાથી મગજની ક્ષમતા વધે છે. મેહંદીના પાંદડાઓમાં કરનોસિક તત્વ જોવા મળે છે. જેના કારણે માનવ મગજના સ્નાયુઓ સક્રિય થઈ જાય છે અને એટલું જ નહીં કે તેની પાસે એટલી મોટી શક્તિ છે કે તે તમારી ખોવાયેલી સ્મૃતિ પાછી લાવી શકે છે, તેથી લોકો તેમના મગજમાં આરામ માટે અને તેને ઠંડુ રાખવા માટે માથા પર મહેંદીના પાંદડા લગાવે છે.
બદામના નવ દાણાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે બારીક પીસી લો. અને એની સાથે અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ, એક ચમચી મધ લઈને એને એક ચમચી દેશી ઘી માં મિક્ષ કરીને પી જાવ. યાદ શક્તિ સારી થઇ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.